રૉટબ્લાટ, જોસેફ

January, 2004

રૉટબ્લાટ, જોસેફ (જ. 1908, વૉર્સો; અ. ) : પોલૅન્ડના નામાંકિત અણુશાસ્ત્ર-વિરોધી આંદોલનકાર, પદાર્થવિજ્ઞાની અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોલૅન્ડ ખાતે અભ્યાસ કર્યો. 1939માં તેઓ લિવરપૂલ યુનિવર્સિટી ખાતે ગયા. ત્યારબાદ અમેરિકામાં અણુબૉંબ પ્રૉજેક્ટમાં કાર્ય કર્યું. યુદ્ધ પછી તેઓ બ્રિટિશ નાગરિક બન્યા. 1945–49 દરમિયાન તેમણે લિવરપૂલ ખાતે અને 1950થી 1976 સુધી લંડનમાં બાર્થૉલમ્યૂ હૉસ્પિટલ ખાતે કાર્ય કર્યું. અણુવિષયક પદાર્થવિજ્ઞાનનો, ખાસ કરીને તબીબી વિજ્ઞાનના સંદર્ભમાં, શાંતિમય ઉપયોગ કરવા તરફ તેમણે વિશેષ ધ્યાન અને પ્રયત્નો કેન્દ્રિત કર્યાં.

1955માં તેઓ વૈજ્ઞાનિકોના એક જૂથમાં સક્રિયપણે જોડાયા; આ જૂથ અણુશસ્ત્રોની નાબૂદીની ઝુંબેશને વરેલું હતું. તેમના પ્રયત્નોથી 1957માં નોવાસ્કોશિયા પગવૉશ ખાતે અણુશસ્ત્ર-નિયંત્રણ વિશે પરિષદ યોજી, ત્યારથી એવી શ્રેણીબંધ વાર્ષિક પરિષદો યોજવાનો પ્રારંભ થયો. પગવૉશ ખાતેની પરિષદ ‘પગવૉશ કૉન્ફરન્સ’ તરીકે જાણીતી બની. એ સંસ્થામાં તેઓ 1957થી 1973 દરમિયાન સેક્રેટરી-જનરલ તરીકે અને 1988થી પ્રમુખ તરીકે કાર્ય કરતા રહ્યા.

તેમનાં પુસ્તકોમાં ‘સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ’ (1962), ‘સાયન્ટિસ્ટ્સ ઇન ધ ક્વેસ્ટ ફૉર પીસ’ (1972) તથા ‘એ વર્લ્ડ ઍટ ધ ક્રૉસરોડ્ઝ’ (1994) મુખ્ય છે. તેમને 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.

મહેશ ચોકસી