રૉય, નિરૂપા (જ. 4 જાન્યુઆરી 1931, વલસાડ; અ. 13 ઑક્ટોબર 2004, મુંબઈ, મહારાષ્ટ્ર) : ગુજરાતી-હિંદી ચલચિત્રોનાં ગુજરાતી અભિનેત્રી. મૂળ નામ : કોકિલા કિશોરચંદ્ર બલસારા. મૂળ વલસાડનાં. તેમના પિતા કિશોરચંદ્ર બલસારા રેલવેમાં એક ફિટર તરીકે ફરજ બજાવતા હતા. દાહોદમાં ચાર ચોપડી ભણેલાં નિરૂપા 14 વર્ષનાં હતાં ત્યારે 1945માં કમલ રૉય  સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પહેલાં ગુજરાતી અને પછી હિંદી ચિત્રોમાં વર્ષો સુધી મુખ્ય ભૂમિકાઓ અને ચરિત્રભૂમિકાઓ ભજવ્યા પછી નિવૃત્ત જીવન ગાળી રહેલાં નિરૂપા રૉય પ્રારંભિક ફિલ્મોમાં જેમ તેમની ખૂબસૂરતીને કારણે જાણીતાં હતાં, તેમ ચરિત્ર-ભૂમિકાઓમાં માતાની ભૂમિકાઓમાં પણ તેમણે એટલી જ ખ્યાતિ મેળવી હતી. ખાસ કરીને ‘દીવાર’ અને ‘અમર અકબર એન્થની’ સહિતનાં ઘણાં ચિત્રોમાં અમિતાભ બચ્ચનની માતાની તેમણે ભજવેલી ભૂમિકાઓ યાદગાર બની ગઈ છે. ફિલ્મનિર્માતા બી. એમ. વ્યાસનું ગુજરાતી ચિત્ર ‘રાણકદેવી’ તેમનું પ્રથમ ચિત્ર હતું. કોકિલામાંથી તેમનું નામ નિરૂપા રૉય રખાયું.

નિરૂપા રૉય

‘રાણકદેવી’ ચિત્રમાં તેમની ભૂમિકા સાવ નાની હતી એટલે 1946માં પ્રદર્શિત થયેલું ગુજરાતી ચિત્ર ‘ગુણસુંદરી’ તેમનું પ્રથમ ચિત્ર કહી શકાય, કારણ કે એમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ‘ગુણસુંદરી’માં તેમની સાથે નાયક મનહર દેસાઈ હતા. મનહર દેસાઈ સાથે તેમણે એ પછી ઘણાં ચિત્રોમાં કામ કર્યું હતું અને તેમની જોડી ખાસ્સી લોકપ્રિય બની હતી. ‘ગુણસુંદરી’ની સફળતા પછી નિરૂપા રૉયને કેટલાંક ગુજરાતી ચિત્રોની ઑફરો મળી હતી, પણ તેમણે રણજિત સ્ટુડિયોની ‘મંગળ ફેરા’ અને ‘ગાડાનો બેલ’  આ બે જ ચિત્રોમાં કામ કર્યું અને પછી હિંદી ફિલ્મો તરફ વળી ગયાં. હિંદીમાં તેમનું પહેલું ચિત્ર હતું ‘હમારી મંઝિલ’ (1949). એ જ વર્ષે તેમનું બીજું ચિત્ર ‘ગરીબી’ પ્રદર્શિત થયું. ‘ઉધાર’માં પણ તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. એ પછી તો નિરૂપા રૉયને એક પછી એક ચિત્રો મળતાં ગયાં. નિરૂપા રૉયે અનેક ધાર્મિક ચિત્રોમાં પણ કામ કર્યું છે; જેમાં ‘હર હર મહાદેવ’, ‘નાગપંચમી’, ‘નાગકન્યા’ સહિત 40 ધાર્મિક ચિત્રોનો સમાવેશ થાય છે. આ ચિત્રોમાં તેમણે મોટાભાગે દેવીઓની ભૂમિકા ભજવી હતી. નિરૂપા રૉયે પ્રથમ હિંદી ચિત્રમાં કામ કર્યું ત્યાં સુધી તેમને હિંદી બોલતાં પણ આવડતું નહોતું. તેઓ હિંદી શીખ્યાં અને પછી કામ શરૂ કર્યું હતું.

1951થી 1961 સુધીનો દાયકો તેમની કારકિર્દીમાં ખૂબ મહત્વનો રહ્યો. 1952માં તો ‘સિંદબાદ ધ સેલર’ ચિત્રમાં તેમણે ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી. 1953માં બિમલ રૉયના ખ્યાતનામ ચિત્ર ‘દો બીઘા જમીન’નાં નાયિકા પણ નિરૂપા રૉય હતાં. ભારતીય કિસાનનું વાસ્તવિક જીવન નિરૂપતા આ ચિત્રે નિરૂપા રૉયને પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને સન્માન અપાવ્યાં હતાં. 1955માં ‘મુનીમજી’ ચિત્રમાં પહેલી વાર તેમણે દેવ આનંદની માતાની ભૂમિકા ભજવી હતી. એક પડકાર ગણીને આ ભૂમિકા સ્વીકારી હતી. ‘મુનીમજી’માં તેમનું પાત્ર કેન્દ્રસ્થાને તો હતું જ, તે સાથે તેમાં યુવાનીથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીનો વિવિધ સમયગાળો આવરી લેવાયો હતો. આ પાત્ર તેમણે એવી સહજતાથી ભજવ્યું હતું કે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ‘ફિલ્મફેર’ ઍવૉર્ડ પણ મળ્યો હતો. જોકે એ પછી નિરૂપા રૉયને વિવિધ ચરિત્ર-ભૂમિકાઓની ઑફરો થવા માંડી અને તેમણે એ સ્વીકારવા માંડતાં તેઓ ચરિત્ર-અભિનેત્રી બની ગયાં.

1955માં ‘મુનીમજી’માં માતાની ભૂમિકા ભજવ્યા બાદ આવી ભૂમિકાઓની તેમને ઘણી ઑફરો થઈ હતી, પણ માતાની ભૂમિકા તેમણે લગભગ છ વર્ષ સુધી સ્વીકારી નહોતી. એ પછી એમની એક ફિલ્મ ‘છાયા’માં તેઓ આશા પારેખની માતા બન્યાં હતાં. આ ભૂમિકા માટે પણ તેમને ઍવૉર્ડ મળ્યો હતો. એ પછી તો તેઓ મોટાભાગે માતાની ભૂમિકામાં જ દેખાતાં હતાં.

હરસુખ થાનકી