રૉશૅંબો, ઝાં બાપ્તિસ્ત (જ. 1 જુલાઈ 1725, વેન્ડોમ, ફ્રાન્સ; અ. 10 મે 1807) : ફ્રાન્સના માર્શલ. લશ્કરમાં હયદળના અધિકારી તરીકે જોડાયા. પછી ર્ક્ધાલ બન્યા અને 1756માં મિનોર્કા સુધીની ફ્રેન્ચ આગેકૂચમાં નામના મેળવી. પૉર્ટ મેહોન ખાતે 15,000નું ખુશ્કીદળ ખડકીને બ્રિટિશ દળોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. 1761માં તેમને બ્રિગેડિયર જનરલ તરીકે બઢતી મળી. 1763માં જર્મની પર વિજય મેળવ્યા બાદ 1776માં તેમને વિલેફ્રેન્કેન રૉસિલોનના ગવર્નરપદે નીમ્યા.
1780માં રહોડે આઇલૅન્ડ નામના નવા બંદરનો કબજો મેળવવા માટેનો બ્રિટિશ ચક્રવ્યૂહ નિષ્ફળ બનાવવાના આશયથી તેમની અને વૉશિંગ્ટન વચ્ચે વ્યૂહાત્મક પરિષદ યોજવામાં આવી. તેમાં ભૂમિ અને દરિયાઈ સત્તાની બાબતમાં સંમતિ સાધવામાં આવી.
વર્જિનિયા પરના બ્રિટિશ આક્રમણ સામે વૉશિંગ્ટને 9,500 સૈનિકોનું અમેરિકન દળ અને રૉશૅંબોએ તેના પ્રથમ વર્ગના 7,800 સૈનિકોને રણ-મેદાનમાં ઉતાર્યા અને તેમના દ્વારા ભારે તોપમારો અને બૉંબમારો કરી બ્રિટિશ સેનાને મહાત કરી અને તેમના સેનાપતિ કૉર્નવોલિસને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. તેમાં રૉશૅંબોની કુનેહ અને ઉત્તમ વ્યૂહરચના ગણનાપાત્ર હતી.
પછીનાં 6 વર્ષ તેમણે કેલેસ અને આલ્સેસના ગવર્નર તરીકે સેવા બજાવી. ક્રાંતિકાળ દરમિયાન તેમણે નૉર્ધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટને દોરવણી પૂરી પાડી. 1791માં તેમને ફ્રાન્સના માર્શલનો દરજ્જો આપવામાં આવ્યો.
બળદેવભાઈ કનીજિયા