રૉઝવૉલ કેન

January, 2004

રૉઝવૉલ, કેન (જ. 2 નવેમ્બર 1934, સિડની, ન્યૂ સાઉથ વૅલ્સ; ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેનિસ-ખેલાડી. તેમની રમવાની શૈલી  છટાદાર હતી. તેમના અદભુત ગ્રાઉન્ડ-સ્ટ્રોકના પરિણામે તેઓ સર્વવ્યાપી પ્રશંસા પામ્યા. તેમના અપાર કૌશલ્ય અને સામર્થ્યથી તેઓ વિમ્બલડન એકલ-સ્પર્ધા સિવાય અન્ય તમામ મહત્વની સ્પર્ધામાં વિજેતા બન્યા. જોકે 1954, 1956, 1970 અને 1976માં તેઓ ફાઇનલમાં હારી ગયા હતા. એક વ્યવસાયી ખેલાડી તરીકે તેઓ ઉચ્ચ રમત દાખવી શક્યા, પણ 1968માં વિમ્બલડનમાં વ્યવસાયી ખેલાડીઓને પુન: પ્રવેશ અપાયો.

તેમની કારકિર્દી ખાસ્સી લાંબી ચાલી; 1950 અને 1952માં તેઓ ઑસ્ટ્રેલિયાના જૂનિયર ચૅમ્પિયન બન્યા અને 1953માં તેઓ તેમની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ વિજયપદકના અને 1972માં અંતિમ ગ્રૅન્ડ સ્લૅમ વિજયપદકના વિજેતા બન્યા.

આ 19 વર્ષના ગાળા દરમિયાન તેઓ 8 ગ્રૅન્ડ સ્લૅમ એકલ-સ્પર્ધા (4 ઑસ્ટ્રેલિયન, 2 યુ.એસ., 2 ફ્રેન્ચ), 9 વખત પુરુષોની મિશ્ર સ્પર્ધા (2 વિમ્બલડન, 3 ઑસ્ટ્રેલિયન, 2 યુ.એસ., 2 ફ્રેન્ચ) અને 1956 યુ.એસ. ચૅમ્પિયનશિપમાં મિશ્ર સંયુક્ત (mixed double) સ્પર્ધાના વિજેતા બન્યા. 39 વર્ષની વયે 1974માં તેઓ ચોથી વાર યુ.એસ. એકલ-સ્પર્ધાની ફાઇનલ સુધી પહોંચ્યા અને 1979માં ગ્રૅન્ડ પ્રિક્સ ટેનિસમાંથી છેવટે નિવૃત્ત થયા. તેઓ ડેવિસ કપની 11 સ્પર્ધામાં રમ્યા (1953–56, 1973 અને 1975) અને 19 એકલ-સ્પર્ધામાંથી 17માં જીત અને 3 મિશ્ર સ્પર્ધામાંથી 2માં જીત એ તેમનો વિક્રમ હતો.

મહેશ ચોકસી