રેનોલ્ડ્ઝ, જોશુઆ (સર) (જ. 16 જુલાઈ 1723, પ્લિમ્પ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 1792, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર (portraitist) અને રસમર્મજ્ઞ (aesthetician).
‘પ્લિમ્પ્ટન સ્કૂલ’માં રેનોલ્ડ્ઝે પ્રાથમિક શિક્ષણ લીધું, જ્યાં પિતા શિક્ષક હતા. બાળપણથી જ અંગ્રેજી અને લૅટિન સાહિત્ય વાંચવાનો શોખ હતો. બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર જોનાથન રિચાડર્સનના લેખો વાંચી રેનોલ્ડ્ઝના મનમાં ચિત્રકાર બનવાની ઝંખના જાગી. 1740માં તેઓ રિચાર્ડસનના શિષ્ય અને જમાઈ ચિત્રકાર ટૉમસ હડસન પાસે ચાર વરસ માટે તાલીમ લેવા લંડન ગયા. પીંછીના જાડા લસરકા ધરાવતી ઇમ્પેસ્ટો (impasto) શૈલીમાં ચિત્રો દોરવાનું તેમણે શરૂ કર્યું. તાલીમ લીધા પછી તેમણે ધનાઢ્ય બ્રિટિશ કુટુંબોનાં વ્યક્તિચિત્રો દોરવાં શરૂ કર્યાં.
1749માં તેઓ સ્પેનના દરિયાકિનારેથી દૂર ભૂમધ્ય સમુદ્રમાં બાલેરિક ટાપુઓમાંના એક મિનૉર્કા ટાપુ પર એક મિત્ર સાથે ગયા. અહીં ઘોડા પરથી પડી જતાં પાંચ મહિનાનો ખાટલો થયો ને વધારામાં ઉપરના હોઠ પર કાયમ માટે ઘાનું ચિહ્ન રહી ગયું. તે પછી તે રોમ જઈને બે વરસ રહ્યા. અહીં પ્રાચીન ગ્રેકો-રોમન તેમજ રેનેસાંસ તથા બરૉક કલાનો અભ્યાસ કર્યો. પછી તેમણે ફ્લૉરેન્સ, બોલોન્યા અને વેનિસ જઈ ત્યાંની રેનેસાંસ અને બરૉક કલાનો અભ્યાસ કર્યો. તેમાંથી વેનેશિયન ચિત્રકારો ટિશ્યોં, ટિન્તોરેતો અને વેરોનીઝ તેમને ખૂબ પસંદ પડ્યા. આ ચિત્રકારોની જોડે રેનોલ્ડ્ઝ પણ મધુરું ને હૂંફાળું વાતાવરણ ચિત્રોમાં ઊભું કરતા થયા.
1753માં રેનોલ્ડ્ઝ લંડનમાં સ્થિર થયા, અને બાકીની જિંદગી અહીં વિતાવી. અહીં સ્ટુડિયો ઊભો કરી વ્યક્તિચિત્રો ચીતરી આપવાનો ધંધો શરૂ કર્યો અને મદદનીશ ચિત્રકારો રાખ્યા. એમણે અસંખ્ય વ્યક્તિચિત્રો ચીતર્યાં. તેઓ આસાનીથી હૂબહૂ ચિત્રણ કરી શકતા. 1760 પછી પ્રાચીન ગ્રેકો-રોમન કલામાં તેમનો રસ વધતાં તેઓ મૉડલને પણ પ્રાચીન લેબાસમાં ચિત્રમાં રજૂ કરતા. તેમની કલા પણ અક્કડ બની. આ બે કારણે બ્રિટિશ ઘરાકોમાંની તેમની લોકપ્રિયતામાં ઓટ આવી.
1760 પહેલાં લંડનમાં સમકાલીન કલાના પ્રદર્શનની પ્રથા નહોતી. આથી બીજા ચિત્રકારો તેમજ રાજા જ્યૉર્જ ત્રીજાની મદદ વડે તેમણે 1768માં રૉયલ ઑવ્ આર્ટની સ્થાપના કરી અને ચૂંટણીથી પોતે તેના પ્રથમ પ્રમુખ બન્યા. અકાદમીની નીતિઓમાં તથા કારભારમાં તેમણે પારદર્શક અને તર્કસંગત પ્રણાલીઓ સ્થાપી. રાજા જ્યૉર્જ ત્રીજાએ એ જ વર્ષે રેનોલ્ડ્ઝને નાઇટહુડ ખિતાબથી નવાજ્યા. એમણે અન્ય વ્યક્તિ-ચિત્રકારોને પણ માર્ગદર્શન આપવું શરૂ કર્યું. એમણે આ વિશે આપેલાં વ્યાખ્યાનો ‘ડિસ્કૉર્સિઝ’ ગ્રંથસ્થ થયાં છે.
1769માં એકૅડેમી’ ખાતે રેનોલ્ડ્ઝનાં ચિત્રોનું સિંહાવલોકી (retrospective) પ્રદર્શન યોજાયું. 1781માં હોલૅન્ડ અને ફ્લેન્ડર્સની યાત્રા કરીને તેમણે મહાન ફ્લેમિશ બરૉક ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સનાં ચિત્રોનો અભ્યાસ કર્યો.
રેનોલ્ડ્ઝ માત્ર હૂબહૂ ચિત્રણ જ નહિ, પણ મૉડલની સ્વભાવગત લાક્ષણિકતા પણ ચિત્રમાં સ્ફુટ કરી શકતા. એ હવે બહેરા બની ગયા હતા, કદાચ એટલે જ એ મૉડલના અંતરમાં વધુ ઊંડે સુધી ઝાંખી શકતા હતા. 1782માં તેમને લકવો થયો. એ જ વખતે રૉયલ એકૅડેમી સાથે પણ તેમને ખટરાગ થયો.
અંતિમ વર્ષોમાં રેનોલ્ડ્ઝે પોતાના હરીફ વ્યક્તિ-ચિત્રકાર ગેઇન્સ્બરોની પણ પ્રશંસા ‘ડિસ્કૉર્સિઝ’ વ્યાખ્યાનોમાંના એકમાં કરી. પ્રિન્સ ઑવ્ વેલ્સ, ઇંગ્લૅન્ડનાં રાજા અને રાણી આદિ ઉમરાવોએ એમની પાસે વ્યક્તિચિત્રો ચિતરાવેલાં.
કુંવારા રહેલા રેનોલ્ડ્ઝે અવસાન પછી પોતાનું ઘર અને સંપત્તિ બહેન ફ્રાંસિસને આપ્યાં. અવસાન પછી બે વર્ષે એમના મૃતદેહને સેંટ પૉલ કથીડ્રલમાં દફનાવાયો.
અમિતાભ મડિયા