રૉસકૉમન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકના કૉનૉટ (Connaught) પ્રાંતમાં આવેલું પરગણું. તે ગ્રામીણ અને ખેતીપ્રધાન વિસ્તાર છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,463 ચોકિમી. જેટલું છે. અહીંના મોટામાં મોટા નગરનું નામ પણ રૉસકૉમન છે. સેન્ટ કૉમનનાં લાકડાં ‘આયરિશ રૉસ કૉમેઇન’ પરથી ‘રૉસકૉમન’ નામ પડેલું છે.

ભૂમિ : શૅનોન નદી અને તેની સાથે સંકળાયેલાં સરોવરો રૉસકૉમનની પૂર્વ સરહદ રચે છે. શૅનોનની સહાયક સક નદી નૈર્ઋત્ય સીમા રચે છે. મેયો (Mayo) પશ્ચિમ તરફ અને સ્લિગો (Sligo) વાયવ્યમાં આવેલાં છે. રૉસકૉમનનું ભૂપૃષ્ઠ ચૂનાખડકો, રેતીખડકો, શેલ અને પિટના ગર્ત વિભાગોથી બનેલું છે. ઉત્તર તરફ ઊંચાણવાળા ભાગો, ઊંડા થરવાળી જમીનો તેમજ ગોળાકાર ટીંબા આવેલા છે. ઓછા જળપ્રવાહોને કારણે પિટના ગર્ત રચાયેલા છે. રૉસકૉમનમાં સરેરાશ વાર્ષિક વરસાદ 1,000 મિમી. જેટલો પડે છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 4° સે. અને 15° સે. જેટલાં રહે છે.

રૉસકોમન

લોકો અને સરકાર : ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં અહીંથી થતા રહેલા સ્થળાંતરને કારણે રૉસકૉમનની વસ્તી ઘટતી ગઈ છે. આજે તો તેની વસ્તી 1850માં હતી તેના કરતાં 33 % જેટલી અથવા વધુ ઓછી થઈ ગઈ છે. કુલ વસ્તીના 20 % લોકો અહીંનાં શહેરોમાં રહે છે. વસ્તીના 97 % લોકો રોમન કૅથલિક છે. આયર્લૅન્ડના વધુમાં વધુ રોમન કૅથલિક અહીં રહે છે, બાકીના 3 % લોકો અન્ય ધર્મ પાળે છે. વસ્તી : 51,975 (1996).

રૉસકૉમનનો મતદાર વિભાગ અલગ છે. તે સંસદના નીચલા ગૃહ માટે ત્રણ સભ્યોને ચૂંટીને મોકલે છે. અહીંની સ્થાનિક સરકાર પ્રાંતીય કાઉન્સિલથી ચાલે છે. તેનું મુખ્ય વહીવટી મથક રૉસકૉમન ખાતે આવેલું છે.

અર્થતંત્ર : રૉસકૉમનના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાયમાં છે. અહીંની મધ્ય ભાગ અને દક્ષિણની જમીનો ફળદ્રૂપ છે. ખેતરો વિશાળ વિસ્તારવાળાં છે. અહીંની 20 % જમીનોમાં જવ, ઓટ અને બટાટાની ખેતી થાય છે. અહીંની ખેતી ગ્રામીણ જરૂરિયાતો તેમજ ગોપાલકોને લક્ષમાં રાખીને થાય છે. અહીંના ખેડૂતો પશુપાલન પણ કરે છે.

રૉસકૉમનના માત્ર 12 % લોકો ઉદ્યોગોમાં છે. રૉસકૉમન, બોયલ અને બલ્લાઘડેરીન અહીંનાં મુખ્ય નગરો તથા ઔદ્યોગિક કેન્દ્રો છે. આ વિસ્તારમાં કાપડ, ઇજનેરી અને ધાતુઉદ્યોગો આવેલા છે. અહીંની મુખ્ય પેદાશોમાં બાંધકામ-સામગ્રી, રસાયણો, કપડાં, ઇજનેરી માલસામાન અને ખાદ્યસામગ્રીનો સમાવશ થાય છે. વસ્તીના 40 % લોકો સેવાઉદ્યોગો–છૂટક વેપાર, શિક્ષણ, બૅંકિંગ અને નાણાકીય વ્યવહાર તથા સ્વાસ્થ્ય-સંભાળમાં કામ કરે છે.

રૉસકૉમન મુખ્ય સડકમાર્ગો દ્વારા ડબ્લિન, ગાલવે, મેયો અને સ્લિગો સાથે જોડાયેલું છે. રેલમાર્ગોની સુવિધા પણ સારી છે.

ઇતિહાસ : ટલ્સ્ક નજીકનું રૅથક્રોઘન કૉનૉટના રાજાનું પ્રાચીન મથક હતું. અહીંના બોયલ ખાતે સિસ્ટર્શિયન મઠના તેમજ રૉસકૉમન ખાતે કિલ્લાના અવશેષો આવેલા છે.

ઑલિવર ક્રૉમવેલની દોરવણી હેઠળનાં અંગ્રેજ દળોએ 1649માં આયર્લૅન્ડ પર હુમલો કરેલો. ઘણા લોકોએ આ પરગણાના કેટલાક ભાગોમાંથી પોતાના આવાસો ગુમાવેલા અને તેઓ રૉસકૉમન ખાતે જઈને વસેલા. 1840ના દાયકામાં અહીં ભયંકર દુકાળ પડેલો, તેથી પ્રાંતના બીજા ભાગો કરતાં અહીં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયેલું. તે વખતે અહીંની આશરે 2 વસ્તી મોતને ભેટેલી અથવા સ્થળાંતર કરી ગયેલી. આયર્લૅન્ડના પ્રથમ પ્રમુખ ડગ્લાસ હાઇડ અહીં રૉસકૉમનમાં જન્મેલા.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા