રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો (જ. 8 માર્ચ 1495, ફ્લૉરેન્સ; અ. 14 નવેમ્બર 1540, પૅરિસ) : રીતિવાદી શૈલીના ઇટાલિયન ચિત્રકાર. તેમનાં અન્ય નામો છે રૉસો ફિયૉરેન્તિનો અને ઇલ રૉસો. આન્દ્રે દેલ સાર્તોના સ્ટુડિયોમાં રૉસોએ ચિત્રકલાની પ્રારંભિક તાલીમ મેળવી. આ દરમિયાન તેમના સમકાલીન ચિત્રકાર પૉન્ટૉર્મો પણ તેમના સહાધ્યાયી હતા. આ તાલીમ દરમિયાન રૉસો અને પૉન્ટૉર્મો બંનેએ ઉન્નત (high) રેનેસાંસની કલાથી જુદા પડી જર્મન ગૉથિક અને માઇકલૅન્જેલોની કલાનાં લક્ષણોનો સમન્વય કરી ભાવાવેશવાળી શૈલીનું સર્જન કર્યું. આ દરમિયાન રૉસોની પ્રતિનિધિરૂપ ચિત્રકૃતિઓમાં ફ્લૉરેન્સના ઍનન્ઝિયાટામાં રહેલું ભીંતચિત્ર ‘એઝમ્પ્શન’ (1517), ‘પિના કૉટેકા કૉમ્યુનાલે’માં રહેલું ‘ડિપૉઝિશન’ (1521) અને ફ્લૉરેન્સના ઉફિત્ઝિ ચૅપલમાં રહેલું ‘મૉઝિઝ ડિફેન્ડિંગ ધ ડૉટર્સ ઑવ્ જૅથ્રો’(1523)નો સમાવેશ થાય છે.
1523માં રૉસો રોમમાં સ્થિર થયા. અહીં રૉસોની શૈલીમાં થોડું પરિવર્તન આવ્યું. તેમાં ભાવજગતની અભિવ્યક્તિ હવે નિયંત્રિત સ્વરૂપે થતી જોવા મળે છે. 1527માં રોમ નગરમાંથી રૉસોની હકાલપટ્ટી થતાં તેમણે મધ્ય ઇટાલીનાં નગરોમાં 3 વરસ સુધી કામ કર્યું. 1530માં ફ્રાન્સિસ પહેલાનું આમંત્રણ મળતાં વેનિસ થઈને ફ્રાન્સ પહોંચી તેઓ રાજવી-સેવામાં જોડાયા. અહીં અન્ય ચિત્રકાર ફ્રાન્ચેસ્કૉ પ્રિમાતિચ્ચિયૉના સહયોગમાં સુશોભનલક્ષી શૈલી વિકસાવી અને ફૉન્તેનેબ્લો મહેલની ભીંતો પર ચિત્રો સર્જ્યાં. આ ભીંતચિત્રોની શૈલી ‘ફૉન્તેનેબ્લો’ નામે ઓળખાઈ અને તેની અસર ઇટાલી તેમજ ઉત્તર યુરોપમાં ફેલાઈ.
અમિતાભ મડિયા