રૉકફેલર, જૉન ડેવિસન (જ. 8 જુલાઈ 1839, રિયફોર્ક, ન્યૂયૉર્ક, અ. 23 મે 1937, ફ્લૉરિડા) : અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને માનવપ્રેમી તથા સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીના સ્થાપક.
શિક્ષણ ક્લીવલૅન્ડની સાર્વજનિક શાળાઓમાં. ધંધાકીય શિક્ષણ પણ ક્લીવલૅન્ડમાં. 16 વર્ષની વયે ક્લીવલૅન્ડની એક દલાલી પેઢીમાં કારકુન, ખજાનચી અને મુનીમ તરીકે જોડાયા. 1859માં મોરિસ બી. ક્લાર્કની ભાગીદારીમાં ક્લાર્ક અને રૉકફેલર નામની ઉત્પાદન દલાલી પેઢી(produce commission firm)ની સ્થાપના કરી. શુદ્ધીકરણ કરેલ ખનિજ તેલનું ભાવી ઉજ્જ્વળ લાગતાં તેમની કંપનીએ સૅમ્યુઅલ ઍન્ડ્રૂઝને ખનિજ તેલની શુદ્ધીકરણની પ્રક્રિયાના સંશોધનકાર્યમાં સહાય કરી. 1865માં રૉકફેલર જૂની ભાગીદારીમાંથી છૂટા થયા અને સૅમ્યુઅલ ઍન્ડ્રૂઝના સહયોગમાં તેમણે રૉકફેલર ઍન્ડ ઍન્ડ્રૂઝ કંપનીની સ્થાપના કરી, જે સમયાંતરે રૉકફેલર, ઍન્ડ્રૂઝ ઍન્ડ ફ્લેગ્લરના નામથી ખનિજ તેલનું શુદ્ધીકરણ કરતી અગ્રગણ્ય કંપની તરીકે ગણના પામી. 1870માં આ ત્રણે મિત્રોએ 10 લાખ ડૉલરની મૂડીથી સ્ટાન્ડર્ડ ઑઇલ કંપની(ઓહાયો)ની સ્થાપના કરી. ઉદ્યોગમાં અગ્રિમ સ્થાન મેળવવા તેમણે લઘુ ઉદ્યોગની રિફાઇનરીઓ ખરીદવાની શરૂઆત કરી અને 1873 સુધીમાં તો ક્લીવલૅન્ડની સઘળી લઘુ રિફાઇનરીઓને સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીમાં સમાવિષ્ટ કરી લેવામાં આવી. પરિણામે તેમની કંપનીની મૂડી ક્રમશ: વધીને 35 લાખ ડૉલર જેટલી થઈ. કંપનીના અધિકારપત્ર અનુસાર લઘુઉદ્યોગોની મિલકતો ધારણ કરવાનું શક્ય ન હોઈ તેના માલિકીહક્કો પ્રસ્થાપિત કરવા માટે રૉકફેલરે ટ્રસ્ટીઓની નિમણૂક કરી. 1882માં આ સઘળાં ટ્રસ્ટોને સ્ટાન્ડર્ડ ઑઇલ ટ્રસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. પરિણામે ખર્ચમાં કરકસર અને ભાવમાં સ્થિરતા આવી. આ દરમિયાન ઇજારાવાદી પ્રવૃત્તિઓ માટે તેમના ટ્રસ્ટ વિરુદ્ધ અનેક મુકદ્દમા માંડવામાં આવ્યા હતા. છેવટે ઓહાયોની સર્વોચ્ચ અદાલતના ચુકાદા અનુસાર ટ્રસ્ટને 1892માં બરખાસ્ત કરવામાં આવ્યું. 1899માં આ ટ્રસ્ટોનું સ્થાન 11 કરોડ ડૉલરની મૂડીથી રચાયેલ સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીએ લીધું. તેણે પણ ઇજારાવાદી રાહ અપનાવ્યો. 1911માં શરમન ટ્રસ્ટ વિરોધી કાયદા અનુસાર મુક્ત વ્યાપારનો અવરોધ કરવા માટે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આ કંપનીનું સમાપન કરાવ્યું. તે જ અરસામાં રૉકફેલરે ધંધાકીય સંચાલનમાંથી નિવૃત્તિ લીધી. ત્યાર સુધીમાં તો તેઓ દુનિયાના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ તરીકે ખ્યાતિ પામી ચૂક્યા હતા. તેઓ મિનેસોટામાં અયસ્ક ખાણો (orefields), કૉલોરાડોમાં કોલસાની ખાણો અને રેલવે તથા બૅંકોમાં ગણનાપત્ર મૂડીરોકાણ ધરાવતા હતા. તેમણે અપનાવેલી એકાધિકારવાદી વ્યાપાર નીતિ અને તેમની વિરુદ્ધ ચાલેલ સંખ્યાબંધ મુકદ્દમાઓને કારણે તેમની એક અપ્રિય વ્યક્તિ તરીકેની છાપ ઊભી થઈ હતી. પરંતુ તેમણે લોકકલ્યાણ માટે વિજ્ઞાન, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે કરેલી ગંજાવર સખાવતોએ તેમને નિવૃત્તિકાળમાં ઘણી લોકપ્રિયતા અપાવી હતી. યુનિવર્સિટી ઑવ્ શિકાગો(1892)ના સ્થાપનાકાળમાં તેમણે આર્થિક મદદ કરી હતી અને પોતાના મૃત્યુ સુધીમાં તેમણે આ યુનિવર્સિટીને કુલ આઠ કરોડ ડૉલરની સહાય કરી હતી.
1901માં રૉકફેલરે તબીબી સંશોધન કેન્દ્રની રચના કરી હતી, જે 1965માં રૉકફેલર યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત થઈ. તેમણે ‘જનરલ એજ્યુકેશન બૉર્ડ’ (1902) તથા ‘રૉકફેલર ફાઉન્ડેશન’(1913)ની સ્થાપના કરી હતી. 1913માં લૉરા સ્પેલમેન રૉકફેલર સ્મારક(Laura Spelman Rockfeller Memorial)ની શરૂઆત કરી, જેનું 1918માં રૉકફેલર પ્રતિષ્ઠાનમાં વિલીનીકરણ થયું.
રૉકફેલરે તેમના જીવનકાળ દરમિયાન ધર્માદા અને શિક્ષણક્ષેત્રે 50 કરોડ ડૉલરથી પણ વધુ રકમની સખાવતો કરી હતી. 1955 સુધીમાં પિતા-પુત્રની સહિયારી સખાવતોનો આંકડો અઢી અબજ ડૉલરથી વધુ થયો હતો. તેમણે પોતાના અનુભવો વર્ણવતું પુસ્તક ‘રૅન્ડમ રેમિનિસન્સિઝ ઑવ્ મેન ઍન્ડ ઇવેન્ટ્સ’ (Random Reminiscences of Men and events) પ્રકાશિત કર્યું છે.
જિગીશ દેરાસરી