રૈબા, એ. એ. (જ. 20 જુલાઈ 1922, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર, કુંભકાર અને ડેકોરેટર.
1946માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. શણગારપ્રધાન શૈલી તેમજ અભિવ્યક્તિવાદી શૈલીની મિશ્રશૈલીમાં તેમણે ચિત્રસર્જન કર્યું છે.
1955થી શરૂ કરીને તેમણે પ્રત્યેક વર્ષે ભારતમાં વૈયક્તિક ચિત્રપ્રદર્શન કર્યું છે. કેન્દ્રીય લલિત કલા અકાદમીનાં તથા બૉમ્બે આર્ટ સોસાયટીનાં વાર્ષિક પ્રદર્શનોમાં તેમણે વારંવાર ભાગ લીધો છે. તેમને બૉમ્બે આર્ટ સોસાયટીનો એવૉર્ડ 1955માં તથા કેન્દ્રીય લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ 1960માં અને 1962માં મળ્યો હતો.
મિલાન, રશિયા, પૅરિસ, નાઇરોબી, રિયો દ જાનેરો તથા યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાયેલાં આધુનિક ભારતીય કલાનાં સામૂહિક પ્રદર્શનોમાં તેમણે 1957થી 1965 સુધી ભાગ લીધો છે.
નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ તથા મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાતે તેમનાં ચિત્રો કાયમી સંગ્રહ પામ્યાં છે.
અમિતાભ મડિયા