રૈના, શિબન ક્રિશન (જ. 22 એપ્રિલ 1942, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1962માં હિન્દી સાથે એમ.એ. થયા પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
અધ્યાપનકાર્ય સ્વીકાર્યા બાદ બીબીરાણી ખાતેની સરકારી કૉલેજના ઉપાચાર્ય તરીકે તેમણે સેવા આપી. વળી અલ્વર ખાતે સરકારી પી. જી. કૉલેજમાં હિંદી વિભાગના વડા તરીકે તેમણે કામગીરી કરી.
તેમની માતૃભાષા કાશ્મીરી હોવા છતાં તેમણે 12 જેટલા ગ્રંથો હિંદીમાં આપ્યા છે. તેમના જાણીતા વિવેચનગ્રંથોમાં ‘કાશ્મીરી સાહિત્ય કી નવીનતમ પ્રવૃત્તિયાં’ (1973); ‘કાશ્મીરી કવયિત્રિયાં ઔર ઉન કા રચનાસંસાર’ (1996) છે. ‘એક દૌર’ (નવલકથા, અનુવાદ 1980); ‘લાલદાદ’ (1980); ‘હબ્બા-ખાતૂન’ (વિવરણ, બંને અંગ્રેજીમાંથી અનુવાદ); ‘કાશ્મીરી રામાયણ : રામાવતારચરિત’ (1975, કાશ્મીરીમાંથી અનુવાદ); ‘શેરે કાશ્મીર : મહજૂર’ (કાવ્યકૃતિ, અનુવાદ 1989) તેમની ઉલ્લેખનીય કૃતિઓ છે.
1983માં તેમને બિહાર રાજભાષા વિભાગ ઍવૉર્ડ; 1972માં મધ્યસ્થ હિંદી નિયામકનો ઍવૉર્ડ; 1990માં ‘સૌહાર્દ સન્માન’ (ઉ. પ્ર. હિંદી સંસ્થાન) તથા રાજસ્થાન સાહિત્ય ટ્રાન્સલેશન ઍવૉર્ડ આપવામાં આવ્યા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા તેમને સાહિત્યશ્રીના તથા ‘સાહિત્યવાગીશ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા.
બળદેવભાઈ કનીજિયા