રેળે, કનક (જ. 11 જૂન 1936, મુંબઈ) : અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ કૃષ્ણરાજ દિવેચા તથા માતાનું નામ મધુરી દિવેચા. મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી કુટુંબમાં જન્મેલ કનકમાં કલા વિશે જન્મજાત અભિરુચિ હતી. ખૂબ નાની વયમાં પિતાનું છત્ર ગુમાવ્યા છતાં તેના અભ્યાસ કે નૃત્યકલાના અભિગમને વિકસાવવામાં કોઈ ઊણપ ન આવી. ભરતનાટ્યમના વિદ્વાન ગુરુ પાર્વતીકુમાર અને તેમના શિષ્ય નાના કાસાર પાસે તાલીમ લઈ ‘આરંગેત્રમ્’ રજૂ કર્યું. દરમિયાન નૃત્યનાટિકાના દિગ્દર્શન માટે પ્રખ્યાત યોગેન્દ્ર દેસાઈની નૃત્યનાટિકાઓમાં પ્રમુખ નર્તકી તરીકે જોડાયાં. વિલ્સન કૉલેજમાં વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ સહઅભ્યાસી અને ક્રિકેટ-ખેલાડી યતિન રેળે સાથે લગ્ન કર્યાં. કાયદાશાસ્ત્રમાં પદવી મેળવ્યા બાદ મૅન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી 1974માં આંતરરાષ્ટ્રીય કાયદાની વિશેષ ઉપાધિ મેળવી.
કિશોરાવસ્થામાં ભરતનાટ્યમની તાલીમ મેળવ્યા બાદ ઘર પાસે કથકલિના ગુરુને અભ્યાસ કરતા જોઈ તે પુરુષપ્રધાન શૈલીને ‘પાંચાલી’ કરુણાકર પાણિકર પાસે શીખવાનું શરૂ કર્યું. સ્ત્રીવેશમની જાણીતી કૃતિ ‘પૂતનામોક્ષ’ને વર્ષો સુધી રજૂ કરી. ગુરુની માંદગી અને મૃત્યુ બાદ રાઘવન્ નાયર પાસે અભ્યાસ ચાલુ રાખ્યો. લગ્ન બાદ કેરળના કલામંડલમમાંથી આવેલ ગાયિકા રાજલક્ષ્મી અમ્મા પાસેથી મોહિની અટ્ટમની થોડી કૃતિઓ શીખ્યાં અને 1967માં આ શૈલીનો જાહેર કાર્યક્રમ આપનાર તેઓ પ્રથમ હતાં. આગલા વર્ષે 1966માં ‘નાલંદા’ નૃત્ય વર્ગો શરૂ કર્યા. કાયદાના શિક્ષક પ્રો. ટી. કે. ટોપે જ્યારે મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા ત્યારે તેમની સહાયથી યુનિવર્સિટીના નેજા હેઠળ નૃત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવી આપતી નાલંદા નૃત્યકલા મહાવિદ્યાલયની સ્થાપના (1972) કરી અને પોતે તેનાં આચાર્યા બન્યાં. 1978માં મોહિની અટ્ટમ્ વિશે સંશોધનગ્રંથ લખી ડૉક્ટરેટની પદવી મેળવી. આ શૈલીની શારીરિક ગતિક્રિયા(body kinetics)નું વિશ્ર્લેષણ કરી તેને નવીનતાથી રજૂ કરી; તેમના આ અન્વેષણાત્મક અભિગમની ઘણી ટીકાટિપ્પણી થઈ છતાં તેમણે પ્રયાસો જારી રાખ્યા.
