રેડ્ડી, મુથુલક્ષ્મી (જ. 30 જુલાઈ 1886, પુદુકોટ્ટા; અ. 22 જુલાઈ 1968) : મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર સામાજિક કાર્યકર. પિતા એસ. નારાયણસ્વામી આયર શિક્ષિત આગેવાન અને સમાજસેવી હતા. તેઓ અંગ્રેજી સાહિત્યનાં વિદ્વાન પ્રાધ્યાપક અને પુદુકોટ્ટા (તામિલનાડુમાં આઝાદી પૂર્વેનું એક નાનું રાજ્ય) રાજ્યની મહારાજા કૉલેજનાં આચાર્ય હતા. માતા ચંદ્રમ્માલ. મધ્યમવર્ગીય કુટુંબનું આ સંતાન અભ્યાસમાં તેજસ્વી હતું. તેમણે 1903માં મૅટ્રિક અને 1905માં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી. 1907માં તેમણે તબીબી વિદ્યાના ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો ત્યારે તેમને હતોત્સાહ કરતું વાતાવરણ હતું; પરંતુ 1912માં મદ્રાસ મેડિકલ કૉલેજમાં સર્જરી વિષયમાં સોમાંથી સો ગુણ મેળવી તેમણે સૌને દંગ કરી દીધાં હતાં. આમ છતાં મહિલા વિદ્યાર્થિની તરીકે તેમનો વર્ગ અલગ રહેતો અને તેઓ એ વર્ગનાં એકમાત્ર વિદ્યાર્થિની હતાં. કેટલાક વરિષ્ઠ પ્રાધ્યાપકો તેમને સર્વસાધારણ (જનરલ) વર્ગમાં પ્રવેશવા દેવા તૈયાર નહોતા. આ બધું હોવા છતાં મેડિકલ કૉલેજના અભ્યાસનાં વર્ષો દરમિયાન મોટા ભાગના ગુણવત્તાના ચંદ્રકો અને ઇનામો તેમને ભાગે જતાં. બ્રિટિશ શાસન દરમિયાનના મદ્રાસ ઇલાકાનાં તેઓ સૌપ્રથમ મહિલા તબીબ બન્યાં. તેઓ ગવર્નમેન્ટ મેટર્નિટી ઍન્ડ ઑપ્થેલ્મિક હૉસ્પિટલનાં પ્રથમ મહિલા હાઉસ-સર્જન હતાં.
ત્યાર બાદ તેઓ ઉત્તરોત્તર વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરતાં રહ્યાં. અંગ્રેજી ભણી તબીબ બનનાર આ મહિલા બૅડમિંટનનાં સારાં ખેલાડી હતાં. તેમની ઉત્તમ શૈક્ષણિક કારકિર્દીથી પ્રભાવિત થયેલા ડૉ. સુંદર રેડ્ડીએ મુથુલક્ષ્મીના પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને 1914માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. મુથુલક્ષ્મીએ જાહેર જીવનમાં કારકિર્દી કરવા દેવાની શરતે જ તેમનો લગ્નનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો હતો. 1930માં તિરુવન્નામલાઈના અદ્યાર ગામમાં જમીન ભાડે લઈ અવાઈ હોમ(Awai Home)ની સ્થાપના કરી, જ્યાં નાતજાતના ભેદભાવ વિના અનેક કન્યાઓને બાળકો સમેત આશરો આપવામાં આવતો. વળી તેમને નર્સિગ તથા અન્ય ક્ષેત્રોની તાલીમ આપી પગભર પણ બનાવવામાં આવતી. 1948માં મદ્રાસ રાજ્યમાં દારૂબંધી દાખલ કરાઈ ત્યારે પણ અવાઈ હોમે ઘણી મહિલાઓને આશ્રય પૂરો પાડેલો. આ પ્રવૃત્તિના સંદર્ભમાં લગ્ન માટે કન્યાઓની વય ઊંચી લઈ જવા અંગેનો કાયદો ત્યાંની ધારાસભામાં પસાર કરાવી તેમણે અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી. વળી હિંદુ મંદિરો દેવદાસી પ્રથાની અનીતિને પોષતાં તે બાબત તેમના ધ્યાનમાં આવી, તેથી દેવદાસી-પ્રથાની નાબૂદીનું આંદોલન શરૂ કર્યું. અંતે દેવદાસી-પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાવી ઐતિહાસિક અને યશસ્વી કાર્ય પાર પાડ્યું.
