રેદોં, ઓદિલોં (Redon, Odilon) (જ. 1840, ફ્રાન્સ; અ. 1916, ફ્રાન્સ) : પ્રતીકવાદી (symbolist) ફ્રેન્ચ ચિત્રકાર. સ્વપ્નિલ (dreamy) ચિત્રો ચીતરવા માટે ખ્યાતનામ રેદોં ઓગણીસમી સદીના રંગદર્શિતાવાદ અને વીસમી સદીના પ્રતીકવાદ વચ્ચેની મહત્વની કડીરૂપ છે. વિદ્યાર્થીકાળમાં સ્થાપત્યનો અભ્યાસ શરૂ કરેલો, પરંતુ પરીક્ષાઓમાં સતત નિષ્ફળતાઓ પ્રાપ્ત થતાં રેદોંએ ચિત્રકલાની સાધના કરી.

તત્કાલીન ઘણા કલાકારોની માફક રેદોં પણ એશિયાઈ કલાના અને તેમાં પણ ખાસ તો જાપાનની ‘યુકીઓ-ઈ’ નામે પ્રસિદ્ધ બનેલી કાષ્ઠછાપ ચિત્રકલાના ભારે પ્રભાવ હેઠળ આવ્યા; પણ તેમનાં સ્વપ્નિલ ચિત્રોમાં નજાકતભરી નમણાશના સ્થાને ઘાતકી અને રાક્ષસી આકૃતિઓ તથા બિહામણું વાતાવરણ જોવા મળે છે. આમ છતાં એમાં રંગો હંમેશાં મૃદુ જોવા મળે છે. જીવનસંધ્યાટાણે 1913માં ન્યૂયૉર્ક નગરમાં તેમનાં ચિત્રોનું સિંહાવલોકી (retrospective) પ્રદર્શન યોજાયું અને તેમનું નામ સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત થયું. પ્રતીકવાદી કલાપ્રવાહના બે મુખ્ય કલાકારોમાં પૉલ ગોગાં સાથે રેદોંની ગણના થાય છે.

અમિતાભ મડિયા