રેડ્ડી, નીલમ સંજીવ (જ. 19 મે 1913, ઇલુરુ, આંધ્રપ્રદેશ; અ. 1 જૂન 1996, બૅંગાલુરુ) : ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, સ્વાતંત્ર્યસેનાની અને કૉંગ્રેસના જાણીતા કાર્યકર. પિતા ચિન્નપ્પા રેડ્ડી. જાહેર જીવનના પ્રારંભે 1936માં આંધ્રપ્રદેશ કૉંગ્રેસ સમિતિના તેઓ મંત્રી હતા. 1946 સુધી આ પદ પર કામગીરી કરી તે દરમિયાન સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો અને જેલવાસ વેઠ્યો. ભારતની સ્વતંત્રતા ટાણે તેમણે બંધારણ-સભાના સભ્ય તરીકે કાર્ય કર્યું.

નીલમ સંજીવ રેડ્ડી

1949થી ’57 સુધી તે ત્યારના મદ્રાસ રાજ્યના દારૂબંધી વિભાગના અને વનવિભાગના મંત્રી હતા. 1951–52 દરમિયાન રાજ્યસભાના સભ્ય હોવા ઉપરાંત ફરીને તેઓ આંધ્રપ્રદેશ કૉંગ્રેસ કમિટીના મંત્રી બન્યા. 1953થી ’55 દરમિયાન આંધ્ર વિધાનસભાના વિધાયક બનવા સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો ધારણ કર્યો હતો. આવી જ તક ફરીને 1955ના વર્ષમાં તેમને મળી હતી. 1956થી ’60 અને ’62–63માં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1960–62 દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બન્યા. 1964થી ’67 દરમિયાન કેંદ્રીય મંત્રી રહ્યા, જેમાં 1966 સુધી પોલાદ અને ખાણ મંત્રાલયના તથા તે પછી વાહનવ્યવહાર, વિમાન, પર્યટન અને નૌકાવ્યવહાર મંત્રાલયના મંત્રી તરીકે કામગીરી કરી હતી. 1967–69 દરમિયાન તેમણે લોકસભાનું અધ્યક્ષપદ સંભાળેલું. 1969માં તેમણે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું, તેઓ કૉંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હતા છતાં તેમને પરાજય વેઠવો પડ્યો હતો, કારણ સંસદીય બૉર્ડનાં સભ્ય શ્રીમતી ઇંદિરા ગાંધીએ પક્ષમાં આ ચૂંટણી અંગે કોઈ દંડક (whip) આપ્યો નહોતો, અને અંત:કરણના અવાજ અનુસાર મતદાન કરવા જણાવેલું, જેમાં પ્રતિસ્પર્ધી વી. વી. ગિરિને વધુ મત મળતાં તેઓ વિજેતા બન્યા હતા. તે પછી 1977ની રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણીમાં તેઓ વિજેતા નીવડ્યા હતા અને 1977થી ’82 દરમિયાન ભારતના રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યું હતું.

રક્ષા મ. વ્યાસ