રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો
પાઇન અને ચીડ પ્રકારનાં વૃક્ષો તથા અન્ય છોડવામાંથી મળી આવતા ઔષધીય ગુણ ધરાવતા ઘટકો. રેઝિન એ પાઇન અને ચીડ જેવાં વૃક્ષોમાંથી ઝરતો અને હવામાં સખત બની જતો પદાર્થ છે, જ્યારે લિગ્નિન એ કાષ્ઠીય (woody) છોડવાની કોષદીવાલોમાંથી મળી આવતો કુદરતી બહુલક છે. તેમનો સીધો યા આડકતરો ઉપયોગ વાનસ્પતિક કુદરતી ઔષધો તરીકે કરવામાં આવે છે. મુખ્યત્વે તેઓ પર્ણો, છાલ, થડ જેવા વિવિધ ભાગોમાં વિતરિત થયેલા હોય છે. આ વનસ્પતિમાંથી મળી આવતાં ફીનોલ પ્રકારનાં કાર્બનિક વલય (ring) ધરાવતાં સંયોજનો છે. તેમાં સાદા ટૅનિન પ્રકારથી માંડીને અન્ય ઘણાં હોય છે, જે પ્રોટીન સાથે વધુ જટિલ ફ્લેવૉન/ફ્લેવેનૉઇડ પ્રકારનાં સંયોજનો બનાવે છે અને વનસ્પતિને લાલ, ભૂરા (blue) તથા પીળા પાણીમાં દ્રાવ્ય વર્ણકો (pigments) આપે છે. લિગ્નિન એ ફીનાઇલ પ્રોપેન પ્રકારના બહુલકો છે. આ સંયોજનો જીવાણુ(bacteria)ની વૃદ્ધિને અવરોધે છે. વનસ્પતિની કોષદીવાલો મજબૂત બનાવવા લિગ્નિન એ અનિવાર્ય પદાર્થ છે.
જટિલ પદાર્થો પૉલિફીનોલ (polyphenols) તરીકે ઓળખાય છે. આ પદાર્થો ચિકિત્સાક્ષેત્રે અગત્યના છે. તેઓ એમોનિયાને દૂર કરે છે. કૅન્સરજન્ય પ્રક્રિયાઓ અથવા કૅન્સરજનન (carcinogenesis) સામે રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે, પ્રોટીન-સંશ્લેષણને ઉત્તેજિત કરે છે, લાયસોઝોમ અને રક્તકણો(erythrocytes)માં કોષકવચને સમતોલ રાખે છે, કેશવાહિનીઓની પારદર્શકતા ઘટાડે છે અને શોથ (સોજા, inflammation) તથા ઊલટી સામે રક્ષણ આપે છે. તેઓ વિષાણુજન્ય તેમજ સૂક્ષ્મ જીવાણુજન્ય – એમ બંને પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે અને આ માટે તેઓ પ્રોટીન ચયાપચય પર કાર્ય કરે છે.
રેઝિન તથા લિગ્નિનયુક્ત ઔષધો તરીકે વપરાતી વનસ્પતિઓ પૈકી કેટલીક અગત્યની નીચે વર્ણવી છે, જે સારાયે વિશ્વમાં વધુ પ્રમાણમાં વપરાય છે.
(1) કુંવારપાઠું (aloe) : આ એક લિગ્નિનયુક્ત વનસ્પતિજન્ય ઔષધિ છે. તેનાં નામો ઍલો બાર્બેડેન્સિસ ઍલો વેરા ક્રુઝ, બાર્બેડોઝ ઍલો, કેપ ઍલો, ઝાંઝીબાર ઍલો વગેરે છે. ગુજરાતમાં તે કુંવારપાઠા તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ઈ. પૂ. 4થી સદીથી ચિકિત્સામાં થતો આવ્યો છે, જે સમયે પ્રાચીન ગ્રીક ચિકિત્સકો હિંદી મહાસાગરમાં આવેલા સોકોત્રાના બેટમાંથી તે મેળવતા હતા. દસમી સદીમાં જેરૂસલેમના પેટ્રિયાર્કે બ્રિટિશ રાજા આલ્ફ્રેડ ધ ગ્રેટને કુંવારપાઠાની ચિકિત્સાની ભલામણ કરી હતી. ભારતમાં જેમ ભૂતપ્રેતના ઉપદ્રવ સામે રક્ષણ મેળવવા આંગણમાં લીંબુ તથા લીલાં મરચાં લટકાવાય છે તે પ્રમાણે મુસ્લિમો જ્યારે મક્કા હજ કરી પાછા આવતા ત્યારે તેઓ શેતાન સામે રક્ષણ માટે બારણે કુંવારપાઠાનો છોડ લટકાવતા હતા.
