રોકડ પ્રવાહ-વિશ્લેષણ

January, 2004

રોકડ પ્રવાહ-વિશ્લેષણ : રોકડ વસૂલાત અને રોકડ વિતરણના નિશ્ચિત અવધિના આંકડાઓ ઉપર આધાર રાખીને તૈયાર કરેલા પત્રકનું વિશ્લેષણ. હિસાબી પદ્ધતિ અનુસાર, તૈયાર કરેલાં પેઢીનાં નફા-નુકસાન તથા નફા-નુકસાન વિનિયોગ ખાતાં તથા સરવૈયાના આંકડાઓની મદદથી રોકડ પ્રવાહપત્રક બનાવવામાં આવે છે. કેટલીક વાર પેઢી રોકડ પ્રવાહપત્રકને બદલે રોકડ સારાંશપત્રક બનાવે છે અને તેમાં લોન, શેર, ડિબેન્ચર, સ્થાવર મિલકતો અને ફરતી મૂડીમાં થયેલી વધઘટના આંકડાઓનો આધાર લેવામાં આવે છે. આ રોકડ સારાંશપત્રક બનાવવામાં નફા-નુકસાન ખાતાના આંકડાઓની મદદ લેવાતી નથી તેથી તે ઉપરછલ્લું (superficial) હોય છે અને તેને રોકડ પ્રવાહપત્રક કહી શકાય નહિ.

રોકડ પ્રવાહપત્રક બનાવવા માટે નફા-નુકસાન ખાતું અને સરવૈયામાં દર્શાવેલા બધા જ રોકડ વ્યવહારોનું સંયોજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, (1) નફા-નુકસાન ખાતામાં દર્શાવેલા કાચા માલની ખરીદી, મજૂરી, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, વિક્રય-ખર્ચ, થાપણો ઉપર ચૂકવેલું વ્યાજ, ઉત્પાદન-શુલ્ક (central excise) ઇત્યાદિ મહેસૂલી પ્રકારના રોકડ ખર્ચાઓ તથા ઉત્પાદિત માલનું વેચાણ, થાપણો ઉપર મળેલું વ્યાજ ઇત્યાદિ મહેસૂલી પ્રકારની રોકડ આવકો, (2) નફા-નુકસાન વિનિયોગ ખાતા મુજબ શેરહોલ્ડરોને ડિવિડન્ડની રોકડ વહેંચણી અને (3) સરવૈયામાં દર્શાવેલ સ્થાવર મિલકતોની ખરીદી, પ્રેફરન્સ શેરો/ડિબેન્ચરોનું પ્રતિદાન (redemption) ઇત્યાદિ મૂડી-પ્રકારના રોકડ ખર્ચાઓ તથા સ્થાવર મિલકતોનું વેચાણ, શેર/ડિબેન્ચર/ઋણ-પ્રમાણપત્રો (bond) બહાર પાડીને રોકડ નાણાંની પ્રાપ્તિ ઇત્યાદિ મૂડી-પ્રકારની રોકડ આવકોનો રોકડ પ્રવાહપત્રકમાં સમાવેશ કરવામાં આવે છે. રોકડ પ્રવાહપત્રક અને નફા-નુકસાન ખાતું એકબીજાથી ભિન્ન છે. ધંધામાં થયેલો વકરો જો ખરીદી કરતાં વધારે હોય તો નફો થાય છે અને રોકડ પ્રવાહમાં વધારો થાય છે. હિસાબી સૂત્ર અનુસાર નફા-નુકસાન ખાતા મુજબના ચોખ્ખા નફામાં જો ઘસારો, કે જે રોકડ ખર્ચ નથી, તે ઉમેરીએ તો સરવાળાની રકમ રોકડ પ્રવાહમાં થયેલા વધારા બરાબર હોય છે; છતાં ધંધામાં નફો થાય તો રોકડ પ્રવાહ વધે અને નુકસાન થાય તો રોકડ પ્રવાહ ઘટે તેવું હંમેશાં બનતું નથી, કારણ કે ધંધામાં નુકસાન થયું હોય તોપણ કેટલીક વાર રોકડ પ્રવાહ વધી શકે છે. ઉદાહરણ તરીકે, બધા વ્યવહારો રોકડમાં હોય તેવા ધંધામાં નફા-નુકસાન ખાતે રૂ. 85,000 ઘસારો ઉધાર્યા પછી રૂ. 40,000 નુકસાન થયું હોય છતાં રોકડ પ્રવાહમાં [(–) રૂ. 40,000 નુકસાન + રૂ. 85,000 ઘસારો એમ રૂ. 45,000] વધારો થાય છે.

રોકડ પ્રવાહપત્રક નીચેના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે :

નફા-નુકસાન ખાતું અને સરવૈયાની મદદથી રોકડ પ્રવાહપત્રક ઉપરાંત ભંડોળ પ્રવાહપત્રક નામનું એક અન્ય પત્રક પણ બનાવવામાં આવે છે, પરંતુ આ બંને પત્રકોમાં તાત્વિક તફાવત હોય છે : (1) રોકડ પ્રવાહપત્રક વર્ષારંભે બાકી રહેલી રોકડ રકમ, વર્ષ દરમિયાન રોકડ રકમની આવક-જાવક અને વર્ષાંતે બાકી રહેલી રોકડ રકમની વિગતો દર્શાવે છે; પરંતુ ભંડોળ પ્રવાહપત્રક વર્ષ દરમિયાન મૂડીભંડોળમાં થયેલા ફેરફારની વિગતો દર્શાવે છે. (2) રોકડ પ્રવાહપત્રકમાં પેઢીના રોકડ રકમના સ્રોત અને વિનિયોગની વિગતો દર્શાવાય છે તેથી વર્ષારંભે બાકી રહેલી રોકડ રકમની સરખામણીમાં વર્ષાંતે રોકડ રકમમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની વિગતવાર માહિતી મેળવી શકાય છે; પરંતુ ભંડોળ પ્રવાહપત્રકમાં ભંડોળના સ્રોત અને વિનિયોગની વિગતો દર્શાવાય છે તેથી વર્ષારંભની સરખામણીમાં વર્ષાંતે મૂડીભંડોળમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની વિગતવાર માહિતી મેળવી શકાય છે. (3) રોકડ પ્રવાહપત્રકમાં દર્શાવેલા આંકડાઓમાંથી મૂડીભંડોળમાં થયેલી વધઘટને લગતા આંકડાઓની પુનર્ગોઠવણી કરવામાં આવે તો ભંડોળ પ્રવાહપત્રક બનાવી શકાય છે, પરંતુ ભંડોળ પ્રવાહપત્રકમાં રોકડ સિવાયના અન્ય આંકડાઓની પણ નોંધ લેવાતી હોવાથી ભંડોળ પ્રવાહપત્રકની મદદથી રોકડ પ્રવાહપત્રક બનાવી શકાતું નથી. (4) રોકડ પ્રવાહપત્રકની મદદથી પેઢીનાં ટૂંકા ગાળાનાં દેવાં અને ભંડોળ પ્રવાહપત્રકની મદદથી પેઢીનાં લાંબા ગાળાનાં દેવાં ચૂકવવાની પેઢીની ક્ષમતાનો અંદાજ મેળવી શકાય છે.

રોકડ પ્રવાહપત્રક વર્ષ દરમિયાન ઘટેલી ઐતિહાસિક ઘટનાઓ સમજવા પૂરતું જરૂર ઉપયોગી છે, પરંતુ તે ભવિષ્યમાં ઉદભવનારી પરિસ્થિતિ અંગે કશો પ્રકાશ પાથરી શકતું નથી; તેથી ધંધાની પ્રગતિ સાધવા માટે રોકડ પ્રવાહ-પત્રકના આંકડાઓની માહિતીને પાયારૂપ ગણીને કેટલીક પેઢીઓ ભવિષ્યનાં વર્ષોનું રોકડ અંદાજપત્રક (cash budget) બનાવીને ઉપયોગમાં લે છે.

જયન્તિલાલ પો. જાની