રોકડ પુરાંત : રાષ્ટ્રની વાસ્તવિક આવકનો એ ભાગ, જે નાણાના સ્વરૂપમાં લોકો પોતાની પાસે રોકડમાં રાખતા હોય છે. રોકડ પુરાંતો એ સમાજ દ્વારા સંઘરેલી ‘તરલ ખરીદશક્તિ’(ready purchasing power)નું પ્રતિનિધિત્વ કરે છે અને તેના જથ્થામાં થતા ફેરફારો અર્થતંત્રમાં નાણાનું મૂલ્ય નક્કી કરતું અગત્યનું પરિબળ હોય છે.
રોકડ પુરાંત(cash balance)નો ખ્યાલ ‘કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ’ તરીકે જાણીતા બનેલા એક જૂથે રજૂ કર્યો છે. આ જૂથ સાથે આલ્ફ્રેડ માર્શલ, એ. સી. પિગૂ, જે. એમ. કેઇન્સ અને ડી. એચ. રૉબર્ટસન જેવા અગ્રણી અર્થશાસ્ત્રીઓનાં નામ સંકળાયેલાં છે.
કોઈ પણ અર્થતંત્રમાં નાણાનું મૂલ્ય કે નાણાની ખરીદશક્તિ કયાં પરિબળો દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે તેનું વિશ્લેષણ કરતી બે મુખ્ય વિચારસરણીઓ રજૂ કરવામાં આવી, જે નાણાના પરિમાણના સિદ્ધાંત તરીકે જાણીતી બની છે. આ બે વિચારસરણીઓમાંથી એક વિચારસરણી અમેરિકન અર્થશાસ્ત્રી ઇર્વિંગ ફિશરના નામ સાથે સંકળાયેલી છે અને તે ‘વિનિમય સમીકરણ’ (transaction equation) તરીકે જાણીતી બની છે અને બીજી વિચારસરણી કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરી છે અને તે વૈકલ્પિક રીતે ‘રોકડ પુરાંતનું સમીકરણ’ (cash balances equation) તરીકે જાણીતી બની છે. આ બીજી વિચારસરણીના કેન્દ્રમાં ‘રોકડ પુરાંત’નો ખ્યાલ છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓની મુખ્ય દલીલ એ છે કે કોઈ પણ અર્થતંત્રમાં નાણાનું મૂલ્ય અથવા તેની ખરીદશક્તિ નાણા દ્વારા થતા કુલ વ્યવહારો દ્વારા નહિ, પરંતુ રોકડ પુરાંતોના પ્રમાણ દ્વારા નક્કી થતું હોય છે. આ વિચારસરણી મુજબ દરેક સમાજમાં દરેક તબક્કે લોકો પોતાની વાસ્તવિક આવકનું અમુક પ્રમાણ રોકડના રૂપમાં સંઘરતા હોય છે અને જ્યારે જ્યારે આ રોકડ પુરાંતોના પ્રમાણમાં ફેરફાર થાય છે, ત્યારે ત્યારે નાણાનું મૂલ્ય અથવા નાણાની ખરીદશક્તિમાં ફેરફાર થયા કરે છે.
કેમ્બ્રિજ સમીકરણ મુજબ નાણાંની માંગ વાસ્તવિક આવકના એક નિશ્ચિત ભાગ રૂપે દર્શાવી શકાય. જેમ સમાજની દરેકેદરેક વ્યક્તિ પોતાની વાસ્તવિક આવકનો અમુક હિસ્સો રોકડ પુરાંતના રૂપમાં સંઘરી રાખવાનું પસંદ કરતી હોય છે, તેવી જ રીતે દરેક સમાજના લોકો પણ તે સમાજની વાસ્તવિક આવકનો અમુક હિસ્સો રોકડ નાણાંના સ્વરૂપમાં પોતાની પાસે સંઘરી રાખે છે અને તેથી જ રોકડ પુરાંતો કે નાણા માટેની માંગ રાષ્ટ્રની સમય સમયની વાસ્તવિક આવકના ભાગ રૂપે દર્શાવી શકાય.
નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચેનો સંબંધ વ્યક્ત કરવા માટે જુદા જુદા કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ જુદાં જુદાં સમીકરણો પ્રસ્તુત કર્યાં છે; જેમાં પ્રો. એ. સી. પિગૂએ રજૂ કરેલ સમીકરણ નમૂના રૂપે અહીં દર્શાવવામાં આવ્યું છે :
જેમાં P = કાયદેસરનાં નાણાંનું મૂલ્ય અથવા તેની ખરીદશક્તિ. K = રાષ્ટ્રની વાસ્તવિક આવકનો એ હિસ્સો કે પ્રમાણ જે લોકો રોકડ નાણાંના સ્વરૂપમાં પોતાની પાસે સંઘરી રાખે છે. R = કુલ વાસ્તવિક આવક (વસ્તુઓ અને સેવાઓનું સ્વરૂપ). M = નાણાનું પરિમાણ કે તેનો જથ્થો.
ઉપર દર્શાવેલ સમીકરણમાં જે K પદ છે તે રોકડ પુરાંતનો નિર્દેશ કરે છે અને તેમાં થતા ફેરફારો રોકાંડ પુરાતના સિદ્ધાંત મુજબ નાણાંના મૂલ્યમાં ફેરફાર લાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે