રેહ : અમુક પ્રદેશોમાં ભૂમિસપાટી પર જોવા મળતું ક્ષાર-પડ. સપાટી-આવરણ તરીકે મળતું, જમીનોની ફળદ્રૂપતાનો નાશ કરતું વિલક્ષણ ક્ષારવાળું સફેદ પડ ઉત્તર ભારતનાં કાંપનાં મેદાનોના સૂકા ભાગોમાં ‘રેહ’ કે ‘ઊસ’ નામથી, સિંધમાં ‘કેલાર’ નામથી અને મહારાષ્ટ્રમાં ‘ચોપાન’ નામથી ઓળખાય છે. રેહ, કેલાર કે ઊસ એ વિશિષ્ટપણે ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી પર જોવા મળતા કૅલ્શિયમ-મૅગ્નેશિયમના ક્ષારોના ભિન્ન ભિન્ન પ્રમાણ સહિત સોડિયમના કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડના મિશ્રણની બનેલી ખારી ફૂગનાં તળપદાં નામ છે.

રેહનું આર્થિક પેદાશ તરીકે કોઈ મહત્વ નથી, જે છે તે માત્ર તેનું નુકસાનકારક લક્ષણ છે. જ્યારે આ દ્રવ્યોનું વિઘટન થાય છે ત્યારે ગંધકયુક્ત તેજાબ અને ક્ષારો છૂટા પડે છે. કેટલીક જમીનોમાં આ ક્ષારો એટલા બધા ભળેલા હોય છે કે જેથી તે જમીનો ખેતીને માટે તદ્દન અયોગ્ય નીવડે છે. દેશના સૂકા, ગરમ પ્રદેશો ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ઉત્તર ભાગો, જે ક્યારેક ફળદ્રૂપ અને વસ્તીપ્રધાન હતા તે આ કારણે આજે ખેતીરહિત, નિર્જન બન્યા છે. આવી જમીનો નોંધપાત્ર રીતે તો અછિદ્રાળુ હોય છે; તેથી અંદરનો જળપરિવાહ અવરોધાય છે. ક્ષારો કેશાકર્ષણની ક્રિયાથી ઉપર તરફ ખેંચાઈ આવતા હોવાથી તે માત્ર ઉપરનાં પડો પૂરતા મર્યાદિત હોય છે. સિંચાઈથી આવા ક્ષારોનું સ્થાનાંતર થાય છે અને જમીનોને નવસાધ્ય બનાવી શકાય છે.

જમીનના સપાટીસ્તરમાં અને ઉપસ્તરમાં રહેલા ક્ષારોની આ ભેળવણી પર્વતોમાંથી વહેતી નદીઓ તેમાં તરતી સ્થિતિમાં રહેલાં દ્રવ્યો ઉપરાંત રાસાયણિક રીતે દ્રાવ્ય પદાર્થોનું અમુક પ્રમાણ પોતાની સાથે ખેંચી જવાને કારણે થાય છે. ઉપર્યુક્ત ક્ષારોનો તેમાં સમાવેશ થાય છે. નદીઓના મેદાનપ્રદેશમાં આ ક્ષારો ઉપસ્તરમાં અમુક ઊંડાઈ સુધી તેને સંતૃપ્ત કરીને સ્રવણ દ્વારા નીચે ઊતરે છે. કાંપનાં ગરમ મેદાનોના ઘણા ભાગોમાં, જ્યાં પાણીનું ભૂગર્ભીય પરિવહન થતું નથી ત્યાં, ક્ષારો એકઠા થતા જાય છે, સંકેન્દ્રિત થયેલા ક્ષારો જૂના ક્ષારો સાથે પ્રક્રિયા કરીને નવા ક્ષારો બનાવે છે. નીચે સ્રવણ થતું વરસાદનું પાણી આ પૈકીના વધુ દ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે અને કેશાકર્ષણની ક્રિયા દ્વારા ઉનાળાની ઋતુ દરમિયાન તેમને પાછા સપાટી પર લાવી મૂકે છે; જ્યાં તેમની ભેજસ્રાવની સફેદ પોપડી બંધાય છે. આ ક્ષારોને ખસેડી લઈને આવી ઉજ્જડ કેલારભૂમિનું ખેતીયોગ્ય જમીનોમાં પરિવર્તન કરવાથી ભારતની ખેતીની જમીનોમાં લાખો એકરનો ઉમેરો થઈ શકે. આમ જે અત્યારે તદ્દન ઉજ્જડ વસ્તીવિહીન પ્રદેશો છે તેમને ફરીને ખેતીને યોગ્ય બનાવી શકાય.

ગિરીશભાઈ પંડ્યા