રૉય, બિધાનચંદ્ર (ડૉ.) (જ. 1 જુલાઈ 1882, પટણા; અ. 1 જુલાઈ 1962, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી, વિખ્યાત ડૉક્ટર તથા ભારતરત્ન ઍવૉર્ડના વિજેતા. ખુલના જિલ્લા(હાલ બાંગ્લાદેશમાં)ના શ્રીપુરના મહારાજા પ્રતાપાદિત્ય ઑવ્ જેસોરના તેઓ કુટુંબી હતા. પિતા પ્રકાશચંદ્ર એકેશ્વરવાદી હતા અને બ્રહ્મોસમાજમાં જોડાયેલા. તેમના પિતા ડેપ્યુટી મૅજિસ્ટ્રેટ અને ક્લેક્ટરપદે પહોંચ્યા હતા, જેમની સન્માનનીય, મોભાદાર અને નેકદિલ વ્યક્તિ તરીકેની ખ્યાતિ હતી. માતા અઘોરકામિની ધાર્મિક વૃત્તિનાં તેમજ સામાજિક કાર્યકર્તા હતાં, જેમના જીવનનો પુત્રના જીવન પર ઘણો પ્રભાવ હતો. વ્યક્તિગત જીવનમાં તેઓ શ્રીમદ્-ભગવદગીતાથી તથા અન્ય સંસ્કૃત ગ્રંથોથી પ્રભાવિત હતા. રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓનું વાચન તેમનો શોખ હતો.
પટણામાં તેમણે કૉલેજશિક્ષણ મેળવ્યું અને પાશ્ચાત્ય શિક્ષણથી તેઓ આકર્ષાયા. 1901માં ગણિતશાસ્ત્રના વિષય સાથે સ્નાતક બન્યા. કોલકાતા મેડિકલ કૉલેજના આચાર્ય કર્નલ લુક્સી સાથેનો પરિચય મિત્રાચારીભર્યો અને પ્રેરક રહ્યો. 1906માં એલ.એમ.એસ. અને 1908માં એમ.ડી.ની ડિગ્રી મેળવી. વિવિધ અવરોધો છતાં 1909માં લંડનની સેન્ટ બાથૉર્લોમ્યુ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ત્યાંના નિવાસ દરમિયાન બે જ વર્ષમાં, એકસાથે એમ.આર.સી.પી. અને એફ.આર.સી.એસ.ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી, એટલું જ નહિ, એમ.આર.સી.પી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાને રહ્યા.
આ અભ્યાસ પૂરો કરી ભારત આવ્યા ત્યારે સરકારે તેમને કૅમ્પબેલ મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ સર્જન નીમ્યા. અહીં કેટલાક યુરોપિયન અધિકારીઓના ઉન્નતભ્રૂ વલણથી કંટાળી નોકરી છોડી અને નવી સ્થપાયેલી કારમાઇકેલ મેડિકલ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. અહીંની પ્રશંસનીય કામગીરી સાથે કોલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા.
1923માં દેશબંધુ ચિત્તરંજન દાસના સ્વરાજ્ય પક્ષના ટેકાથી આ યુવા ડૉક્ટર સ્વતંત્ર ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સર સુરેન્દ્રનાથ બૅનરજીને પરાજિત કર્યા. આ ચૂંટણીથી તેમણે બંગાળના રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો. લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં સક્રિય કામગીરી સાથે દેશબંધુ ચિતરંજન મેમૉરિયલ ટ્રસ્ટના સભ્ય તરીકે ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવાપ્રવૃત્તિઓ વિસ્તારી. દેશબંધુના અવસાન બાદ તેઓ સ્વરાજ્યવાદી પક્ષના ઉપનેતા બન્યા. શરદચંદ્ર બોઝ, નિર્મલચંદ્ર ચુંદર, તુલસીચંદ્ર ગોસ્વામી અને નલિનીરંજન સરકાર સાથે બંગાળના રાજકારણને માર્ગદર્શન પૂરું પાડી આ જૂથ ‘બિગ ફાઇવ ઑવ્ બૅંગાલ (Big Five of Bengal) તરીકે જાણીતું બન્યું.
1928થી તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો અને કૉંગ્રેસના સભ્ય ચૂંટાયા. અખિલ ભારતીય કૉંગ્રેસની કૉલકાતા ખાતેની બેઠકમાં સ્વાગત સમિતિના મંત્રી નિમાયા અને મહાત્મા ગાંધી, મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ તથા અન્ય નેતાઓના ગાઢ સંપર્કમાં આવ્યા. પછીથી તેઓ આમાંના કેટલાક નેતાઓના અંગત તબીબ રહ્યા.
સવિનય કાનૂનભંગની લડત વેળા તેમણે એસેમ્બ્લીમાંથી રાજીનામું આપ્યું. 1930માં કૉંગ્રેસ કારોબારીમાં તેમને સ્થાન મળ્યું. કૉંગ્રેસની દિલ્હી ખાતેની બેઠકોમાં તેઓ હાજર રહેતાં તેમની ધરપકડ કરવામાં આવી અને પ્રથમ વાર છ મહિના માટે જેલયાત્રા કરી.
