રેડ બુક (1966) : ચીનના નેતા માઓ-ત્સે-તુંગનાં સામ્યવાદ અંગેનાં વિચારો અને અવતરણોનો સંગ્રહ. પૂરું શીર્ષક છે ‘લિટલ રેડ બુક.’
માઓએ 1966માં ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનો આરંભ કર્યો. આ લડતને દોરવણી આપતું પુસ્તક ‘લિટલ રેડ બુક’ હતું, મૂળ પુસ્તક ‘ક્વોટેશન્સ ફ્રોમ ચેરમેન માઓ-ત્સે-તુંગ’ હતું જેનું સંપાદન લીન પિઆઓએ કર્યું. આ સંપાદન એટલે ‘લિટલ રેડ બુક’. આ ક્રાંતિમાં માઓએ જનસમાજનો સર્વસમતાવાદી (egalitarian) બળ તરીકે ઉપયોગ કર્યો. સાંસ્કૃતિક ક્રાંતિ હેઠળ પક્ષની જરીપુરાણી નોકરશાહીનો નાશ કરવામાં આવ્યો. બુઝર્વા બુદ્ધિવાદીઓને પક્ષના સભ્યપદેથી દૂર કરાયા. માર્કસની સામ્યવાદી ક્રાંતિમાં કામદારો મુખ્ય ભૂમિકા ભજવવાના હતા, જ્યારે માઓની ક્રાંતિ ખેતીપ્રધાન સમાજની ક્રાંતિ હોવાથી તેમાં ખેડૂતો મુખ્ય ભૂમિકા નિભાવશે એવો પક્ષનો નિર્ધાર હતો. તેમાં સામ્યવાદનું ચીનની પરિસ્થિતિને અનુરૂપ અર્થઘટન હતું. આ અંગેના અર્કરૂપ વિચારો રેડ બુકમાં સંગૃહીત થયા છે.
આ પુસ્તકમાં વ્યક્ત વિચારો અને સિદ્ધાંતોને દેશ, લશ્કર તથા પક્ષનાં તમામ કાર્યો માટે માર્ગદર્શન પૂરું પાડતા સિદ્ધાંતો તરીકે લેખવામાં આવતા. ચીનમાં 1966થી ’71 દરમિયાન પ્રત્યેક પુખ્ત ચીનવાસી માટે આ પુસ્તકની નિજી નકલ અને તેનું વાચન લગભગ ફરજિયાત હતાં. આમ જનતાના માનસમાં આ પુસ્તકનું મૂલ્ય ધર્મગ્રંથ સમાન હતું. પાશ્ચાત્ય જગત તેને માઓ સંપ્રદાયના ગ્રંથરૂપે જોતું હતું. આ પુસ્તકનાં અવતરણો અને વિચારોમાં ક્રાંતિ આગળ વધે તે સાથે ઉદ્દામવાદી ડાબેરી યુવાનોનું ઘડતર કરવાની પારાવાર શક્તિ હતી. અધ્યક્ષ માઓ પ્રત્યે અસીમ વફાદારી દાખવવાની વાત તેમાં વણી લેવાઈ હતી.
તેની અસંખ્ય પ્રતો પ્રકાશિત કરવામાં આવેલી. ચીનમાં તેનું વેચાણ અને વિતરણ બંને થતાં. 1998 સુધીમાં તેની 80 કરોડ પ્રતો વેચાતાં વિશ્વભરના સર્વોચ્ચ દસ ગ્રંથોમાં આ પુસ્તક સ્થાન પામ્યું છે. જનતાની વિચારશક્તિ અને કાર્યશક્તિમાં પરિવર્તન લાવવાની અપાર ક્ષમતા તે પુસ્તકમાંના વિચારોએ દર્શાવી છે.
રક્ષા મ. વ્યાસ