રેણુકા : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper wallichi Hand. Mazz. syn. P. aurantiacum Wall. ex DC.; P. arcuatum Blume (સં. હિં. બં. ક. રેણુકા; મ. રેણુકબીજ) છે. તે એક મજબૂત અરોમિલ આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો ચર્મિલ અને 7.5 સેમી.થી 10.0 સેમી. લાંબાં હોય છે. નેપાળ, લખીમપુર અને આસામમાં ખાસી ટેકરીઓમાં થાય છે. તે 3.8 સેમી.થી 7.5 સેમી. લાંબો અને નીચેની તરફ ઝૂકતો શૂકી (spike) પ્રકારનો પુષ્પવિન્યાસ ધરાવે છે. શરૂઆતમાં તેનાં ફળો કોણીય અને પિરામિડીય હોય છે અને પાકાં બને ત્યારે ગોળાકાર બને છે. તે 4 મિમી.નો વ્યાસ ધરાવે છે.
તેનું ફળ કડવો અને શીતળ ગુણધર્મ ધરાવે છે. તે ગર્ભાશય માટે ઉત્તેજક તરીકે વપરાય છે. ફળોના આલ્કોહૉલીય નિષ્કર્ષનું કૂતરામાં અંત:ક્ષેપણ કરતાં તે અલ્પરક્તદાબી (hypotensive) અને ગર્ભાશય અને આંતરડાંઓની ઉગ્ર ઉત્તેજના દર્શાવે છે. ફળમાં માલ્ટોઝ હોય છે; પરંતુ આલ્કેલૉઇડ હોતાં નથી.
આયુર્વેદ અનુસાર તે તીખી, શીત, મુખને સ્વચ્છ કરનારી, કડવી, લઘુ, પિત્તકર, અગ્નિકર, મેધ્ય, પાચક ગર્ભપાતકારક છે અને ખૂજલી, કંડૂ, તૃષા, દાહ, વિષ, કફ, વાયુ, નપુંસકત્વ, દુર્બળતા અને ગુલ્મનો નાશ કરે છે. તેના બીજમાં પણ આવા ગુણો છે. હેડકી ઉપર રેણુકબીજ અને લીંડીપીપરનો કાઢો કરી, તેમાં શેકેલી હિંગ નાખી પિવડાવવામાં આવે છે. પક્ષાઘાત ઉપર રેણુકબીજનો કાઢો આપવામાં આવે છે. પિત્તગુલ્મ ઉપર રેણુકબીજનું ચૂર્ણ મધમાં પિવડાવાય છે.
બીજી રેણુકા દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Vitex agnuscastus Linn. છે. તે ઉગ્ર-સુગંધિત, ઊની-ઘનરોમિલ (wooly-tomentose) ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તે ભૂમધ્યસમુદ્રીય પ્રદેશોમાં થાય છે, જ્યાંથી નૈર્ઋત્ય એશિયાઈ દેશોમાં બલૂચિસ્તાન સુધી પાકિસ્તાનમાં થાય છે. તે કેટલીક વાર ભારતીય ઉદ્યાનોમાં ઉગાડાય છે. પર્ણો પંજાકાર અને મખમલી હોય છે. પર્ણિકાઓ 5થી 7 અને ભાલાકાર હોય છે. પુષ્પો જાંબલી રંગનાં અને ત્રૂટક શૂકી(spike)-સ્વરૂપે કેટલાક સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. ફળ નાનું, ચતુષ્કોટરીય, અષ્ઠિલ પ્રકારનું અને ગોળ હોય છે.
પર્ણોમાં બાષ્પશીલ તેલ હોય છે અને ઔષધ-સ્નાનમાં તે વપરાય છે. તેમાં યૂકેલિપ્ટોલ, પિનેન, સેબિનેન અને ક્વિનૉન છે. તેઓ ઍગ્નુસાઇડ (C22H26O11; ઉત્પાદન 0.3 %), ઑક્યુબિન, લ્યુટિયોલીન-7-ગ્લુકોસાઇડ, ટેટ્રાહાઇડ્રૉક્સિમૉનોમિથૉક્સિફ્લેવોનનો α-D-ગ્લુકોસાઇડ (C22H24O12) કેસ્ટિસિન અને હોમોઑરિયેન્ટિન (આઇસોઑરિયેન્ટિન) ધરાવે છે. કાપડના ટુકડાને તેનાં પર્ણો સાથે પાણીમાં ઉકાળતાં તેના ઉપર કાળો પાસ બેસે છે. સૂકાં પર્ણોનો આલ્કોહૉલીય અને ઈથરીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. albusની વૃદ્ધિને અવરોધે છે. Escherichia coli ઉપર તેની અસર નથી.
બીજ શૂળ(colic)માં અને ઘોડાઓમાં તે હેતુ માટે પશુચિકિત્સીય શલ્યકર્મ(veterinary surgery)માં વપરાય છે. કેટલીક વાર તેનાં બીજ મરીની અવેજીમાં ઉપયોગમાં લેવાય છે. બીજમાંથી 10 % જેટલું ઘેરા રંગનું તેલ ઉત્પન્ન થાય છે. તે પરિપક્વ માદા ઉંદરો ઉપર પ્રોજેસ્ટિરોન જેવી અસર કરે છે. નાજુક શાખાઓમાંથી ટોપલીઓ બનાવવામાં આવે છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