રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા
January, 2004
રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા (જ. 1922, પૈડિયા પાલેચ, જિ. કડપા, આંધ્રપ્રદેશ; અ. 1988) : તેલુગુ સર્જકની ‘અનુવાદ સમસ્યલુ’ નામની કૃતિને 1988ના વર્ષ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ગુંડ્ડી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થી હતા ત્યારે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે ‘સવ્યસાચી’ નામના સાપ્તાહિકનું તથા ‘સંવેદન’ નામના પ્રતિષ્ઠિત સાહિત્યિક ત્રિમાસિકનું સંપાદન કર્યું હતું. 1969થી 1975 સુધી તેઓ પ્રગતિ પ્રકાશનમાં તેલુગુના અનુવાદક તરીકે રહ્યા હતા.
તેલુગુ સાહિત્યમાં તેમનું સર્જન વૈવિધ્યપૂર્ણ રહ્યું છે. તેમના લેખનમાં ટૂંકી વાર્તાઓ, નાટકો, સાહિત્યિક વિવેચના, બાલસાહિત્ય તથા અનુવાદોનો સમાવેશ થાય છે. રશિયન-તેલુગુ શબ્દકોશના સંપાદનકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા હતા. તેમને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી તરફથી ‘સારસ્વત વિવેચન’ નામની કૃતિ બદલ પુરસ્કાર અપાયો હતો.
તેમની કૃતિમાં અનુવાદ-પ્રવૃત્તિમાં પડતી મુશ્કેલીઓની છણાવટ છે. જે સ્પષ્ટતાઓથી તેમણે અનુવાદકાર્યની સમસ્યાઓનો અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે તથા જે શોધકબુદ્ધિ તથા નિષ્ણાત સહજતાથી તેના ઉકેલ સૂચવ્યા છે તેના કારણે પ્રસ્તુત કૃતિ પુરસ્કારપાત્ર થઈ છે.
મહેશ ચોકસી