રેસર્પિન (reserpine) : ભારતમાં થતી રાવોલ્ફિયા સર્પેન્ટિના (બેન્થ, Benth) નામની વનસ્પતિના મૂળમાંથી મળતો આલ્કેલૉઇડ તથા લોહીનું દબાણ ઘટાડવા માટે એક જમાનામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી મુખમાર્ગી દવા. હાલ વધુ સુરક્ષિત ઔષધોની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ નહિવત્ થઈ ગયો છે; પરંતુ તેનું સૌથી મહત્વનું પાસું તે ઘણી સસ્તી દવા છે તે છે. ભારતીય આયુર્વેદનાં જૂનાં લખાણોમાં આ વેલમૂળનો ઔષધરૂપે ઉલ્લેખ કરાયેલો છે. સન 1931માં સેન અને બોઝે તેનો લોહીના ઊંચા દબાણ અને તીવ્ર મનોવિકાર- (psychosis)ની સારવારમાં સફળ ઉપયોગ કરી બતાવ્યો હતો. જોકે પશ્ચિમી સારવાર-પદ્ધતિમાં તેનો ઉપયોગ 1950ના દાયકામાં શરૂ થયો હતો. સંવેદી ચેતાતંત્રના કાર્ય પર અસર કરતી તે સૌપ્રથમ દવા હતી. તેની રાસાયણિક સંરચના નીચે મુજબ છે.
રેસર્પિન કેન્દ્રીય અને પરિઘીય ઍડ્રિનર્જિક ચેતાકોષોમાંના નૉર-એપિનેફ્રિન અને ડોપામિનનો સંગ્રહ કરતી કોષપુટિકાઓ(vesicles)નો નાશ કરે છે અને તેથી તે 2 ચેતાસંદેશવાહકોનો સંગ્રહ ઘટી જાય છે. આવું જ 5-હાઇડ્રૉક્સિ-ટ્રિપ્ટેમાઇના સંગ્રહસ્થાને પણ થાય છે. નવા ચેતાસંદેશવાહકનું ઉત્પાદન અઠવાડિયા જેટલો સમય લે છે; તેથી દવા બંધ કર્યા પછી પણ તેની અસર લાંબા સમય સુધી ટકી રહે છે. રેસર્પિન કેન્દ્રીય તેમજ પરિઘીય ચેતાકોષો પર સક્રિય છે માટે તેની લોહીનું દબાણ ઘટાડતી અસર પણ બંને સ્થળે થતી પ્રક્રિયા છે અને તેને કારણે માનસિક વિકારો પણ આડઅસર રૂપે જોવા મળે છે. તેની લાંબા સમયની અસરને કારણે પરિઘીય વાહિની-અવરોધ (peripheral vascular resistance) તથા હૃદયી બહિ:સર (cardiac output) ઘટે છે. હૃદયના સંકોચનથી ધમનીઓમાં બહાર ફૂંકાતા લોહીને હૃદયી બહિ:સર કહે છે. તેને કારણે ઊભા થતી વખતે લોહીનું દબાણ ઘટે તથા સામાન્ય સંજોગોમાં હૃદયના ધબકારાનો દર અને લોહીમાં રેનિન નામના દ્રવ્યનું સ્તર પણ ઘટે છે. જોકે તેની સાથે સોડિયમ અને પાણીનો શરીરમાં ભરાવો પણ થાય છે. તેની અન્ય આડઅસરોમાં ઘેન, એકાગ્રતામાં ખામી, સંકુલ ક્રિયાઓ કરવામાં અક્ષમતા, તીવ્ર મનોવિકારી ખિન્નતા અને ક્યારેક તેને કારણે આપઘાત કરવાના પ્રયત્ન થઈ આવે છે; તેથી ખિન્નતાનું પ્રથમ લક્ષણ જોતાની સાથે તેનો ઉપયોગ બંધ કરાય છે. વળી ક્યારેક નાક ભરાઈ જવું અથવા જઠર-પક્વાશયમાંના ચાંદામાં તેની સક્રિયતા જોવા મળે છે. અગાઉના અભ્યાસોમાં રેસર્પિનને સ્તનના કૅન્સર સાથે સાંકળવામાં આવી હતી, પણ પાછળના અભ્યાસોમાં તેવું સાબિત થયું નથી. રેસર્પિનનાં અવશોષણ, ચયાપચય અને ઉત્સર્ગ વિશે ઓછી માહિતી ઉપલબ્ધ છે. કેમ કે તેને માટેનાં યોગ્ય પરીક્ષણો વિકસી શકેલાં નથી; પરંતુ તેનું ચેતાકોષોમાંની પુટિકાઓ સાથેનું જોડાણ કાયમી હોય છે અને તેનો ત્યાં જ સંપૂર્ણ ચયાપચય થાય છે. હાલ વધુ સારાં ઔષધોની ઉપલબ્ધિને કારણે રેસર્પિનનો ચિકિત્સીય ઉપયોગ નહિવત્ થયો છે.
શિવાની શિ. શુક્લ
શિલીન નં. શુક્લ