રૉટર્ડૅમ

January, 2004

રૉટર્ડૅમ : ઍમસ્ટર્ડેમ પછીના બીજા ક્રમે આવતું નેધરલૅન્ડ્ઝનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 55´ ઉ. અ. અને 4° 31´ પૂ. રે.. રૉટર્ડૅમ એ દુનિયાનાં વ્યસ્ત રહેતાં દરિયાઈ બંદરો પૈકીનું એક ગણાય છે. આ શહેર ઉત્તર સમુદ્રથી પૂર્વ તરફ આશરે 31 કિમી.ને અંતરે નીવે માસ (Nieuwe Maas) નદીના બંને કાંઠા પર વસેલું છે. આ નદી રહાઇન નદીની એક સહાયક નદી છે. 1872માં ઇજનેરોએ રૉટર્ડૅમને દરિયા સાથે જોડતી નીવે વૉટરવેગ નામથી ઓળખાતી ખાડી(જળમાર્ગ)નું નિર્માણકાર્ય પૂરું કર્યું. આ જળમાર્ગ મારફતે રૉટર્ડૅમ નજીક આવેલાં ઘણાં શહેરો સાથે જોડાયેલું રહે છે.

સમુદ્રકિનારે રૉટર્ડૅમ બંદર

1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું તે અગાઉ જર્મન બૉંબમારાથી આ શહેરના મધ્ય ભાગમાં આવેલી ઘણીખરી ઇમારતોનો નાશ થયેલો. આ બધી ઇમારતો પછીથી ફરીને બાંધવામાં આવેલી. બૉંબમારા દરમિયાન જે ઇમારતો બચી જવા પામેલી, તે પૈકી મધ્યકાલીન યુગનું સેન્ટ લૉરેન્સ ચર્ચ પણ હતું, આ ચર્ચ આ શહેરની ઓળખ માટેનું મુખ્ય ભૂમિચિહ્ન (landmark) ગણાય છે. ચર્ચના નુકસાની ભાગોનું સમારકામ પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત રૉટર્ડૅમનો ‘ડેલ્ફશેવન’ (Delfshaven) નામે ઓળખાતો જૂનો બંદર-વિભાગ પણ વિનાશમાંથી બચી ગયેલો. આ વિભાગમાં સત્તરમી સદીની ઘણી ઇમારતો આવેલી છે.

રૉટર્ડૅમના મોટાભાગના નિવાસીઓ વિશ્વયુદ્ધ બાદ નવા બંધાયેલા નાના નાના આવાસોમાં રહે છે. શહેરના બજારમાં દુકાનોના ઘણા વિસ્તારો છે. અહીંના બૉયમાન્સવાન બ્યુનિન્ગેન સંગ્રહાલયમાં ડચ કલાનો મોટો સંગ્રહ જળવાયેલો છે. દોએલેન નામના સંગીતમથક ખાતે કાર્યક્રમો માટેના ઘણા કક્ષ રાખેલા છે. અહીં આવેલી રૉટર્ડૅમની ઇરૅસ્મસ યુનિવર્સિટીની સ્થાપના 1973માં કરવામાં આવી છે.

આ શહેરનું અર્થતંત્ર અહીં મોટા પાયા પર ચાલતા જહાજી ઉદ્યોગ પર નભે છે. યુરોપૂર્ટ નામે ઓળખાતું શહેરનું બંદર નેધરલૅન્ડ્ઝને, જર્મનીના મોટા ઔદ્યોગિક વિસ્તારોને તથા ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડને સેવાઓ પૂરી પાડે છે. અહીંના અન્ય મુખ્ય ઉદ્યોગોમાં તેલ-શુદ્ધીકરણ, જહાજ-બાંધકામ/સમારકામ તથા સેવા-ઉદ્યોગોમાં વીમાકાર્ય અને બૅંકવ્યવસ્થાનો સમાવેશ થાય છે.

રૉટર્ડૅમની વસ્તી 1999 મુજબ તેના મ્યુનિસિપલ વિસ્તાર પૂરતી 5,92,665 અને મહાનગરની વસ્તી 10,82,620 જેટલી છે. જાન્યુઆરી અને જુલાઈનાં તેનાં તાપમાન અનુક્રમે 2.6° સે. અને 16.6° સે. જેટલાં રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 800 મિમી. જેટલું રહે છે.

સત્તરમી સદી સુધી તો રૉટર્ડૅમ એક નાનું માછીમારી મથક માત્ર હતું. અહીંના આ માછીમારોએ જ ઇંગ્લડ અને ફ્રાન્સ સાથે વેપાર વધાર્યો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન નીવે વૉટરવેગ જળમાર્ગ થતાં જહાજોની અવરજવર વધી, બંદર તરીકે તે વિકસ્યું. બીજા વિશ્વયુદ્ધમાં શહેર અને બંદરમાં જર્મનોએ કરેલા બૉંબમારાથી નુકસાન થયેલું, ત્યારે થોડા વખત માટે શહેરનું અર્થતંત્ર લગભગ ભાંગી પડેલું. અર્થતંત્રને બેઠું કરવા ઝડપથી બંદરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. 1957માં યુરોપીય રાષ્ટ્રોના આર્થિક સંઘયુરોપિયન કોમ્યૂનિટીમાં નેધરલૅન્ડ્ઝ જોડાયું. તે પછીથી રૉટર્ડૅમ એક મહત્વના જહાજી મથક તરીકે ઊપસી આવ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા