રેડિયો હૅમ : નાગરિકો શોખ રૂપે પોતાનું રેડિયોકેન્દ્ર સ્થાપી બીજા શોખીનો જોડે બિનતારી સંદેશાવ્યવહાર સ્થાપે તેવી વ્યવસ્થા. તેને અવ્યવસાયી કે શોખ રેડિયો કહે છે, પણ વ્યવહારમાં તેને હૅમ રેડિયો કહે છે. નાગરિક રેડિયો પણ કહે છે. અવ્યવસાયી રેડિયોનું હૅમ રેડિયો નામ કેવી રીતે પડ્યું તે વિશે કોઈ કંઈ જાણતું નથી. એક અનુમાન એવું છે કે હૅમના મૂળમાં રહેલી રેડિયોની શોધોમાંની મહત્વની ત્રણ શોધો સાથે સંકળાયેલા ત્રણ પ્રમુખ વિજ્ઞાનીઓનાં નામોના આદ્યાક્ષર એચ એ એમ લઈને હૅમ શબ્દ રચવામાં આવ્યો હોય. 1888માં વિજ્ઞાની હાઇનરિખ હર્ટ્ઝે રેડિયો-કિરણોનું અસ્તિત્વ પ્રયોગ દ્વારા સિદ્ધ કર્યું. 1918 તથા 1933માં એડ્વિન આર્મસ્ટ્રૉંગ નામના શોધકે રેડિયો-આવૃત્તિના વિષયમાં બે સરળ પરિપથોની રચના કરી. 1901માં ગુલ્યેલ્મો માર્કોનીએ ઍટલૅન્ટિકની પેલે પાર રેડિયો-સંકેત મોકલવામાં સફળતા મેળવી. આ હટર્ઝ, આર્મસ્ટ્રૉંગ અને માર્કોનીનાં નામોના આદ્યાક્ષરો લઈ હૅમ શબ્દ રચવામાં આવ્યો હોય એ બનવાજોગ છે.
આ વિશ્વવ્યાપી શોખનો આરંભ રેડિયોની શોધ જેટલો જૂનો છે. 1901માં ઍટલૅન્ટિક મહાસાગર પાર ઇંગ્લૅન્ડથી ન્યૂફાઉન્ડલૅન્ડ બિનતારી કે રેડિયો સંકેતો મોકલવામાં સફળતા મળી. આ ઉપરથી આ ક્ષેત્રે પ્રયોગો કરતાં ઘણા લોકોમાં ભારે ઉત્સાહ વ્યાપ્યો. ઘણા લોકો પોતાનું ઉપકરણ બનાવી સગાંસંબંધીઓ તથા મિત્રો જોડે રેડિયો-સંપર્કો સ્થાપવા લાગ્યા. આને કારણે રેડિયોવાહિનીઓમાં ભારે ભીડ થઈ અને રેડિયોસંચારમાં વિક્ષેપોથી કામ અટકી પડવાની સ્થિતિ થઈ. બીજો ભય એ હતો કે આની સહાયથી મહત્વના સંદેશા ખોરવી નંખાતા તથા અપરાધી અને વિદેશી ક્ષેત્રોમાં ગુપ્તચર્યામાં એનો ઉપયોગ થતો. 1912 સુધીમાં પરિસ્થિતિ એટલી વણસી કે આ વિષયમાં કાયદો ઘડવાની જરૂર પડી. ઍમેટર તથા નિજી મથકો પર નિયંત્રણો મુકાયાં. તેમને 200 મીટર સુધીના ટૂંકા તરંગોની આવૃત્તિ વાપરવાની જ છૂટ અપાઈ, ત્યારે ટૂંકા તરંગો નિરુપયોગી ગણાયેલા. પણ ટૂંકા તરંગો લાંબા અંતરે જવાની શક્તિ ધરાવતા હોવાથી હૅમ રેડિયોને તો ઉત્તેજન મળ્યું. કોઈકે વળી તેના કેન્દ્ર ઉપરથી સંગીતપ્રસારણ કરવા માંડ્યું. આ ઉપરથી રેડિયોનો વ્યવસાયી કે ધંધાદારી ક્ષેત્રે વિવિધ રૂપે ઉપયોગ કરવાનો વિચાર પ્રસર્યો. રેડિયો-શોખીનો એકબીજા માટે ‘હૅમ’ શબ્દ વાપરે છે. બીજા એક હૅમે રેડિયો-દૂરબીન બનાવ્યું. હૅમ રેડિયોના વિશ્વવ્યાપી સંચાર માટે ઉપગ્રહ-વ્યવસ્થાનો લાભ મળે તે માટે હૅમ-સંગઠનોએ એકઠાં થઈ 1961માં ‘ઑસ્કર-1’ નામે પોતાનો ઉપગ્રહ પણ છોડ્યો. 1965માં ‘ઑસ્કર-4’ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચે પ્રથમ સંદેશવ્યવહાર સધાયો.
અત્યારે હૅમ રેડિયોનો શોખ વિશ્વવ્યાપી બની ચૂક્યો છે. પ્રતિદિન, પ્રતિમિનિટ અને પ્રતિસેકંડ લાખો લોકો એકબીજા સાથે વાત કરતા હોય છે. હૅમ સંદેશાની વાચા કે તારયંત્રની જેમ મૉર્સ સંકેત રૂપે આપલે કરી શકાય છે. ઘરના રેડિયો ઉપર પણ ઘણી વાર 15–, 40– કે 80– મીટર બૅન્ડ ઉપર હૅમ સંદેશા અનાયાસ સાંભળવા મળે છે. હૅમ રેડિયો ટ્રાન્સમિટર ઘણુંખરું ઓછી શક્તિનું હોય છે. નાગરિક રેડિયો શક્તિ અને અંતરમાં મર્યાદા ધરાવે છે. તેમાં સંકેતો પણ મર્યાદિત પ્રકારના વપરાય છે. હૅમશોખીનોને વિશ્વમાં દૂરદૂરનાં સ્થળોએ વાત કરવામાં વાંધો આવતો નથી. પ્રારંભે વાલ્વનો ઉપયોગ થતો ત્યારે લાંબા અંતર માટેનાં ઉપકરણો અગવડભર્યાં હતાં. પણ ટ્રાન્ઝિસ્ટરની શોધ પછી કદમાં ઘટાડો અને શક્તિમાં વધારો થયો. તેથીયે આગળ વધીને એકીકૃત પરિપથ (integrated circuit) તથા સંકુલ(module)ના આગમને સગવડ વધારી અને કદ તથા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો. આ રીતે હૅમ-રેડિયોના પ્રસારને ઘણું ઉત્તેજન મળ્યું. વિશ્વના ઘણા દેશોમાં અંગ્રેજી ભાષા પ્રચલિત હોવાથી બે સાવ અજાણ્યા દેશોના હૅમ-નાગરિકો પણ સંપર્ક સ્થાપી શકતા. આ ઉપરાંત મૉર્સ સંકેત (Morse code) વાપરીને બનાવેલી વિશેષ હૅમ ભાષા અંગ્રેજીથી અજાણ હૅમોને લાભદાયી નીવડી. જેમ કે ક્યુ સંકેત. રોમન ક્યુ તથા એક કે બે અક્ષરો વડે સામાન્ય વાતચીત માટે સંકેત રચવામાં આવ્યા. ઉદા. ક્યુટીએચ એટલે તમારું સ્થાન ક્યાં છે ?
હૅમનો મુખ્ય ઉપયોગ રેડિયોમિત્રો બનાવવાનો તથા નવરાશની પળોમાં ગપસપ કરવાનો ગણાય છે. મર્યાદિત વિસ્તારના હૅમમિત્રો જૂથ રચીને રમતો પણ રમે છે. ઉદા., શિયાળનો શિકાર. અહીં વગડામાં ટ્રાન્સમિટર સંતાડવામાં આવે છે. તે શિયાળ જેવો ધ્વનિ અથવા ઠરાવ્યા મુજબનો સંકેત નિયત અંતરે પ્રસારે છે. રમનારાઓ પોતાનાં રિસીવરોની સહાયથી પ્રસારણનું મૂળ શોધવા પ્રયત્ન કરે છે, પણ હૅમનું ખરું મહત્વ દુર્ઘટનાઓ અને અકસ્માતો પ્રસંગે સમજાયું. થોડાં વર્ષ ઉપર સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં વાવાઝોડાના ઉત્પાતમાં જ્યારે સંચારનાં બધાં સાધનો નકામાં થઈ ગયાં હતાં અને સરકાર વિવશતાનો અનુભવ કરવા લાગી હતી ત્યારે તથા કચ્છના ધરતીકંપ સમયે એ વિસ્તારના હૅમધારકોએ આપત્તિની ઝીણીઝીણી વિગતો પૂરી પાડીને ઉપયોગી સેવા કરી હતી. વિશ્વભરમાં અનેક આપત્તિ પ્રસંગે હૅમ-જૂથો સામેથી દોડીને સેવા આપતાં આવ્યાં છે. હૅમ ઉપર ટી.વી.ની જેમ દૃશ્યો પણ મોકલી શકાય છે. કેટલીક વાર લાંબા અંતરે ક્ષિતિજની મર્યાદા નડે ત્યારે ચંદ્રબિંબ ઉપરથી પરાવર્તન કરીને પૃથ્વી ઉપર દૂરના અગમ્ય સ્થળે સંદેશા પહોંચાડાય છે.
પ્રારંભે શોખીનો જાતે પોતાનાં ઉપકરણો જોડતા. પછી તૈયાર કિટ મળતાં થયાં. આથી હૅમ-પરિવારને વિસ્તારવામાં વેગ મળ્યો. જોકે, આ ક્ષેત્ર શોખનું હોવાથી ઘણા હૅમ પોતાનાં ઉપકરણો પોતે પ્રયોજે અને જોડે એનો વિશેષ આનંદ માણે છે. હૅમ-મથક એક નાનકડું રેડિયો-મથક જ હોય છે. તેમાં રેડિયો-ટ્રાન્સમિટર, રેડિયો-રિસીવર [અથવા, કેટલીક વાર ભેગું એક જ ટ્રાન્સીવર (tranceiver) નામનું ઉપકરણ], ઍન્ટેના કે એરિયલ અને વીજળી આપૂર્તિનાં સાધન, મુખ્ય અંગો છે. ઘરમાં મુખ્ય વીજળી-જોડાણનો ઉપયોગ થાય છે. ચલ મથક માટે બાર વૉલ્ટ અથવા જરૂર પ્રમાણેની વીજળી બૅટરી સાથે રાખવી પડે છે. મોટરકારમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ઍન્ટેના મોટરકારની બહાર રખાય છે. હૅમ-પ્રસારણ માટે આટલાં બૅન્ડ આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ ફળવાયેલાં છે. 2 –મીટર, 4–, 10–, 15–, 20–, 40–, 80– અને 160– મીટર. તરંગો વિવિધ પ્રકારે પ્રસારિત થાય છે. ઘોંઘાટનું નડતર દૂર કરવા તરંગની પસંદગી ઉપયોગી બને છે.
હૅમ-રેડિયો ગમે તે ક્ષણે શોખના સાધનના નામે ધંધાદારી અથવા ગુપ્તચર્યાનું સાધન બનવાનો ભય રહે છે. તેથી તેના પર નિયંત્રણ રાખવા દરેક દેશે ધારા ઘડ્યા છે તથા નિયમનતંત્રની રચના કરી છે. વળી, હૅમ-રેડિયો ચાલે તેથી રેડિયો-ક્ષેત્રના બીજા ઉપયોગ કરનારાઓને જેમ કે વિમાન, નૌકા, આકાશવાણી રેડિયો, દૂરદર્શન, પોલીસ, સેના આદિને વિક્ષેપ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવે છે. અપરાધીઓ તથા દેશદ્રોહીઓ તેનો છાનોછપનો ગેરલાભ લે નહિ તેનું ધ્યાન પણ રાખવું પડે છે. આ માટે દેશના પ્રસારણ વિભાગ તરફથી અનધિકૃત મથકો શોધી કાઢવા રડાર તથા રિસીવર જેવાં ઉપકરણો દ્વારા આકાશમાં સતત અનુસરણ (monitoring) કરવામાં આવે છે. ત્રણેક પ્રકારની પરીક્ષાઓ લઈને વયસ્ક નાગરિકોને અનુમતિપત્ર તથા સાંકેતિક નામ આપવામાં આવે છે. જેથી સાચા શોખીનોને અધિકૃત રીતે હૅમ-મથક સ્થાપવામાં સરળતા રહે. પ્રારંભિક–1, પ્રારંભિક–2 અને અંતિમ ઉચ્ચસ્તરીય એમ ત્રણ પ્રકારની કસોટીમાં બે ભાગો હોય છે. લેખિત પ્રશ્નપત્રમાં રેડિયો વિશેનું જ્ઞાન તથા સરકારી નિયમનોનું જ્ઞાન ચકાસવામાં આવે છે. પ્રાયોગિક કસોટીમાં મૉર્સ સંકેતમાં સંદેશો મોકલવા તથા ઉકેલવાની આવડત બતાવવી પડે છે. ઉત્તીર્ણ પરીક્ષાર્થીને અનુમતિપત્ર અપાય છે. તેમાં તેની છબિ, નામ-સરનામું, કેન્દ્રનો સંકેત કે કૂટ, અવધિ તથા શુલ્ક રૂપિયાની નોંધ કરી અધિકારી સહી કરે છે. જેમ કે, વીયુ–2, યુબીએસ. અહીં વીયુ–2 ભારતીય મૂળભૂમિનો ક્ષેત્ર-સંકેત છે. બીસીએસ એ પત્રધારકના નામ માટે યોજેલો સંકેત છે. આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ વિશ્વના બધા દેશોને વિવિધ સંકેતો ફાળવાયા છે.
સામાન્ય રીતે વિદ્યાલયોમાં આ શોખનું પ્રશિક્ષણ મળે એવી સગવડ નથી હોતી. નિજી વ્યવસાયીઓ શુલ્ક લઈને પ્રશિક્ષણ આપે છે; પણ ગમે તે ક્ષેત્રના લોકો આ શોખમાં ખેંચાતા નથી. મોટેભાગે વીજળી, વીજાણુશાસ્ત્ર અને રેડિયો ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો આ શોખમાં ખેંચાય છે. ગુજરાતમાં અમદાવાદમાં વિક્રમ સારાભાઈ વિજ્ઞાનકેન્દ્ર તરફથી અવારનવાર પ્રશિક્ષણ માટે વર્ગો ચલાવાય છે. શોખ ખર્ચાળ હોવાથી હજુ ઇચ્છા છતાં ઘણા લોકો તે અપનાવી શકતા નથી.
બીજી મહત્વની વાત એ છે કે પાછલાં વર્ષોમાં કમ્પ્યૂટરની વીજવેગી પ્રગતિએ ઇન્ટરનેટને નજીવા ખર્ચે ઘેરઘેર પહોંચાડી દીધું છે. વળી, હૅમ કરતાં ઇન્ટરનેટ ઘણી વિવિધતાભરી સગવડ આપે છે. તેમાં ચોકસાઈ તથા સ્પષ્ટતા વિશેષ છે. સંપર્ક સરળતાથી થાય છે. ઉપરાંત ચલ ફોન (mobile phone) પણ મળતા થયા છે. આ કારણથી હૅમના શોખનો વિચાર કરનારા ઘણા લોકો ચલ ફોન તથા ઇન્ટરનેટના માર્ગે વળતા થયા છે. આમ હૅમના શોખીનોમાં ઓટ આવવાના સંજોગો ઉપસ્થિત થયા છે.
બંસીધર શુક્લ