રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ)

January, 2004

રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ) (જ. 12 નવેમ્બર 1842, લૅંગફર્ડ ગ્રોવ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 30 જૂન 1919, ટર્લિંગ પ્લેસ, ઇસેક્સ) : ઘણા મહત્વના વાયુઓની ઘનતાના સંશોધન અને આના અનુસંધાનમાં આર્ગન વાયુની શોધ બદલ 1904ના ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની.

તેમણે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. જેમ્સ મૅક્સવેલ પછી તુરત જ કેમ્બ્રિજ ખાતે પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રના કૅવેન્ડિશ પ્રાધ્યાપક તરીકે 1879માં નિયુક્ત થયા. ત્યારપછી 1902માં યુનિવર્સિટીના ચાન્સેલર બન્યા.

રૅલેએ વાતાવરણની ઘનતાનું અત્યંત ચોક્કસ માપન કર્યું ને સાથે સાથે વાતાવરણના ઘટક વાયુઓની ઘનતા પણ નક્કી કરી. આ બધામાંથી તેમણે આર્ગન વાયુની શોધ કરી. ઉપરાંત બીજા નિષ્ક્રિય વાયુઓ પણ શોધ્યા. તેમાંથી નવાં અને નિ:શંક રાસાયણિક તત્વોનો પરિવાર પણ હાથ લાગ્યો.

જૉન વિલિયમ સ્ટ્રટ રૅલે

આ અંગ્રેજ ભૌતિકવિજ્ઞાનીએ મહત્વનું પ્રશિષ્ટ કામ ધ્વનિ, પ્રકાશ અને વિદ્યુતના ક્ષેત્રે કર્યું છે. તેમણે કેમ્બ્રિજ ખાતે રહીને અવરોધ, વિદ્યુતપ્રવાહ અને વિદ્યુત-ચાલકબળ જેવા વિદ્યુત-એકમો સ્થાપિત કર્યા. પૃષ્ઠતાણ અને કાળા પદાર્થના વિકિરણ ઉપર પણ તેમણે સંશોધન કર્યું છે.

1877–78 દરમિયાન તેમણે ‘થિયરી ઑવ્ સાઉન્ડ’ ઉપર પુસ્તક લખ્યું હતું.

હરગોવિંદ બે. પટેલ