ઍલો લિલી (lily) જેવો, થોડાક થડવાળો અગર તો બિલકુલ થડ વિનાનો આંકા આંકા જેવો કંટક ધરાવતો લીલો, પીળાશ પડતો છોડ છે. તે આશરે પચીસ જેટલાં માંસલ નરમ પદાર્થ ધરાવતાં પર્ણો પેદા કરે છે. ચિકિત્સામાં તે મોટેભાગે કબજિયાત તથા દાઝ્યા ઉપર ઉપયોગમાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ અપચામાં, કરમિયા(કૃમિ)ના રોગ, મધુપ્રમેહ, ધમનીઓનું સખત થઈ જવું, માસિક-ધર્મના પ્રશ્નો, ચેપ અને ગાંઠમાં, ચામડીના રોગોમાં, પેટના દુખાવામાં, શરીરમાં પાણી ઓછું થઈ જવું (dehydration) વગેરે વિવિધ રોગોમાં કરવામાં આવે છે. યુરોપમાં તે પાચનક્રિયાને મદદ કરવા તથા જુલાબની દવા તરીકે ખાસ વપરાય છે. વિશ્વમાં બીજે બધે તે ચામડીના રોગો તથા સૌંદર્યપ્રસાધનોમાં ખાસ વપરાય છે.
ચિકિત્સામાં જે વપરાય છે તે પાંદડાંનો સૂકવેલો રસ હોય છે, જે આંતરડાંને ઉત્તેજિત કરી કાર્યશીલ કરે છે. આથી આંતરડામાંનો ખોરાક ત્વરાથી ખસે છે, જેથી દ્રાવણનું શોષણ ઓછું થાય છે. ઍલો સૂક્ષ્મજીવાણુને પણ મારી નાખે છે. તે હર્પિસ સિમ્પ્લેક્સ વાયરસ સામે પણ અસરકારક છે. આંતરડામાં જો કોઈ પ્રકારનો અવરોધ-અટકાવ (દા.ત., અલ્સરેટિવ કોલાઇટિસ, ઍપેન્ડિસાઇટિસ યા ક્રોહેનના રોગ જેવી બીમારી યા કોઈ કારણ વગરનો દુખાવો) હોય તો ઍલોનો ઉપયોગ હિતાવહ નથી. બાર વર્ષની અંદરનાં બાળકો માટે પણ તે લેવું હિતાવહ નથી. ઍલો પેટમાં દુખાવો પણ કરી શકે છે. જો તેમ થાય તો તેની માત્રા ઓછી કરવી જરૂરી છે. ચિકિત્સકની સલાહ વગર ઍલો એક યા બે અઠવાડિયાંથી વધુ લેવું હિતાવહ નથી. તે લાંબો સમય લેવાથી પોટૅશિયમ તત્વની ઊણપ સર્જાવાનો ભય રહે છે. આથી શરીરમાંથી પાણી તથા પોટૅશિયમ ઘટાડતાં ઔષધો (દા.ત., ડાઇયુરિલ તથા લેસિક્સ તેમજ પ્રેડનિસોન જેવાં સ્ટિરૉઇડલ ઔષધો તથા લિકોરિસનાં મૂળ) સાથે ઍલો લેવું હિતાવહ નથી. ઍલો સાથે ડિજિટાલિસ યા ડાયૉક્સિન જેવાં ઔષધો લેવાથી તેમની અસરકારકતા વધી જઈ હૃદયના ધબકારા પર પણ અસર થાય છે. ગર્ભાધાનવાળી યા ગર્ભવતી નારીઓ તથા સ્તન્યપાન કરાવતી નારીઓએ ઍલો લેવું ન જોઈએ.
ઍલો ચૂર્ણ તરીકે તથા વિવિધ દ્રાવણના સૂપરૂપે લઈ શકાય છે. તે મુખ વાટે લેવાય છે અને તેની રોજિંદી માત્રા 20થી 30 મિલિગ્રામની રખાય છે. નરમ ઝાડો થાય તે માટે જરૂરી નાનામાં નાની માત્રા લેવી આવશ્યક છે. બધી જ માત્રા એકીસાથે ન લેતાં તેને નાની નાની માત્રામાં વહેંચી નાખી આખો દિવસ લેવી જરૂરી છે. ઍલોની બનાવટોને પ્રકાશ અને ભેજથી દૂર રાખવી આવશ્યક છે.
