રેડ ક્રૉસ : માનવસર્જિત તથા કુદરતી આપત્તિઓના સમયમાં પીડિતોની સેવા કરતી અને રાહત આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેની સ્થાપના એક દાનવીર સ્વિસ નાગરિક જીન હેન્રી ડુનાં(1828–1910)ની પહેલથી કરવામાં આવી હતી. ડુનાં પોતે ડૉક્ટર હતા. જૂન 1859માં ઇટાલીના સોલફેરિનો ખાતેની લડાઈમાં યુદ્ધભૂમિ પર 40,000 મૃતદેહો પડેલા જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને આ અંગે કંઈક કરવું જોઈએ એવા વિચારથી તેમણે 1862માં એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી, જેમાં તેમણે બે મુખ્ય સૂચનો કર્યાં હતાં : (1) યુદ્ધનો ભોગ બનેલા તથા શાંતિના સમયમાં પણ આપત્તિગ્રસ્ત નાગરિકોને સહાય કરવા માટે દરેક દેશમાં સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના કરવી જોઈએ, જે તટસ્થ ભાવે સેવાકાર્ય કરી શકે. (2) યુદ્ધના ગાળામાં પીડિતોને રાહત આપવા કે સહાય કરવા માટેની યોજનાઓ શાંતિના સમયમાં અગાઉથી જ તૈયાર કરવી જોઈએ.
આ પુસ્તિકાના પ્રસારણને પરિણામે ઑગસ્ટ 1864માં જિનીવા ખાતે યુરોપના સોળ દેશોના અધિકૃત પ્રતિનિધિઓની એક પરિષદ યોજાઈ, જેમાં રેડ ક્રૉસ સંસ્થાની સ્થાપનાનો નિર્ણય લેવાયો હતો. તે પૂર્વે 1863માં ડુનાંના સૂચન મુજબ સર્વપ્રથમ વાર સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1864ની પરિષદમાં જે ખતપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું અને જેના પર 12 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સહીસિક્કા કર્યા હતા તે ‘જિનીવા કન્વેન્શન’ના નામથી ઓળખાય છે.
યુદ્ધના સમયમાં આ સંસ્થા ઘવાયેલા સૈનિકો, યુદ્ધકેદીઓ તથા યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા નાગરિકોને રાહત અને સહાય આપે છે. 1864માં જિનીવા ખાતે યોજાયેલ સોળ રાષ્ટ્રોની પરિષદમાં રેડ ક્રૉસનું ચિહન ધરાવતાં ઍમ્બ્યુલન્સ વાહનો, વૈદ્યકીય સાધનો તથા દવાઓનાં સંગ્રહસ્થાનો તથા રાહત કર્મચારીઓની સુરક્ષા અંગેના પાયાના નિયમો માન્ય કરવામાં આવ્યા હતા. 1864 પછી આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસ કમિટીના નેજા હેઠળ ચાર વાર જુદી જુદી આંતરરાષ્ટ્રીય પરિષદો યોજવામાં આવી હતી, જેના દ્વારા 1864ના મૂળ ખતપત્રમાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા અને તેના દ્વારા જમીન પર તથા દરિયામાં ફરજ બજાવતા ઘવાયેલા સૈનિકો, ટક્કર કે દરિયાઈ તોફાનને કારણે ક્ષતિગ્રસ્ત થયેલાં જહાજોના મુસાફરો તથા યુદ્ધનો ભોગ બનેલા સામાન્ય નાગરિકોને રાહત અને સહાય પહોંચાડવાના નિયમો પણ ઘડવામાં આવ્યા હતા.
શાંતિના સમયમાં આ સંસ્થા બ્લડ બૅન્ક્સ ચલાવે છે, ઘવાયેલાઓને પ્રાથમિક સારવાર આપવા માટેની તાલીમ શિબિરોનું આયોજન કરે છે તથા કુદરતી આફતનો ભોગ બનેલાઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કાર્ય પણ કરે છે. આ સંસ્થાના નેજા હેઠળ કામ કરતા લશ્કરના વૈદ્યકીય કર્મચારીઓ તથા સ્વયંસેવકો યુદ્ધમાં સંડોવાયેલા દેશનું નાગરિકત્વ ધરાવતા હોવા છતાં તેમને તટસ્થ ગણવામાં આવે છે.
વિશ્વના 75 દેશોમાં આ સંસ્થાની શાખાઓ છે, જેમના સભ્યોની સંખ્યા દસ કરોડ જેટલી છે. આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય (HQ) સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા નગરમાં રાખવામાં આવ્યું છે. આ સંસ્થાના ઉપક્રમે યુવકો તથા નાની ઉંમરના સ્વયંસેવકોની ટુકડીઓ પણ કાર્યરત હોય છે. સફેદ રંગની પૃષ્ઠભૂમિ પર લાલ રંગના પટા ધરાવતો ક્રૉસ એ આ સંસ્થાનું ઓળખચિહન છે. જોકે સ્વિટ્ઝર્લૅન્ડમાં લાલ રંગની પૃષ્ઠભૂમિ પર સફેદ રંગના પટા ધરાવતો ક્રૉસ તેનું ઓળખચિહન છે. વિશ્વના મુસ્લિમ દેશોમાં ક્રૉસને બદલે બીજના ચાંદનું ચિહન અપનાવવામાં આવ્યું છે, જ્યારે ઇઝરાયલમાં સફેદ પૃષ્ઠભૂમિ પર તારાનું ચિહ્ન મુકાય છે.
આ સંસ્થાની આંતરરાષ્ટ્રીય સમિતિ 1963ના વર્ષ માટેના શાંતિના નોબેલ પારિતોષિકની સહવિજેતા બની હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે