રોકડતા (liquidity) : વસ્તુઓ અને સેવાઓ ખરીદવાની કોઈપણ અસ્કામતની ઝડપ અને જોખમમુક્તિની માત્રા. વ્યાખ્યાથી જ નાણું પૂર્ણ રોકડતા ધરાવતી અસ્કામત છે, કેમ કે નાણાંની મદદથી તત્કાળ અને મૂડીમૂલ્યના કશાય જોખમ વિના અન્ય વસ્તુઓ ખરીદી શકાય છે. અન્ય અસ્કામતો પણ ઓછીવત્તી માત્રામાં રોકડતા ધરાવતી હોય છે, જે તપાસવાની સંપૂર્ણપણે સુસંગત નહિ એવી બે કસોટીઓ છે : (1) અસ્કામતનું કેટલી ત્વરાથી અને કેટલા વિનિમય ખર્ચે (સોદા-ખર્ચે) નાણાંમાં રૂપાંતર કરી શકાય છે તેના પર તેની રોકડતા અવલંબે છે. આને રૂપાંતરની કસોટી કહેવામાં આવે છે. (2) નાણાંમાં માપવામાં આવતા તેના મૂડીમૂલ્યમાં થતી વધઘટથી તે અસ્કામત કેટલી મુક્ત છે ? રૂપાંતરની કસોટી પ્રમાણે ટૂંકી મુદતે ઉપાડી શકાતી થાપણ, પાંચ વર્ષની મુદતના સરકારી બૉન્ડની તુલનામાં અલ્પ માત્રામાં જ વધુ રોકડતા ધરાવે છે; કેમ કે એવાં બૉન્ડને બજારમાં ઝડપથી વેચી શકાય છે, પરંતુ મૂડી-જોખમની બીજી કસોટી પ્રમાણે થાપણની તુલનામાં બૉન્ડ નિશ્ચિત રીતે ઓછી રોકડતા ધરાવે છે; કેમ કે બજારમાં તેના મૂડીમૂલ્યમાં મોટી વધઘટ થયા કરે છે. અસ્કામતની રોકડતા નક્કી કરવા માટે આ બીજી કસોટી પર હવે વધુ ભાર મૂકવામાં આવે છે.
શાંતિલાલ બ. મહેતા