(2) કૅમોમાઇલ (chamomile) : ‘કૅમોમાઇલ ટી’ તરીકે ઓળખાતી ચામાં કૅમોમાઇલ વનસ્પતિ યા છોડ વપરાય છે. જેમાં 58 જેટલાં ટર્પીન તથા 30 જેટલા ફ્લેવેનૉઇડ પ્રકારનાં રાસાયણિક સંયોજનો હોય છે. ઍઝ્યુલીન (Azulene) તેમાંના એક શ્રેષ્ઠ ટર્પીનનો દાખલો છે. મૂળે તે યુરોપનો છોડ છે અને હવે તે વાયવ્ય, એશિયા, ઉત્તર અમેરિકા તથા અન્ય દેશોમાં પણ ઉગાડાય છે. આ છોડનું લૅટિન નામ છે મેટ્રિકારિયા કૅમોમાઇલ (Matricaria chamomile). કૅમોમાઇલની ઊંચાઈ 8થી 10 ઇંચ જેટલી હોય છે અને તેના પર શ્વેત અને પીળા રંગનાં ફૂલ આવે છે.
ચિકિત્સા માટે મોટેભાગે આખો છોડ અથવા તો પુષ્પોનો ઉપયોગ થાય છે. ઍઝ્યુલીન તથા અન્ય રસાયણોની હાજરીને લઈને કૅમોમાઇલ ટીની ચિકિત્સાક્ષેત્રે નીચે મુજબ વિવિધ અસરો માલૂમ પડી છે :
પિટ્યૂટરી–ઍડ્રિનલ ગ્રંથિ પર સીધી અસર કરી તે હિસ્ટામિનનો સ્રાવ થતો અટકાવે છે, પરિણામે ઍૅલર્જી તથા સોજા સામે રક્ષણ મળે છે.
કલેજા યા લિવરની ફરી જીવંત યા પુનર્જીવિત થવાની પ્રક્રિયાને તે ઉત્તેજિત કરે છે.
ફૂગ તથા સૂક્ષ્મજીવાણુ સામે તે રક્ષણ આપે છે.
પેપ્સિનની પ્રોટીનલયી (proteolytic) ક્રિયાશીલતા 30 % જેટલી ઘટાડી તે મદ્યાર્ક તથા માનસિક તાણ(stress)ને લઈને થતાં ચાંદાં (ulcer) અટકાવે છે.
તે સુંવાળા સ્નાયુ ઢીલા કરે છે અને ગાંઠને નાની કરવામાં મદદ કરે છે.
આંતરડાં યા મૂત્રપિંડ જેવાની વાઢકાપ પછી રૂઝ લાવવામાં મદદ કરે છે.
આવરણ યા મેમ્બ્રેન પર થતા ચેપને ઓછો કરે છે.
તે દર્દશામક યા પ્રશામક (sedative) તરીકે વર્તે છે. જર્મનો તથા ઇટાલિયનો જ્યારે કૅમોમાઇલ ચાનું વધુ પડતું સેવન કરે ત્યારે તેમના સ્નાયુઓ અતિશય ઢીલા પડી જઈ પેટનો ભારે દુખાવો થાય છે.
સામાન્યપણે કૅમોમાઇલની કોઈ આડઅસર જોવા મળતી નથી. (માત્ર થોડાક જણાએ અમુક ચોક્કસ સમય પછી આ છોડ પ્રત્યે ઍલર્જી વ્યક્ત કરી હતી).
કૅમોમાઇલની ચા બનાવવા માટે અર્ધા કપ ગરમ પાણીમાં લગભગ 3 ગ્રામથી વધુ એટલે કે કૅમોમાઇલના ચૂર્ણની ત્રણ ચમચી નાખવામાં આવે છે. પછી દસ મિનિટ ઢાંકી રાખી ગાળીને તે પીવામાં આવે છે. કૅમોમાઇલના લેપ માટે 1½ કપ ગરમ પાણીમાં 2 ચમચી કૅમોમાઇલ નાખી, 15 મિનિટ ઉકાળી, કટકાને હૂંફાળા પાણીમાં બોળી આખો દિવસ અસરગ્રસ્ત ત્વચા પર મૂકવામાં આવે છે. નાહવા માટે તેનો ઉપયોગ કરતી વખતે નાહવાના ¼ ગૅલન પાણીમાં 16 ચમચા કૅમોમાઇલ ચૂર્ણના ઉમેરી પછી તેને ઉપયોગમાં લેવાય છે.
