રેડિયો સિટી મ્યૂઝિક હૉલ – અમેરિકા
January, 2004
રેડિયો સિટી મ્યૂઝિક હૉલ, અમેરિકા : વિશ્વનું સૌથી મોટું ઇનડૉર થિયેટર. તેમાં 6,000 બેઠકો છે. 1932માં તે ન્યૂયૉર્ક સિટીના રૉકફેલર સેન્ટરમાં ખુલ્લું મુકાયું હતું. આ થિયેટરની ડિઝાઇન, સેન્ટરના સ્થપતિઓની ટુકડીઓના સહયોગથી ડૉનલ્ડ ડેસ્કીએ તૈયાર કરી હતી. તેનું વિશાળ સ્ટેજ (44 × 21 મી.) તમામ પ્રકારની ટૅકનિકલ પ્રયુક્તિઓથી સુસજ્જ કરાયું છે. થિયેટર તથા તેની 3 બાલ્કનીઓમાં જવા માટે 6 માળનો ઝળહળાટભર્યો ભવ્ય ફૉયર છે; કદાચ વિશ્વનો તે સૌથી સુંદર ‘આર્ટ ડેકો’ ખંડ લેખાય છે. તેનાં લૅલિક કાચનાં બે અતિભવ્ય ઝુમ્મર બાજુની દીવાલોમાંના ભોંયથી છત સુધીના અરીસામાં પ્રતિબિંબિત થતાં હોય છે. રાજવી ઢબની સીડી છેવાડાની દીવાલને શોભાવે છે. તેની પાછળ વિશાળ વળાંકોવાળું મ્યૂરલ છે. ફૉયરની નીચેનો ધૂમ્રપાનખંડ કાળા કાચ અને ચાંદીના ટુકડાઓથી શણગારેલો છે.
મહેશ ચોકસી