રૉય, પ્રફુલ્લચંદ્ર (જ. 2 ઑગસ્ટ 1886, રારૂલી–કતીપરા, જિ. ખુલના, બાંગ્લાદેશ; અ. 16 જૂન 1944, કૉલકાતા) :  ઉચ્ચ કોટિના રસાયણવિદ અને ભારતમાં રાસાયણિક સંશોધન તેમજ રાસાયણિક ઉદ્યોગના પ્રણેતા. તેમના દાદા નાદિયા તથા જેસોરના દીવાન હતા. પિતા હરિશ્ચંદ્ર રૉય ઉર્દૂ, અરબી, સંસ્કૃત અને અંગ્રેજીના સારા જાણકાર હતા. હરિશ્ચંદ્ર રૉયે પોતાના જિલ્લામાં સૌપ્રથમ બૅન્ક અને અંગ્રેજી શાળાની સ્થાપના કરેલી. નવ વર્ષની વય સુધી પ્રફુલ્લચંદ્રે આ શાળામાં અભ્યાસ કર્યો હતો. તે પછી કુટુંબ કૉલકાતા આવતાં (1870) તેમણે પ્રથમ હેર સ્કૂલમાં અને પછી આલ્બર્ટ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. 1874માં સખત મરડો થઈ જતાં ઘેર રહીને અભ્યાસ કરવો પડેલો. 1879માં આલ્બર્ટ સ્કૂલમાંથી તેમણે પ્રવેશ-પરીક્ષા પસાર કરી અને વધુ અભ્યાસ અર્થે મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ(હવે વિદ્યાસાગર કૉલેજ)માં દાખલ થયા. 1882 સુધી તેમણે ત્યાં જ અભ્યાસ કર્યો. તે દરમિયાન તેઓ પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રને લગતાં વ્યાખ્યાનો સાંભળવા જતા. રસાયણના વિષય સાથે તેઓ બી.એ. થયા.

આ અરસામાં જાણીતા દેશભક્ત સુરેન્દ્રનાથ બૅનરજીનાં વક્તૃત્વપૂર્ણ વ્યાખ્યાનોથી તેઓ મુગ્ધ બન્યા અને સ્વદેશપ્રેમનો ભાવ તેમના અંતરમાં જાગ્યો. કેશવચંદ્ર સેનનાં વ્યાખ્યાનોએ તેમને બ્રહ્મોસમાજ તરફ આકર્ષ્યા. 1882માં તેઓ તેના સભ્ય બન્યા.

1882માં ગિલક્રિસ્ટ સ્કૉલરશિપ મળતાં તેઓ યુનિવર્સિટી ઑવ્ એડિનબરોની ફૅકલ્ટી ઑવ્ સાયન્સમાં દાખલ થયા. અહીં ઍલેક્ઝાન્ડર સ્મિથ અને જેમ્સ વૉકર તેમના સહાધ્યાયીઓ હતા. 1885માં તેમણે બી.એસસી.ની અને 1888માં ડી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન તેમને યુનિવર્સિટી તરફથી હોપ પ્રાઇઝ (1887–88) ઉપરાંત અનેક શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત થઈ.

ઇંગ્લૅન્ડમાં છ વર્ષ ગાળ્યા બાદ તેઓ ભારત આવ્યા અને એક વર્ષ નોકરીની શોધમાં ગાળ્યું. 1889માં તેમને કોલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં રસાયણશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપકની નિમણૂક મળી. 1911માં તેઓ શ્રેયાન પ્રાધ્યાપક બન્યા. દરમિયાન 1904માં બંગાળની સરકારે તેમને યુરોપની અગ્રણી રાસાયણિક પ્રયોગશાળાઓની મુલાકાતે મોકલેલા. 1912માં ફરીથી તેઓ યુરોપની સફરે ગયા હતા. 1916માં 25 વર્ષની સેવાઓ બાદ તેઓ પ્રેસિડન્સી કૉલેજમાંથી નિવૃત્ત થયા. અહીં તેમણે સફળ શિક્ષક અને પ્રતિભાશાળી સંશોધક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી.

પ્રફુલ્લચંદ્ર રૉય

1916ના ઑક્ટોબરમાં તેમણે કોલકાતામાં નવી શરૂ થયેલી યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાયન્સમાં પાલિત પ્રોફેસર ઑવ્ કેમિસ્ટ્રી અને વિભાગના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 1936માં નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી પણ તેઓ આ સંસ્થામાં જીવનના અંત સુધી માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપતા રહ્યા હતા. અહીં એ નોઁધવું જોઈએ કે 1921માં પોતે 60 વર્ષના થયા તે પછી તેમણે પોતાને મળતો બધો પગાર રસાયણશાસ્ત્રમાં સંશોધનાર્થે દાનમાં આપી દીધો હતો. તેઓ અને તેમના સાથી ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક જગદીશચંદ્ર બોઝ બે એવા ભારતીય અધ્યાપકો હતા કે જેમણે કુદરતી વિજ્ઞાનના વિષયોમાં સંશોધન શરૂ કરીને અનેક યુવાન વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધનમાં પ્રેરણા આપી.