કૅમોમાઇલની દરરોજની આદર્શ ઔષધમાત્રા 10થી 15 ગ્રામ યા 3થી 5 ચમચી જેટલી લેવાય છે.
(3) કૉલેસ્ટિરામીન રેઝિન (cholestyramine resin) : જ્યારે કૉલેસ્ટેરોલનું નિયમન કરવાનું હોય અને ખોરાકમાં ચરબીજન્ય પદાર્થો બિલકુલ લેવાના ન હોય યા ઓછા કરવાના હોય ત્યારે કૉલેસ્ટિરામીન રેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે. શરીરની ધમનીઓમાં કૉલેસ્ટેરોલ જામી જવાથી ઍથેરોસ્ક્લેરોસિસ (atherosclerosis) થઈને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા વધે છે, જેથી કૉલેસ્ટેરોલ ઘટાડવાથી હૃદયરોગ (હૃદ્શૂળ-ઍન્જાઇના), આઘાત (stroke) વગેરે સામે બચાવ થાય છે. ઘણી વાર અન્ય ઉપયોગો માટે પણ આ ઔષધ વાપરવામાં આવે છે.
આ ઔષધ બે સ્વરૂપમાં મળે છે : ચૂસવાના સળિયા જેવું તથા ચૂર્ણ સ્વરૂપનું. ચૂર્ણને અન્ય ખોરાક યા દૂધ જેવા પેય સાથે મેળવીને લેવાનું હોય છે. તેને સૂપ સાથે પણ લઈ શકાય. આ સાથે વધુ પાણી પીવું જરૂરી છે. આ ઔષધની થોડીક આડઅસરોમાં કબજિયાત, ઊલટી, ઝાડા, હૃદયની બળતરા અને કદીક મળદ્વારે થતો રુધિરસ્રાવ છે.
(4) ઇફેડ્રા (ephedra) : ચીનમાં મા-હુઆંગ (ma-huang), ચાઇનીઝ જૉઇન્ટ ફીટ યા તો ચાઇનીઝ ઇફેડ્રા તરીકે ઓળખાતું આ વાનસ્પતિક ઔષધ મુખ્યત્વે ઉત્તર અને વાયવ્ય ચીન, મધ્ય એશિયા તથા મોંગોલિયામાં વધુ થાય છે. લૅટિનમાં તેને ઇફેડ્રા સિનિકા (Ephedra sinica), ઇફેડ્રા ઇન્ટરમીડિયા તથા ઇફેડ્રા ઇક્વિસેટિના (E. equisetina) તરીકે ઓળખવામાં આવે છે.
તેના થડનો, નાની નાની ડાળીઓ તથા મૂળનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇફેડ્રા તેની ઔષધશક્તિની અસરો માટે 4,000 વર્ષથી જાણીતું છે. તે સંપુટ ટીકડી (કૅપ્સૂલ), ચા (tea), ટિન્ક્ચર વગેરે વિવિધ ઔષધ સ્વરૂપોમાં પ્રાપ્ય છે. અમુક ઉત્પાદનોમાં ઇફેડ્રીન/સ્યૂડોઇફેડ્રીનનું આશરે 6 %થી 8 % જેટલું આદર્શ પ્રમાણ રાખવામાં આવે છે.
ચિકિત્સકો આ ઔષધનો ઉપયોગ મુખ્યત્વે ઋતુજન્ય ક્રૉનિક દમ યા અસ્થમા, નાકનું સજ્જડ થઈ જવું તથા સાઇનસાઇટિસમાં કરે છે. આ સિવાય આ ઔષધનો ઉપયોગ વજનમાં ઘટાડો થતો હોય તો તે તથા શક્તિ વધારવા માટે તથા શ્વાસનળીના રોગો (દા.ત., ખાંસી) મટાડવા માટે પણ કરવામાં આવે છે.
ઇફેડ્રાની ઔષધીય અસરો માટે તેમાં રહેલ વિવિધ આલ્કેલૉઇડ (જેવાં કે ઇફેડ્રીન, સ્યૂડોઇફેડ્રીન, નૉરઇફેડ્રીન, મિથાઇલ ઇફેડ્રીન તથા નૉરસ્યૂડો ઇફેડ્રીન વગેરે) જવાબદાર હોય છે. બજારનાં ઉત્પાદનોમાં ઇફેડ્રીનનું આદર્શ પ્રમાણ જાળવવામાં આવે છે. એશિયામાં તે તાવ, સોજો તથા હાડકાંના દુખાવા માટે લેવામાં આવે છે. એવું જાણવા મળ્યું છે કે તે સૂક્ષ્મજીવાણુની વૃદ્ધિ પણ રોકે છે.