આ સાથે તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ સમાંતરે ચાલતી રહી હતી. તેમણે મુસ્લિમ મહિલા સંગઠનનું સમર્થન કર્યું. 1926માં ચેન્નાઈ વિધાનસભાનાં સભ્ય બન્યાં, ત્યારે તેઓ સમગ્ર બ્રિટિશ હિંદુસ્તાનનાં સૌપ્રથમ મહિલા વિધાનસભ્ય હતાં. આ જ વર્ષે પૅરિસની વિમેન્સ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં તેમણે હાજરી આપી હતી. 1928માં તેઓ સર્વસંમતિથી વિધાનસભાનાં ઉપાધ્યક્ષ ચૂંટાયાં હતાં. 1927માં બાળકો માટેની પ્રથમ હૉસ્પિટલ શરૂ કરાવી. 1931–40 દરમિયાન ‘સ્ત્રી-ધર્મ’ સામયિકના તંત્રીપદે રહી કામ કર્યું અને મહિલાજાગૃતિના ક્ષેત્રે સભાનતા પ્રસરાવવા પ્રયત્નશીલ રહ્યાં. તે સાથે તેઓ વિમેન્સ ઇન્ડિયા ઍસોસિયેશન દ્વારા પણ મહિલાજાગૃતિ માટે કામ કરતાં રહ્યાં. પરિણામે અનેક સામાજિક સુધારા કરતા ખરડા લાવી તેમણે સરકાર દ્વારા તે અંગેના કાયદા ઘડાવ્યા; જેમાં બહુપત્નીત્વવિરોધી ધારો નોંધપાત્ર હતો. ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ દ્વારા આંદોલન કરીને તેમણે સરકારને મેમૉરૅન્ડમ આપ્યું. એથી મહિલા મતાધિકારના ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ શકી. તેમના આ પ્રયાસોમાં શ્રીમતી હમીદ અલી અને રાજકુમારી અમૃતકૌરનો ભારે સહકાર રહ્યો. આથી 1935માં અંગ્રેજોએ અંશત: મહિલા મતાધિકારનો સ્વીકાર કર્યો હતો.
તેમની નાની બહેન કૅન્સર અંગેની સારવારના અભાવે અવસાન પામી ત્યારે ચેન્નાઈમાં કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ખોલવાનો તેમણે પાકો મનસૂબો કર્યો. તે વેળા તબીબી ક્ષેત્રે પણ કૅન્સરના બચાવ માટેની અલ્પ દવાઓને કારણે તેમને અન્ય તબીબોનું ખાસ પ્રોત્સાહન ન સાંપડ્યું; પરંતુ આરંભેલું કામ અધૂરું છોડવાની તેમની ટેવ નહોતી, તેથી તેઓ સતત પ્રયત્ન કરીને કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ખોલીને જ જંપ્યાં. આજે તે ભારતભરની એક ખ્યાતનામ કૅન્સર હૉસ્પિટલ છે. તેમના પુત્ર અને કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના વર્તમાન અધ્યક્ષ ડૉ. કૃષ્ણમૂર્તિ આજે પણ આ ક્ષેત્રે પ્રવૃત્ત છે. 1954–57 દરમિયાન તેઓ રાજ્ય સરકારના સમાજકલ્યાણ કેન્દ્રનાં પ્રથમ અધ્યક્ષ બન્યાં. મહિલાઓ અને બાળકો માટેની સતત અને સુદીર્ઘ કારકિર્દીની કદર કરીને ભારત સરકારે તેમને 1956માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત કર્યાં હતાં.
તેમની જન્મશતાબ્દીએ તામિલનાડુ રાજ્ય સરકારે 100 નવાં સાક્ષરતા-કેન્દ્રો ખોલી; 50,000 મહિલાઓને સાક્ષર બનાવવાની સક્રિયતા દાખવી. તેમાં તેમનાં પુત્રવધૂ મંદાકિની કૃષ્ણમૂર્તિનો અસાધારણ સહયોગ પ્રાપ્ત થયો હતો. સાદાં, માયાળુ અને મમત્વથી ભર્યાં ભર્યાં શ્રીમતી રેડ્ડી નવાં નવાં કાર્યક્ષેત્રોની જનેતા હતાં. સૌથી વિશેષ તો તેમણે આ વિવિધ ક્ષેત્રોમાં બીજી હરોળનું નેતૃત્વ તૈયાર કરીને તેમની દીર્ઘદૃષ્ટિનો સૌને પરિચય કરાવ્યો હતો.
તેમના ‘માય એક્સપિરિયન્સીઝ ઍઝ એ લેજિસ્લેટર’ ગ્રંથમાં તેમની ધારાસભાવિષયક સેવાઓની નોંધ સંગૃહીત થયેલી છે.
રક્ષા મ. વ્યાસ