રૉન્ડેલેશિયા (Rondeletia) : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબીએસી કુળની એક શોભન પ્રજાતિ. તેની ભારતમાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી એક જાતિનું નામ Rondeletia speciosa છે. તેની ઊંચાઈ લગભગ 1.5 મી. જેટલી હોય છે. તેના છોડ બહુ ફેલાતા નથી. પર્ણો સાદાં, સંમુખ, ઉપપર્ણીય (stipulate) નાનાં અને સદાહરિત હોય છે. તેની ઉપરની સપાટી રોમિલ હોય છે અને નીચેની સપાટી સુંવાળી અને આછી લીલી હોય છે. પર્ણટોચ અણીવાળી હોય છે. પુષ્પો નાનાં, લગભગ 2 સેમી.થી 3 સેમી. પહોળાં, ઇક્ઝોરાનાં પુષ્પ જેવાં લાલ રંગનાં અને વચ્ચે કેસરી ટપકાંવાળાં હોય છે. પુષ્પો નાનાં ઝૂમખાંઓમાં બારે માસ આવે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં તેનો બેસારો વધારે હોય છે. પુષ્પ છોડ ઉપર લાંબો સમય સુધી ટકે છે.
આ જાતિની વૃદ્ધિ ધીમી હોય છે અને તે તડકામાં તેમજ આછા છાંયામાં થઈ શકે છે. તેનું પ્રસર્જન કટકારોપણ, દાબકલમ કે ગુટી દ્વારા કરવામાં આવે છે. કટકારોપણ માટે ચોમાસામાં ટોચ ઉપરની કોમળ શાખાની પસંદગી હિતાવહ છે.
મ. ઝ. શાહ