ઇફેડ્રીનનું ફાર્માકોકાઇનેટિકલ અધ્યયન પણ થયું છે, જેમાં તેનું અર્ધઆયુષ્ય (half life) 5.2 કલાક છે અને તેનું 70 %થી 80 % જેટલું વિઘટન મૂત્ર તરીકે થઈ જાય છે.
આ ઔષધની આડઅસરો ઘણી છે. આથી જો દર્દીને લોહીનું ઊંચું દબાણ હોય, થાઇરૉઇડનો રોગ હોય, મધુપ્રમેહ, એમોરેક્સિયા, બુલીમિયા કે આંખનો ઝામર યા ગ્લુકોમા હોય તો ઇફેડ્રા કે તેની બનાવટો લેવી હિતાવહ નથી. આ ઔષધ માઓ (MAO) ઇન્હિબિટર્સ તથા કાર્ડિયાક ગ્લાઇકોસાઇડ્ઝ ઔષધો સાથે સંઘર્ષપ્રક્રિયા સર્જે છે. આથી ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. ગર્ભવતી યા સ્તન્યપાન કરાવતી મહિલાઓ માટે આ ઔષધ હાનિકારક છે. તેની આડઅસરોમાં અનિદ્રા, સ્નાયુઓનું શિથિલન તેમજ ધ્રુજારી તથા પાચનશક્તિની મંદતા વગેરેનો સમાવેશ થાય છે.
ઇફેડ્રીન લોહીનું દબાણ તથા હૃદયના ધબકારા વધારે છે. ક્રિયાશીલ તત્વ ઇફેડ્રીન એ નૉનકૅટેકોલેમાઇન સિમ્પેથોમિમૅટિક કારક છે તથા એડ્રીનર્જિક રિસેપ્ટર પર સીધી પ્રક્રિયા કરી આલ્ફા-1, બીટા-1 તથા બીટા-2 પ્રક્રિયા દર્શાવે છે. આથી ઘણી વાર તે ઘાતક નીવડે છે, કારણ કે ચેતાતંત્ર તથા હૃદયના પ્રશ્નો પેદા થાય છે. ઇફેડ્રાના સેવન પછી હેલોચેન ઍનેસ્થેસિયા અપાયો હોય તો દર્દીને ઇન્ટ્રાઑપરેટિવ વેન્ટ્રિક્યુલર એરિથમિયાજ થઈ શકે છે. વધુ પડતું ઇફેડ્રાનું સેવન રેડિયોલ્યૂસન્ટ કિડનીસ્ટોન કરી શકે છે.
ઇફેડ્રાનાં મૂળ તથા છોડની નાની નાની ડાળીઓ વાટીને મદ્યાર્કમાં તેનું દ્રાવણ ટિંક્ચર તથા દ્રાવ્ય અર્ક તરીકે વપરાશમાં લેવામાં આવે છે. ઇફેડ્રાની ચાની બનાવટમાં 1થી 4 ગ્રામ ઇફેડ્રા વાટીને ત્રણ વાર લેવાય છે. દ્રાવ્ય અર્કમાં તે 1થી 3 મિલી. જેટલું દિવસમાં ત્રણ વખત લેવાય છે. ટિંક્ચર(1 : 1)માં તે 5 ગ્રામ યા 1 ચમચી જેટલું લેવાય છે જ્યારે ટિંક્ચર(1 : 4)માં તે 6થી 8 મિલી. એટલે કે 1થી 1½ ચમચી ત્રણ વાર લેવામાં આવે છે.
(5) જિંકો (ginkgo) : જિંકોનું લૅટિન નામ છે ‘જિંકો બિલોબા’ (Ginkgo biloba). તેનું વૃક્ષ 30.48 મી. ઊંચું થાય છે અને તેની આયુષ્યમર્યાદા સો વર્ષ ઉપરની હોય છે. મૂળે તો તે ચીનનું વૃક્ષ છે; પણ જાપાન, કોરિયા અને હવે તો સારાયે વિશ્વમાં ઉગાડાય છે. અમેરિકામાં તે દક્ષિણ કૅરોલાઇનાના સુમ્લેર ખાતે ઉગાડાય છે. આમ તો જિંકો વૃક્ષ 20 કરોડ વર્ષોથી જાણીતું છે, પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ છેલ્લા બે દાયકાથી જ વધુ જાણીતો બન્યો છે.