કારાવાસમાંથી છૂટ્યા બાદ 1931માં અને ’32માં કૉલકાતાના નગરપતિ બન્યા. 1934માં બંગાળ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. તે પછી થોડો સમય તબીબી વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં રૉયલ સોસાયટી ઑવ્ ટ્રૉપિકલ મેડિસિન અને હાઇજીનના ફેલો નિમાયા અને ચંદ્રકો મેળવ્યા. અમેરિકન સોસાયટી ઑવ્ ચેસ્ટ ફિઝિશિયન્સના પણ ફેલો, મેડિકલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પ્રમુખ જેવા મહત્વના હોદ્દા સંભાળ્યા. 1939માં કૉંગ્રેસની કારોબારી સમિતિનું સભ્યપદ તેમણે અનિચ્છાએ ગાંધીજીની વિનંતીથી સ્વીકાર્યું. 1942માં આગાખાન મહેલના ગાંધીજીના ઉપવાસ સમયે તેમના અંગત તબીબ તરીકે સેવાઓ આપી. 1942થી ’44 દરમિયાન કોલકાતા યુનિવર્સિટીના કુલાધિપતિ રહ્યા. યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનાર્હ ડિગ્રી એનાયત કરી. આ દરમિયાન રાષ્ટ્રીય લડત તેજ બની હતી. 1947માં ફરી બંગાળ લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં પહોંચ્યા.
સ્વતંત્ર ભારતમાં તેમને ભારતના સૌથી મોટા રાજ્ય સંયુક્ત પ્રાંતના રાજ્યપાલનું પદ સોંપાયું, જેનો તેમણે અસ્વીકાર કર્યો. 1948માં પશ્ચિમ બંગાળના વિધાનસભ્યોએ તેમને નેતા ચૂંટ્યા. તેઓ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. રાજ્યવહીવટમાં ધરખમ ફેરફારો કરી તેમણે દૃઢ નિર્ણયશક્તિ સાથે કામનો આરંભ કર્યો અને રાજ્યના ઇતિહાસમાં જનસેવાનું ઉજ્જ્વળ પ્રકરણ ઉમેર્યું. વિસ્થાપિતોની સમસ્યાઓ, વધતી વસ્તી, અવારનવારના દુષ્કાળ, બેકારી છતાં કાર્યક્ષમ વહીવટ પૂરો પાડ્યો અને રાજ્યને પ્રગતિના પંથે મૂક્યું. જમીનદારી-નાબૂદી અને જમીન-ટોચમર્યાદા જેવા ધારાઓ દ્વારા કૃષિક્ષેત્રે નોંધપાત્ર સુધારો કરી નવા ઉદ્યોગો ઊભા કર્યા. દુર્ગાપુર મોટા ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું. સ્વાતંત્ર્યનો લાભ નીચલા વર્ગો સુધી પહોંચાડવા નવી શાળાઓ, કૉલેજો અને સ્વાસ્થ્ય-કેન્દ્રો વિસ્તાર્યાં અને પ્રજાજીવનને સમૃદ્ધ કર્યું. પર્વતારોહણની પ્રવૃત્તિમાં ઊંડો રસ લીધો અને દાર્જિલિંગ ખાતે પર્વતારોહણ માટેની સંસ્થા સ્થાપી આ પ્રવૃત્તિના પદ્ધતિસર વિકાસ માટેની તક પૂરી પાડી. તેમના નેતૃત્વ હેઠળ બંગાળની પ્રજાએ 1952, ’57 અને ’62ની જાહેર ચૂંટણીઓમાં કૉંગ્રેસને વિજયી બનાવી. અપરિણીત રહી વ્યક્તિગત ધોરણે તેમણે પોતાનું નિવાસસ્થાન દર્દી-મુલાકાતીઓ માટે ખુલ્લું રાખ્યું અને રોજેરોજ ગરીબ દર્દીઓની તબીબી તપાસ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. સાદું અને સૌમ્ય જીવન જીવી ઉદાર અને વિપુલ સખાવતો દ્વારા જાહેર જીવનનાં ઊંચાં મૂલ્યો અને ધોરણો પ્રસ્થાપિત કર્યાં. અમેરિકા અને જાપાનના આમંત્રણથી વિદેશપ્રવાસ ખેડ્યો. આટલાં કાર્યો વચ્ચે પણ દર્દીનારાયણની સેવા જ તેમનો ઉદ્દેશ રહ્યો. તેમની જાહેર સેવાઓને લક્ષમાં લઈને 1961માં તેમને ‘ભારતરત્ન’ના અસાધારણ બહુમાનથી વિભૂષિત કરવામાં આવ્યા.
રક્ષા મ. વ્યાસ