રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island) : હિંદી મહાસાગરમાં આવેલો ઑસ્ટ્રેલિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 32° દ. અ. અને 115° 30´ પૂ. રે. પર પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલ અને પર્થ નજીક સ્વાન નદીના મુખ પાસે 19 કિમી.ને અંતરે આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ચૂનાખડકોથી બનેલું છે. તે પૂર્વ-પશ્ચિમ આશરે 10.5 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ આશરે 5.5 કિમી. પહોળો છે તથા તેનું ક્ષેત્રફળ આશરે 1,900 હેક્ટર જેટલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ પ્રમાણમાં ઓછી છે. તેમાં રેતીના ઢૂવા અને ક્ષાર-સરોવરો આવેલાં છે.
1658માં સૅમ્યુઅલ વૉકરસનની દોરવણી હેઠળની ડચ ટુકડીએ તેમજ 1696માં ડચ દરિયાઈ કૅપ્ટન વિલેમદ વ્લેમિંઘે તેને સર્વપ્રથમ જોયેલો. અહીં ઘણી મોટી સંખ્યામાં મોટા કદના ઉંદરો રહેતા હોવાથી તેમણે આ ટાપુને રોટનેસ્ટ નામ આપેલું. વાસ્તવમાં તે ઉંદરો ન હતા, પરંતુ કાંગારુને મળતી આવતી એક જાતિ હતી. આ પ્રાણીઓ ક્વોકાસ નામથી ઓળખાય છે. કોથળીધારક આ સસ્તન પ્રાણીઓ વિરલ છે, તેથી તેમની જાળવણી માટે અભયારણ્યનું આયોજન કરવામાં આવ્યું છે.
1839માં અહીં સર્વપ્રથમ વસાહત સ્થપાયેલી. 1850 સુધી અહીં આદિવાસી વસાહત રહેતી હતી. અહીં વસતા લોકોને સુધારવા 1882થી 1906 સુધી કેટલીક ટુકડીઓ પણ રહેલી. બીજા વિશ્વયુદ્ધ વખતે ત્યાં લશ્કરી થાણું પણ ઊભું કરવામાં આવેલું.
જાહ્નવી ભટ્ટ