કૉલેજનાં આચાર્યા હોવા ઉપરાંત સંશોધન સાથે કાર્યક્રમો આપતાં રહ્યાં અને વિદ્યાર્થીઓને લઈ નૃત્યનાટિકાઓ (દીર્ઘનૃત્યો) પ્રસ્તુત કરી તેમાં ‘શોડષોપચાર’ (1975), ‘સંતવાણી’ (1986), વિકલાંગ બાળકો દ્વારા ભજવાયેલ ‘શ્રીકૃષ્ણલીલા’ (1994), ‘સ્વપ્નવાસવદત્તા’ (1996), ‘શીલપ્પદીકારમ્’ અને ‘કાંચનમૃગ’(1997)નો સમાવેશ થાય છે. ટાગોરની પ્રખ્યાત કૃતિ ‘ચાંડાલિકા’ પર આધારિત ‘કલ્યાણી’ અને ઇરાવતી કર્વે લિખિત ‘યુગાન્તર’ પર આધારિત ‘પંચકન્યા’(1998)ની નૃત્યનાટિકાઓની પણ સફળ રજૂઆત કરી.
1970–71માં ફૉર્ડ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિથી કેરળનો પ્રવાસ કરી ‘મોહિની અટ્ટમ્’ શૈલીને જાળવી રાખનાર જૂજ અને વયોવૃદ્ધ નર્તકીઓની મુલાકાત લઈ તેની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ બનાવી, જે તેમની કારકિર્દીની મૂલ્યવાન સિદ્ધિ બની રહી. વર્ષો બાદ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીએ કેરળના શોરતુર પાસેના ચેરુથુરુથિ વિસ્તારમાં મોહિની અટ્ટમની પરંપરાના અભ્યાસાર્થે તેમને શિષ્યવૃત્તિ આપી. ઉપરાંત ત્રાવણકોર મહારાજા બાલારામ વર્મા દ્વારા રચિત સંસ્કૃત પુસ્તક ‘બાલારામ ભરતમ્’નો કેવલમ્ નારાયણ પાણિકરની સહાયથી અભ્યાસ કરી તે શૈલીનો નવો નૃત્યક્રમ તૈયાર કર્યો.
સંશોધન-ગ્રંથ પર આધારિત પુસ્તક ‘મોહિની અટ્ટમ્ – ધ લિરિક્લ ડાન્સ’ ફૉર્ડ ફાઉન્ડેશન ફંડની સહાયથી 1992માં પ્રકાશિત કર્યું. 1997માં શાસ્ત્રીય નૃત્યોમાં અભિનય પ્રસ્તુત કરવાની પ્રક્રિયા દર્શાવતું પુસ્તક ‘ભાવનિરૂપણ’ પ્રગટ કર્યું. તે ઉપરાંત 1994માં ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓનો સંપુટ ‘નૃત્યભારતી’ વિડિયો કૅસેટ રૂપે તૈયાર કર્યો.
તેમની દીર્ઘકાલીન નૃત્ય-કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કારો મળ્યા. 1969માં મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત થયો. 1979માં ‘નૃત્યચૂડામણિ’ અને સૂરસિંગાર સંસદ દ્વારા 1983માં ‘નર્તનવિલાસ’ ઍવૉર્ડ પ્રાપ્ત થયા. ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા 1984માં પુરસ્કૃત થયા. કેન્દ્ર સરકાર દ્વારા 1990માં ‘પદ્મશ્રી’નું સન્માન મળ્યું. ગુજરાત રાજ્ય તરફથી 1989માં ગૌરવ પુરસ્કાર મળ્યો. ચેન્નાઈ ખાતે ‘નૃત્યચૂડામણિ’નો તથા ‘નાટ્યકલાભૂષણ’નો ઍવૉર્ડ મળેલ. ઉપરાષ્ટ્રપતિ તરફથી ‘સર્વોત્તમ નૃત્ય આયોજક’ તરીકેનું બિરુદ મળેલું (1995). એ જ વર્ષે સારંગદેવ ફેલોશિપ મળી હતી. 1994માં કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો. ફિલ્મડિવિઝન ઑવ્ ઇન્ડિયા દ્વારા 1998માં તેમને વિશે દસ્તાવેજી ફિલ્મ તૈયાર થઈ છે.
પ્રકૃતિ કાશ્યપ