1895માં તેમણે કરેલી મર્ક્યુરસ નાઇટ્રાઇટની શોધ ખૂબ અગત્યની છે. તેમની બીજી અગત્યની શોધ એમોનિયમ નાઇટ્રાઇટની છે. આ ક્ષેત્રે તેમનું સંશોધનકાર્ય ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેઓ માસ્ટર ઑવ્ નાઇટ્રાઇટ્સ કહેવાતા. તેમના સંશોધનને કારણે તેઓ ભારતમાં રાસાયણિક સંશોધનના પિતા તથા રાસાયણિક ઉદ્યોગના આદ્યસ્થાપક તરીકે ઓળખાય છે.

દેશમાંથી પ્રાપ્ત થતા કાચા માલનો ઉપયોગ કરી તેમણે 1892માં રૂ. 800/-ની મૂડીથી ઔષધો બનાવવાનું કારખાનું શરૂ કર્યું. બેંગૉલ કેમિકલ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ વર્કસ લિ. (1902) નામનું કારખાનું તેમના પુરુષાર્થનું ફળ છે. અન્ય અનેક ઔદ્યોગિક સંગઠનો સાથે પણ તેઓ સંકળાયેલા હતા.

તેમણે લગભગ 80 જેટલાં ઔષધદ્રવ્યોની શોધ કરી છે. સંશોધનના ફળસ્વરૂપે તેમણે 200 જેટલા સંશોધનલેખો પ્રગટ કર્યા છે. તેમના જાણીતા શિષ્યોમાં કુંવરજી નાયક, જિતેન્દ્રનાથ સેન, અતુલચંદ્ર ઘોષ, હેમેન્દ્રકુમાર સેન, જ્ઞાનેન્દ્ર ઘોષ, રસિકલાલ દત્ત, નીલરત્ન ધર, જે. સી. ઘોષ વગેરેને ગણાવી શકાય.

તેમણે લખેલ ‘હિસ્ટ્રી ઑવ્ હિન્દુ કેમિસ્ટ્રી’નો પ્રથમ ખંડ 1902માં તથા બીજો ખંડ 1908માં પ્રગટ થયેલ છે. તેમાં તેમણે રસાયણવિજ્ઞાનના ક્ષેત્રમાં અગાઉના ભારતીયોએ જે સિદ્ધિઓ મેળવેલી તેનો વ્યવસ્થિત હેવાલ આપ્યો છે. આ ગ્રંથના પ્રકાશનથી તેમની ખ્યાતિ ખૂબ વધી અને રસાયણશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું નામ આગળ આવ્યું. આ પુસ્તકનું નવસંસ્કરણ 1956માં ‘હિસ્ટ્રી ઑવ્ કેમિસ્ટ્રી ઇન એન્શિયન્ટ ઍન્ડ મિડીવલ ઇન્ડિયા’રૂપે ઇન્ડિયન કેમિકલ સોસાયટી દ્વારા થયું હતું. 1932માં તેમની આત્મકથા ‘લાઇફ ઍન્ડ એક્સ્પીરિયન્સિઝ ઑવ્ અ બેંગૉલી કેમિસ્ટ’નો પ્રથમ ખંડ અને 1935માં તેનો બીજો ખંડ પ્રકાશિત થયેલો.

1920માં તેઓ ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. રસાયણશાસ્ત્રના ક્ષેત્રે થતાં વૈજ્ઞાનિક સંશોધનોને વેગ આપવા તેમણે 1924માં ઇન્ડિયન કેમિકલ સોસાયટીની સ્થાપના કરી તથા બે ટર્મ માટે તેના સ્થાપક પ્રમુખ રહ્યા. સંસ્થા પોતાનું એક સામયિક ‘જર્નલ ઑવ્ ઇન્ડિયન કેમિકલ સોસાયટી’ બહાર પાડે છે.

પ્રફુલ્લચંદ્ર રૉય જીવનભર અવિવાહિત રહ્યા અને પોતાની કમાણીનો મોટો ભાગ સંશોધન માટે વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખર્ચતા. તેમની રહેણીકરણી સાવ સાદી અને આડંબર વિનાની હતી. જનતાએ તેમને આચાર્યનું બિરુદ આપ્યું અને તેઓ આચાર્ય ડૉ. રૉય તરીકે ઓળખાતા થયા.

ડૉ. રૉયને અનેક માન-અકરામો મળ્યાં હતાં. ડર્નહેમ, ઢાકા, કૉલકાતા અને બનારસ યુનિવર્સિટીએ તેમને ડી.એસસી.ની માનાર્હ પદવીથી નવાજ્યા હતા. 1934માં લંડનની કેમિકલ સોસાયટીના માનાર્હ ફેલો બન્યા. મુન્ચેનની ડ્યુશ અકાદમીના પણ તેઓ ફેલો હતા. 1911માં તેમને ‘કંપેનિયન ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ધી ઇન્ડિયન એમ્પાયર’ બનાવવામાં આવ્યા હતા જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમને બ્રિટિશ સરકારે નાઇટ(સર)નું બિરુદ આપી તેમનું સન્માન કર્યું હતું.

એક સામાજિક કાર્યકર અને સુધારક તરીકે તેમણે અદ્વિતીય સેવાઓ આપી છે. દુષ્કાળ, પૂર અને અન્ય કુદરતી આફતો વખતે તેઓ મદદ માટે હંમેશાં તત્પર રહેતા.

જ. પો. ત્રિવેદી