રેતી-ચિત્ર (sand painting) : ભારતીય લોકકળાનો એક પ્રકાર. બીજું નામ ધૂલિચિત્ર. હાલનું પ્રચલિત નામ રંગોળી.

પ્રાચીન સમયથી ભારતમાં રેતી-ચિત્રની પરંપરા ચાલુ છે. કલાભાષ્ય વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ રેતી-ચિત્રનો ઉલ્લેખ છે. આંદામાન-નિકોબાર, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, નેપાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ જેવા, જ્યાં ભારે વર્ષા અને હિમવર્ષાને કારણે માત્ર લાકડાં અને વાંસમાંથી ઘર બાંધવામાં આવે છે, તેવા પ્રદેશોને બાદ કરતાં સમગ્ર ભારતમાં ગ્રામીણ ઘરોમાં ભોંય (ફર્શ) તથા દીવાલો પર છાણ અને  સંયોજનથી બનેલી ગારનું લીંપણ કરવાની પ્રથા છે. લીંપણ સુકાયા પછી તેની પર કૅલ્શિયમયુક્ત ધોળી માટી, ચોખાની ભૂકી અને રંગ મેળવેલી રેતી ભભરાવી ચિત્રો કરવામાં આવે છે. આજકાલ ચૂનાની ભૂકી પણ વ્યાપક બની છે. સામાન્ય ભાષામાં રેતી-ચિત્ર રંગોળી નામે ઓળખાય છે.

આ ચિત્રકામ મોટેભાગે સ્ત્રીઓ અને બાળકો કરે છે. આજની રંગોળી નભોમંડળના ગ્રહો અને અન્ય દૈવી શક્તિઓને રીઝવવા માટેનાં યંત્રો (આકૃતિઓ) દોરવાની પ્રાચીન પ્રથામાંથી ઊતરી આવી હોવાનું મનાય છે. પણ, લગ્ન, વાસ્તુપૂજન જેવા મંગળ પ્રસંગોએ પુરોહિતો પણ રંગોળી દોરે છે. તામિલનાડુ અને આંધ્રમાં હજી ઘણાં ગામડાંમાં રોજ સવારે નવી રંગોળી દોરવામાં આવે છે. આંધ્રમાં મકરસંક્રાંતિ સમયે, ઓરિસામાં લક્ષ્મીપૂજા સમયે અને  દિવાળી વખતે એકથી ચાર અઠવાડિયાં લગી ઘણી મોટી અને વિગતપ્રચુર રંગોળીઓ દોરવામાં આવે છે.

અંગૂઠા અને આંગળી વચ્ચેથી રેતી-ભૂકી ભભરાવતા જઈ પાતળી લયબદ્ધ રેખાઓ ચીતરવાની રીત સામાન્ય છે. ઘણી જગાએ સમાંતર અંતરે ટપકાં મૂકી, ટપકાં જોડી કે જોડ્યા વગર સીધી તેમજ લયાત્મક રેખાઓ વડે વેલ, ફૂલપાંદડાં, હાથી, ઘોડા, ઊંટ, મોર, પોપટ, વીંછી, પગલાં, હથેળી, ગોપીકૃષ્ણ, પનિહારી, વલોણું, ચાંદો અને સૂરજ વગેરેની આકૃતિઓ દોરવામાં આવે છે. આ ઉપરાંત ત્રિશૂળ, સ્વસ્તિક, ગોત્રીજ, કુળદેવી, ગણેશ, કાલી, શ્રીયંત્ર–શક્તિયંત્ર જેવી તાંત્રિક આકૃતિઓ પણ ચીતરવામાં આવે છે. દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચતુષ્કોણ, ત્રિકોણ તથા ષટ્કોણનાં ભૌમિતિક વિભાજન કરતાં ટપકાંની એક આધારજાળીનો સાંચો (બીબું) મૂકી,  રંગ ભભરાવી સાંચો ઉઠાવી લેવામાં આવે છે. પછી પડેલાં ટપકાં જોડીને ભૌમિતિક આકૃતિઓ ઉપસાવવામાં આવે છે અને એ આકૃતિઓમાં બીજા ભૂકી-રંગો ભરવામાં આવે છે.

તામિલનાડુમાં ‘કોળમ્’ નામનો આગવો રંગોળીપ્રકાર છે. એમાં ટપકાં જોડ્યા વગર તેની ચારે તરફ એકબીજામાં અટવાઈ ના જાય તે રીતે લયાત્મક વક્રાકારો ધરાવતી લાંબી રેખાઓ દોરવામાં  છે. તેમાં તમિળ સ્ત્રીઓનું ચાતુર્ય અને ગણિતનો સંબંધ પ્રદર્શિત કરવાની હૈયાસૂઝ ને કેળવાયેલી દૃષ્ટિ પ્રગટ થાય છે.

પુષ્ટિ સંપ્રદાયનાં વૈષ્ણવ મંદિરોમાં કે હવેલીઓમાં ખાસ સાંચા દ્વારા રંગોળી-સાંજી કરવામાં આવે છે. આ કાગળના સાંચામાં વચ્ચે ગાળા કાપીને કૃષ્ણલીલાના પ્રસંગોની આકૃતિઓ બનાવી હોય છે. આથી સાંચો ભોંય પર મૂકી ઉપર રંગચૂર્ણ ભભરાવતાં રંગોળી તૈયાર થઈ જાય છે.

રંગોળી રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં ‘માંડણા’ તથા બંગાળ ને ઓરિસામાં ‘આલ્પના’ નામે ઓળખાય છે.

અમિતાભ મડિયા