રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ (જ. 27 માર્ચ 1927, બાકુ, આઝરબૈજાન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવામાં પાબ્લો કેસાલ્સ પછીના શ્રેષ્ઠ ચેલો(cello)વાદક, પિયાનોવાદક અને વાદ્યવૃંદ-સંચાલક.
સંગીતકાર માતાપિતાએ સ્તિલાવને પિયાનો અને ચેલો વગાડવાની તાલીમ આપેલી. પછી એ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1943થી 1948 સુધી ત્યાં અભ્યાસ કર્યો. ચેલો વગાડવા માટે 1951માં તેમને સ્ટૅલિન પ્રાઇઝ મળ્યું હતું. 1956માં તેઓ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં ચેલોના પ્રોફેસર બન્યા. 1950થી જ વાદન માટે તેમણે વિદેશયાત્રાઓ શરૂ કરી દીધેલી. ગાલિના વિશ્નેવ્સ્કાયા નામની સોપ્રાનો ગાયિકા સાથે તેમણે લગ્ન કર્યું. ગાલિના ગાતી ત્યારે સ્તિલાવ પિયાનોસંગત કરતા. 1968થી સ્તિલાવે વાદ્યવૃંદ-સંચાલક તરીકે નામના મેળવી.
સોવિયેત સરકારે હડધૂત કરેલા અને ‘સડેલા’ જાહેર કરેલા પ્રખર સાહિત્યકાર ઍલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનને સ્તિલાવે 1970માં ટેકો જાહેર કરતાં સોવિયેત સરકારે તેમની વિદેશયાત્રાઓ અને સંગીતકાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો. આમ છતાં, 1974માં તે સરકારે સ્તિલાવ અને ગાલિનાને બે વરસના ગાળા માટે વિદેશ જવા દીધાં. તેઓ બંને અમેરિકા ગયાં અને મળેલી સુવર્ણ તકનો લાભ લઈને એ યુગલે સોવિયેત સંઘમાં ફરી કદી પાછાં નહિ ફરવાનું લીધેલું પણ જાહેર કર્યું. ગિન્નાયેલી સોવિયેત સરકારે એ બંનેનાં નાગરિકત્વ રદબાતલ જાહેર કર્યાં. 1977માં સ્તિલાવ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.ના નૅશનલ સિમ્ફની ઑર્કેસ્ટ્રાના સંચાલક નિમાયા.
વાદન અને સંચાલનમાં સ્તિલાવ ક્વચિત્ રંગદર્શિતાવાદના અતિરેક માટે ટીકાપાત્ર બનેલા. અમેરિકન સ્વરનિયોજક લુકાસ ફોસ, આર્મેનિયન સ્વરનિયોજક આરામ ખાચાતુરિયન તથા રશિયન સ્વરનિયોજકો સર્ગેઇ પ્રોકોફિફ અને દમિત્રી શોસ્ટાકોવિચે સ્તિલાવના વાદન માટેની કૃતિઓ સર્જી છે.
અમિતાભ મડિયા