રૉન્ડેન નૅશનલ પાર્ક

January, 2004

રૉન્ડેન નૅશનલ પાર્ક : ઉત્તર-મધ્ય નૉર્વેમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 61° 50´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. . 1962ના ડિસેમ્બરમાં શાહી આદેશ દ્વારા કુદરતી માહોલ જળવાઈ રહે તે રીતે આયોજન કરી તેનું નિર્માણ કરવામાં આવેલું છે, 1970માં અધિકૃત રીતે તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ખુલ્લો મૂકી રાષ્ટ્રને સમર્પિત કરાયો છે. તેનો કુલ વિસ્તાર 572 ચોકિમી. જેટલો છે. પહાડો અને શિખરોવાળું તેનું ભૂપૃષ્ઠ સ્થાનભેદે સરેરાશ 900થી 2,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંના સર્વોચ્ચ શિખરની ઊંચાઈ 2,178 મીટર છે. અહીં હલકી કક્ષાની જમીનો આવેલી હોવાથી વૃક્ષો કે વનસ્પતિનું પ્રમાણ ઓછું છે. શંકુદ્રુમ પ્રકારનાં છૂટાંછવાયાં વૃક્ષો (મુખ્યત્વે બર્ચ – ટૂંકા કદનાં) અહીં જોવા મળે છે. ભૂમિતળ મોટે ભાગે શેવાળ(રેન્ડિયર શેવાળ)થી આચ્છાદિત રહે છે. તેના કારણે અહીંની ભૂમિ પીત-શ્વેત રંગની દેખાય છે. અહીંના પવાલા આકારનાં પીળાશ-પડતાં સફેદ ફૂલ ધરાવતા ગ્લૅશિયર ક્રોફુટ (glacier crowfoot) નામના છોડ વિશેષ ઉલ્લેખનીય છે. અહીં બારે માસ જોવા મળતાં વન્ય પ્રાણીઓમાં વન્ય રેન્ડિયર, સ્ટોઆટ, વીઝેલ, હેર, રાતું શિયાળ, વુલ્વરાઇન તેમજ અન્ય સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. વિવિધ પક્ષીની જાતો પણ જોવા મળે છે. તે પૈકીનાં તાર્મિગન, સ્નો બન્ટિંગ, વ્હી-ઇયર અને મૅડો પિપિટ પહાડોના ઊંચાઈવાળા ભાગોમાં મળે છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા