રેતીના ઢૂવા (sand dunes) : લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગ. મુખ્યત્વે રેતીકણોના બનેલા નરમ, બિનસંશ્લેષિત સપાટી-નિક્ષેપો. વાતા પવનો દ્વારા ઊડી આવતા રેતીના કણો અનુકૂળ સ્થાનોમાં પડી જાય ત્યારે આકારોમાં રચાતા ઢગલાઓને રેતીના ઢૂવા તરીકે ઓળખવામાં આવે છે.
વાતા પવનોને પોતાની સાથે લઈ જવા માટે પૂરતી રેતી પ્રાપ્ત થતી હોય ત્યાંથી વહન પામીને અન્યત્ર અનુકૂળ સ્થાને આ પ્રકારના ઢગ વિકસી શકે છે. એક વખત એક સ્થાને રેતીનો પર્યાપ્ત ઢગ થાય એટલે પવનને મુક્તપણે આગળ ધપવા માટે તે અવરોધરૂપ બની રહે, રેતીના કણ નીચે પડતા જાય અને ઢગ વિકસતો જઈ લાક્ષણિક આકારમાં ઢૂવાનું સ્વરૂપ મેળવે. જોશબંધ વાતા પવનની સાથે ઢૂવામાંથી પણ કણો વારંવાર ઊંચે ઊડી ઊડીને તેના શિખર તરફ પહોંચે અને પછીથી બીજી બાજુ પર સરકીને પડી જાય; આ રીતે ઢૂવા ખસતા પણ જાય. સ્થાન અને સંજોગભેદે નાનકડા કે મીટરની ઊંચાઈથી માંડીને ક્યારેક તો સો મીટરની ઊંચાઈની ટેકરીઓ રચાયેલી જોવા મળે છે. તે મોટે ભાગે તો વેરાન હોય છે, તેમ છતાં ક્યારેક તે વનસ્પતિ-આચ્છાદનવાળી પણ જોવા મળે છે. રેતીના ઢૂવા જો આગળ વધતા જાય અને ખેતીલાયક વિસ્તારને આવરી લે તો ફળદ્રૂપ જમીનો ખરાબામાં ફેરવાઈ શકે છે.
એક જ સ્થાનાંતરિત થતા જતા ઢૂવાઓની સંખ્યા જો વધુ હોય તો તે માટે ઢૂવા-સંકુલ (dune-complex) શબ્દ વપરાય છે. આ શબ્દપ્રયોગ ક્વચિત્ રેતીના ઢૂવા જેવા અધોજલીય ભૂમિલક્ષણ માટે પણ વપરાતો હોવાનું જાણવા મળે છે. વળી નદીઓના મુખભાગ પર પવન અને મોજાંની સંયુક્ત ક્રિયાને કારણે રેતીકણોની જમાવટ થતી જાય અને તેની આડશ રચાય તો વચ્ચેના ભાગમાં પાણી ભરાઈ રહેતાં ઢૂવા-સરોવર(dune-lake)નું નિર્માણ થાય છે.
વિશાળ વિસ્તારમાં પથરાયેલા ઢગ કે ટેકરીઓની સપાટી પર પવનની લહેરો મધ્યમગતિથી પસાર થતાં તરંગચિહ્નો (ripple marks) તૈયાર થતાં હોય છે. ઉપલબ્ધ પરિબળો મુજબ તરંગચિહ્નોમાં આકારભેદ પણ જોવા મળે છે. તરંગોના શીર્ષભાગો પર સામાન્ય રીતે મોટા કણો હોય છે. સ્થાન અને સંજોગભેદે ઢૂવાઓનાં આકાર અને કદ ભિન્ન ભિન્ન હોય છે અને તે પરિવર્તનશીલ રહે છે. રેતીના ઢૂવા માત્ર રણો પૂરતા જ મર્યાદિત હોય એવું નથી, તે સમુદ્ર-કિનારાઓ પર પણ તૈયાર થઈ શકે છે. પવનની ગતિ અને દિશા મુજબ કણગોઠવણી થતી હોવાથી તેમાં પ્રવાહપ્રસ્તર(current bedding)-રચના પણ જોવા મળતી હોય છે.
મોટાભાગના વાતનિક્ષેપોમાં કણોનું પ્રમાણ, તેની કઠિનતા અને ટકાઉપણાને કારણે વિશેષ રહેતું હોય છે; તેમ છતાં અન્ય ખનિજો પણ હોઈ શકે ખરાં; જેમ કે, બર્મુડામાં કૅલ્સાઇટકણોના અને ન્યૂ મેક્સિકોમાં ચિરોડીકણોના ઢૂવા જોવા મળે છે.
ઢૂવાની રચના માટે નીચેના સંજોગો જવાબદાર હોય છે : (1) એકધારા જોશબંધ વાતા રહેતા પવનો જેમાં પવનની દિશા અને ગતિ અગત્યનાં પરિબળો હોય છે. (2) રેતીનો સ્રોત – જ્યાંથી રેતીકણો પવનની વહનક્રિયા માટે પ્રાપ્ત થઈ શકે. (3) ઢૂવાની જમાવટ માટે જરૂરી અવરોધ.
રેતીધારક પવનોને જ્યાં અવરોધ નડે ત્યાં ગતિ મંદ પડે અને પવનો ઘૂમરી ખાઈને વમળો ઉત્પન્ન કરે અને ત્યાં કણો નીચે પડે. એ રીતે કણો જામતા જાય અને ઢૂવાનો વિકાસ થતો રહે. મોટેભાગે તો ઢૂવાની ઊંચાઈ 30થી 100 મીટરની વચ્ચેની રહેતી હોય છે; તેમ છતાં તે ક્યારેક 200 મીટરની ઊંચાઈવાળા પણ બનતા હોય છે. વાતવિમુખ બાજુ પર પ્રવાહપ્રસ્તર-રચનાનો વિકાસ થતો હોય છે. તેમના આડછેદમાં વાતાભિમુખ બાજુએ આછો ઢોળાવ અને વાતવિમુખ બાજુએ વધુ ઢોળાવ (આશરે 34°) જોવા મળે છે.
ઢૂવાઓનું સ્થળાંતર (migration of dunes) : ઢૂવાઓમાંનો રેતીકણોનો જથ્થો પવનની દિશા અનુસાર સ્થળાંતર કરતો રહે છે. પવનવેગથી કણો ઊંચકાય છે અને ઢૂવાના શિરોભાગ તરફ ખસતા રહે છે. પછી ત્યાંથી બીજી બાજુએ સરકી પડે છે. આ ક્રિયામાં ઉત્પરિવર્તન (saltation) થતું રહેવાથી ક્રમિક સ્થળાંતર શક્ય બને છે. સંજોગો પ્રમાણે સ્થળાંતરનો દર પ્રતિ વર્ષે થોડાક મીટરથી 15 કિલોમીટર સુધીનો હોઈ શકે છે.
ઢૂવાઓના પ્રકાર : સ્થાન અને સંજોગો અનુસાર ઢૂવાઓ ભિન્ન ભિન્ન જોવા મળે છે. તેમનાં આકાર અને કદ નીચેનાં પરિબળો પર આધાર રાખે છે : (1) રેતી-પુરવઠાનું પ્રમાણ; (2) પવનની ગતિ; (3) પવનની દિશાનું એકધારાપણું; (4) રેતીકણોના પુરવઠાનો દર; (5) વનસ્પતિ-વિતરણ અને પ્રમાણ.
વિવિધ સ્વરૂપો (પ્રકાર) :
1 બારકાન્સ : બારકાન્સ એટલે રેતીનો ઢગ. અર્ધચંદ્રાકાર રેતીના ઢૂવા ‘બારકાન્સ’ તરીકે ઓળખાય છે. વિહંગાવલોકન કરતાં તે વાતાભિમુખ બાજુ પર આછા ઢોળાવવાળા અને બાહ્યગોળ હોય છે, જ્યારે વાતવિમુખ બાજુ પર તે સીધા ઢોળાવવાળા અને અંતર્ગોળ હોય છે. તેમના છેડા અણીવાળા હોય છે. તે શૃંગ, ફાંટા કે પાંખોના નામથી ઓળખાય છે. વાતા પવનોની અસર હેઠળ તે આગળ ધપતા રહે છે, પરંતુ તેમનો અર્ધચંદ્રાકાર જળવાઈ છે, કારણ કે બાજુઓ કરતાં મધ્ય ભાગ પવનનો વધુ પ્રતિકાર કરે છે, તેથી મધ્ય ભાગમાં કણોના સ્થાનાંતરનો દર પ્રમાણમાં ધીમો રહે છે. આ જ કારણે તે અર્ધચંદ્રાકાર બનતા જાય છે. જ્યાં પવનદિશા એકધારી રહેતી હોય, વેગ મધ્યમસરનો હોય અને ભૂમિતળ લગભગ સપાટ લક્ષણવાળું હોય તેમજ રેતી-પુરવઠો મર્યાદિત રહેતો હોય ત્યાં આ પ્રકારના ઢૂવાઓ બનતા રહે છે. મોટેભાગે તે સમૂહ કે જૂથમાં રચાતા જાય છે. તેમની સપાટી પર મોટા કદનાં તરંગચિહ્નો તૈયાર થતાં રહે છે. તેમનો આડછેદ પ્રવાહપ્રસ્તરની જેમ સ્તરીકરણ પામેલો હોય છે. ક્યારેક તે છૂટાછવાયા પણ મળી આવે છે.
2. અનુદીર્ઘ ઢૂવા : જ્યારે પવનની દિશા એકધારી રહેતી હોય પરંતુ રેતી-પુરવઠો મર્યાદિત હોય ત્યારે ઢૂવા અનુદીર્ઘ સ્વરૂપ ધારણ કરે છે. તે પવનની દિશાને લગભગ સમાંતર ગોઠવાતા જાય છે. તે ઘણા કિલોમીટર વિસ્તરેલા અને સળંગ (અખંડિત) હોય છે. તેમના શૃંગવિભાગો અણીદાર કે ગોળાકાર હોઈ શકે છે. (જુઓ આકૃતિ.)
3. રેખીય ઢૂવા અથવા સીફ (seif) : આ પ્રકારના ઢૂવા બારકાન્સને લગભગ મળતા આવે છે; પરંતુ તેમની એક જ પાંખ વિકસેલી હોય છે. પવનની દિશામાં વિશિષ્ટ ફેરફાર થવાથી સીફની રચના શક્ય બને છે. વાતા પવનોની દિશાને સમાંતર કણોના પથરાતા જવાથી અનુદીર્ઘ ટેકરીઓની રચના થાય છે. મૂળભૂત રીતે તો તે બારકાન્સમાંથી જ તૈયાર થતા હોય છે, કારણ કે તે પણ અંશત: લંગર આકારના તો હોય છે જ. બારકાન્સનો એક છેડો જો વનસ્પતિથી પકડાઈ રહે તો બીજો છેડો લંબાતો જઈ ઢૂવાનો આકાર સીધો રેખીય થાય છે. લંબાઈમાં તે ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલા જોવા મળે છે અને ઊંચાઈમાં 200 મીટર સુધી પહોંચે છે. સહરાના રણમાં તેમજ પૂર્વના શુષ્ક પ્રદેશોમાં 210 મીટર ઊંચા અને 80 કિમી. લંબાઈના સીફ મળે છે; ક્યારેક તે એક કરતાં વધુ હાર પણ રચે છે. રાજસ્થાનના રણમાં પણ તે અમુક પ્રમાણમાં જોવા મળે છે. ક્યારેક આ પ્રકારના ઢૂવા અનુદીર્ઘ ઢૂવા તરીકે પણ ઓળખાય છે.
4. અનુપ્રસ્થ ઢૂવા (transverse dunes) : પવનની દિશાને ગોઠવાયેલા ઢૂવા અનુપ્રસ્થ ઢૂવા કહેવાય છે. પવનોની લંબદિશામાં આડી ગોઠવાયેલી, લાંબી ટેકરીઓના સ્વરૂપે તે જોવા મળે છે. બારકાન્સ જો ઘણી સંખ્યામાં નજીક નજીક (જોડાજોડ) હોય તો તેમના જોડાઈ જવાથી તે તૈયાર થતા હોય છે. પવનનું જોર વધુ હોય અને રેતીકણો, બારકાન્સનું સ્વરૂપ રચે તે કરતાં વધુ પ્રમાણમાં આવે તો અનુપ્રસ્થ (transverse) ટેકરીઓ તૈયાર કરે છે. રણો ઉપરાંત આ સંજોગ દરિયાકિનારા અને સરોવરતટ પર પણ મળી રહે છે. તેમની લંબાઈ વધુ હોઈ શકે, પરંતુ ઊંચાઈ 5 મીટરથી વધુ હોતી નથી. (જુઓ આકૃતિ 2)
5. પરવલયી ઢૂવા (parabolic dunes) : આ પ્રકારના ઢૂવા બારકાન્સને આબેહૂબ મળતા આવે છે; પરંતુ તેમનો અર્ધચંદ્રાકાર વિરુદ્ધ દિશાનો હોય છે. તેમની ઉગ્ર ઢોળાવ બાજુ અતંર્ગોળ તરફની નહિ, પણ બહિર્ગોળ તરફની હોય છે; અર્થાત્ વાતાભિમુખ બાજુ તરફ તે અંતર્ગોળ અને વાતવિમુખ બાજુ તરફ બહિર્ગોળ હોય છે. જ્યાં વનસ્પતિ ગીચ પ્રમાણમાં હોય અને અંશત: રેતીકણો પર આચ્છાદિત હોય ત્યાં આ પ્રકારના ઢૂવા વિકસે છે. વનસ્પતિ-આવરણની વચ્ચેથી રેતીકણોનું થોડું પ્રમાણ ઊડતું રહે છે, જેને પરિણામે પરવલયી આકાર રચાય છે. તેમનાં અણીદાર શૃંગ વાતાભિમુખ બાજુ તરફ લંબાયેલાં હોય છે. વનસ્પતિનું આચ્છાદન તેમના આ અણીવાળા ભાગોના વધુ સ્થાનાંતરને અવરોધે છે અને તેથી મધ્યનો વનસ્પતિમુક્ત વિભાગ ધપતો રહે છે, આમ શૃંગવિભાગો પાછળ પડતા જાય છે અને પરવલય આકાર રચાતો જાય છે. આકૃતિ 2). પરવલયી ઢૂવાનો એક વિશિષ્ટ પ્રકાર કેશમાં ભરાવવાની પિન જેવો પણ હોય છે, તેથી તેને કેશપિન (hair pin) ઢૂવા કહે છે. (જુઓ આકૃતિ.)
6. સ્ફોટક ઢૂવા (blowout dunes) : સમુદ્રકંઠાર પર આ પ્રકારના ઢૂવા રચાતા જોવા મળે છે. જ્યાં રેતી-પુરવઠો વિપુલ મળે, મધ્યમસરનો પવન એકધારી ગતિથી ફૂંકાતો રહેતો અને વનસ્પતિ હોય ત્યાં તે બની શકે છે. આકારમાં તે લંબાયેલી ટેકરી જેવા, પરંતુ વાતાભિમુખ બાજુ તરફ તેમાંથી ફૂંકાઈ જતી રેતીથી પોલાણો કે ખાડા ઉદભવેલા હોય છે. (જુઓ આકૃતિ 2)
7. તારક ઢૂવા : આ પ્રકારના ઢૂવાનો આકાર લંબાયેલી શાખાઓ સહિતના તારા જેવો હોય છે. દરેક શાખાના મધ્ય ભાગમાં હોય છે, જ્યાંથી તે બધી દિશાઓમાં વિકેન્દ્રિત થતા હોય છે. જ્યારે પવન ત્રણ-ચાર દિશાઓમાંથી ફૂંકાતો હોય ત્યારે તે વિકસે છે. મોસમના ફેરફાર મુજબ જો વાતા પવનોની દિશા બદલાતી રહે તો રેતીના ઢગના આકારો બદલાતા જાય છે. ક્યારેક લાંબી વિકેન્દ્રિત શાખાઓ મધ્યના ઊંચા ભાગમાંથી જુદી જુદી દિશાઓ તરફ વિસ્તરે છે. આફ્રિકા અને સાઉદી અરેબિયામાં તે જોવા મળે છે. કૅલિફૉર્નિયાની ડેથ વૅલીમાં તારક આકારના ઢૂવા જોવા મળે છે. (જુઓ આકૃતિ 2 અને ફોટોગ્રાફ-આકૃતિ 4)
8. વહેલપીઠ–આકારના ઢૂવા : સપાટ મથાળાંવાળા વિશાળ કદના અનુદીર્ઘ ઢૂવા રચાયેલા હોય તો તેમની ઉપલી સપાટી પણ બારકાન્સ કે સીફ તૈયાર થઈ શકે છે. આ આકારો વહેલની પીઠને મળતા આવતા હોવાથી એને અનુરૂપ નામ અપાયું છે. તેની ઉત્પત્તિ (રચના) માટે બે સૂચનો રજૂ થયેલાં છે : (i) એક કરતાં વધુ સીફના સંગમથી રચાય; (ii) વહેલપીઠ-ઢૂવાની વચ્ચેના ખડકો ઉઘાડા થયા હોય અને તે ભરાતા જાય.
પ્રાચીન ઢૂવાના અવશેષો : પર્મો-ટ્રાયાસ કાળના તેમજ અન્ય કાળ-કક્ષાઓના રેતીના ઢૂવાના અવશેષ મળેલા છે, જે તે વખતે શુષ્ક-ખંડીય પર્યાવરણ પ્રવર્તેલું હોવાનો નિ:શંક પુરાવો આપે છે.
ગિરીશભાઈ પંડ્યા