રેલવે-રસીદ

January, 2004

રેલવે-રસીદ : હેરફેર માટે માલ સ્વીકાર્યા બાદ રેલવે દ્વારા તેની અપાતી પહોંચ. વાહનવ્યવહારની સંસ્થાઓ અન્યનો માલ સ્વીકારીને સૂચના પ્રમાણેના સ્થળે તે પહોંચાડતી હોય છે. સામાન્ય સંજોગોમાં વેચનાર માલ મોકલતો હોય છે અને ખરીદનાર તે મેળવતો હોય છે. કેટલીક વાર વેચનાર વતી આડતિયા, દલાલો અને મારફતિયા પણ માલ રવાના કરતા હોય છે. સામાન્ય સંજોગોમાં માલની માલિકી વેચનારની અથવા તો આડતિયા જેવા મધ્યસ્થીના મૂળ ધણીની હોય છે. વાહનવ્યવહારની સંસ્થાઓ પૈકી રેલવે એક અગત્યની સંસ્થા છે. રેલવે મહદ્ અંશે દેશની સરહદોની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવાની સેવા આપે છે. આથી આ સંસ્થા દ્વારા માલ મોકલવામાં હૂંડિયામણ અને તેના દરોમાં થતા ફેરફારના પ્રશ્નો પેદા થતા નથી. રેલવે અન્ય સંસ્થાઓની જેમ માલ સ્વીકાર્યા બાદ તે મળ્યાની પહોંચ આપે છે. આ પહોંચને રેલવે-રસીદ કહેવામાં આવે છે. ધંધાકીય જગતમાં તે R.R.ના ટૂંકા નામથી ઓળખાય છે.

આ રસીદ હસ્તાંતર થઈ શકે તેવો દસ્તાવેજ છે. માલ મોકલતી વખતે તેની માલિકી વેચનારની છે. રેલવે દ્વારા માલ મોકલીને વેચનારો એ માલની માલિકી ખરીદનારને સુપરત કરવા માંગે છે. રેલવે-રસીદ હસ્તાંતરીય દસ્તાવેજ હોવાથી વેચનાર રેલવેને સૂચના આપે કે જે વ્યક્તિ R.R.ની માલિકી દર્શાવે તેને માલ આપી દેવો તો રેલવે તેને માલ આપી દે. આમ વેચનાર કે તેનો પ્રતિનિધિ રેલવેને માલ આપે તેના બદલામાં R.R. મેળવે અને પછી તે ખરીદનારને મોકલી આપે. આમ R.R. ખરીદનાર અને વેચનાર એકબીજાથી દૂર હોવા છતાં તેમને માલના ખરીદ-વેચાણની સરળતા કરી આપે છે. વેચનાર ખરીદનારને R.R. ઘણા માધ્યમો દ્વારા મોકલી શકે છે. જો નાણાં વસૂલ લેવાનાં હોય તો વેચનાર R.R. ટપાલ જેવાં માધ્યમો દ્વારા સીધી મોકલી દેતો હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં વેચનાર કે તેનો પ્રતિનિધિ ખરીદનારને નાણાંના બદલામાં જ R.R. આપવા માંગતા હોય છે. આથી તેઓ વી.પી.પી.થી R.R. મોકલી શકે છે. વેપારીઓ માટે વી.પી.પી. અનુકૂળ હોતું નથી, કારણ કે તેઓ બહુ મોટી રકમનો માલ મોકલતા હોય છે. તેથી તેઓ બૅંકસેવાનો લાભ લે છે. બૅંકને R.R. અને માલવેચાણનું બિલ આપીને બૅંકને સૂચના આપતા હોય છે કે ખરીદનારો નાણાં આપે તો એને R.R. આપી દેવી. આ પ્રકારની સૂચનાવાળા R.R. સહિતના દસ્તાવેજો ‘ડૉક્યુમેન્ટ્સ અગેઇન્સ્ટ પેમેન્ટ’ એટલે કે ‘ડી.પી.’ના ટૂંકા નામથી ઓળખાય છે. વેચનારો જો ખરીદનાર પાસેથી તુરત પૈસા મેળવવા માંગતો ન હોય તો તે પ્રમાણેની બૅંકને સૂચના આપે છે. ખરીદનારો નક્કી કરેલા સમય પહેલાં અને નક્કી કરેલી શરતોએ પૈસા આપવાની કબૂલાત કરે તો R.R. સાથેના દસ્તાવેજો ખરીદનારને આપી દેવાની સૂચના વેચનારો બૅંકને આપતો હોય છે. આ પ્રકારના દસ્તાવેજો ‘ડૉક્યુમેન્ટ્સ અગેઇન્સ્ટ ઍક્સેપ્ટન્સ’ એટલે કે ‘ડી.એ.’ના ટૂંકા નામથી ઓળખાય છે, જેનો અર્થ ‘કબૂલાત સામે દસ્તાવેજો’ એવો થાય છે. વેચનારને ખરીદનારો પૈસા ચૂકવે ત્યાં સુધી જો રાહ જોવી ન હોય તો ખરીદનારાની કબૂલાતવાળા દસ્તાવેજો પર બૅંક પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ મેળવી શકે છે.

R.R. એ રેલવેએ છાપેલો દસ્તાવેજ છે, જેમાં માલ લેનાર રેલવેની વિગતો ઉપરાંત ખરીદનાર અને વેચનારનાં નામ-સરનામાં લખવામાં આવે છે. ગંતવ્યસ્થાને માલ પહોંચે ત્યાં સુધી જો વેચનાર માલ પરની માલિકી ચાલુ રાખવા માંગતો હોય તો ખરીદનારનાં નામ-સરનામાં લખવાને બદલે self એટલે કે ‘પોતાને’ એમ લખાવે છે. ત્યારબાદ વેચનાર શેરો કરી ધારે તેને R.R. તબદીલ કરી શકે છે. R.R.માં માલની વિગતો દર્શાવવામાં આવે છે, જેવી કે ચીજનું નામ, દાગીનાની સંખ્યા, વજન અને આશરે કિંમત. રેલવેના અધિકૃત કર્મચારી માલ મળ્યાની પહોંચ આપતી સહી કરે છે. આ R.R. ત્રણ નકલમાં કાઢવામાં આવે છે.

અશ્વિની કાપડિયા