જિંકો-અર્કનો ક્રિયાશીલ પદાર્થ રક્તનું ભ્રમણ વધારે છે, લોહીનો ગઠ્ઠો યા લોહી જામી જતું અટકાવે છે અને કેશવાહિનીઓ ફરીથી કાર્યાન્વિત કરે છે. જ્યારે પ્રાણવાયુની અછત હોય ત્યારે ચેતાતંત્રના કોષોને થતું નુકસાન અટકાવે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ અસરો ધરાવતું હોવાથી તે મગજની પેશીઓને મુક્ત મૂલકો(free radicals)ની થતી અસરોથી બચાવે છે. આ માટેનો ક્રિયાશીલ પદાર્થ જિંકોમાં ઘણો ઓછો હોવાથી તેનું ખૂબ જ સંકેન્દ્રિત દ્રાવણ ઔષધ તરીકે લેવાય તો જ તે પૂરતી અસર કરે છે. રુધિરાભિસરણની અનિયમિતતા, મગજમાં ઓછા લોહીનું પહોંચવું યા ભ્રમણ થવું તથા જીર્ણતા(senility)માં તેને ખાસ વાપરવામાં આવે છે.
મગજનાં કાર્યો પરત્વે ઊભા થતા પ્રશ્નોમાં જિંકો સામાન્યપણે વપરાય છે, જે મોટેભાગે ઉંમર વધવા સાથે પેદા થતા હોય છે. તેનો ઉપયોગ એકાગ્રતા વધારવા માટે પણ થાય છે. મોટેભાગે પુરાઈ ગયેલી યા ભરાઈ ગયેલી મગજની ધમનીઓને કારણે થતા ટૂંકા ગાળાની યાદશક્તિના હ્રાસની ચિકિત્સા પણ આ ઔષધ વડે થાય છે. બેચેની, કાનમાં અવાજ આવવો, માથાનો દુખાવો તથા ચિંતા(anxiety)ને લીધે થતી ઉચ્ચ લાગણીવશ સંવેદિતા માટે તથા જેમને પગમાં લોહીના ભ્રમણનો પ્રશ્ન હોય તેમાં પણ તે રાહત પૂરી પાડે છે.
જિંકોનાં પર્ણોનો અર્ક ચક્કર આવવાં (vertigo), ઇન્દ્રિયનું ઉત્થાન ન થવું તથા અક્ષાંક્ષની બીમારી વગેરેમાં પણ વપરાય છે. હવે તે અમુક ચોક્કસ પ્રમાણમાં ઍલ્ઝાઇમર રોગ માટે પણ વાપરવામાં આવે છે. આ ઔષધીય અસરો માટે પર્ણોમાં રહેલ ટર્પિનૉઇડ તથા ફ્લેવોનૉઇડ સંયોજનોને કારણભૂત માનવામાં આવે છે. તાજેતરમાં ચિકિત્સા-અજમાયશમાં વપરાયેલ જિંકો-અર્કમાં જિંકો-ફ્લેવોન ગ્લાઇકોસાઇડ્ઝ તથા ટર્પિનૉઇડ સ્વરૂપે પ્રમાણિત (standardised) કરાયા હતા. જિંકો ઍન્ટિ-ઑક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે અને વાહિકાનિયંત્રણ(vagoregulation)ને ફેરવે છે. તે ચેતાતંત્રના ન્યુરોટ્રાન્સમિટરનું નિયંત્રણ તથા નિયમન કરે છે. તેને લઈને સ્વીકારક (receptor) ક્રિયાશીલતા ઉત્તેજાય છે. પ્લેટલેટ ઍક્ટિવેટિંગ ફૅક્ટરને તે અવરોધે છે.
કોઈ પણ પ્રકારની ઍલર્જિક પ્રક્રિયા થાય તો આ ઔષધ બંધ કરવું જરૂરી છે. તેની આડઅસરોમાં ગળફા, કફ, ઓછી માત્રામાં પાચનશક્તિના પ્રશ્નો, રક્તસ્રાવ વગેરે મુખ્ય છે. રક્તસ્રાવને કારણે હાઇફેમા (hyphema) થવા સંભવ છે; દા.ત., એક કિસ્સામાં ઑપરેશન પહેલાં ખાસો રક્તસ્રાવ થયો હતો, જે જિંકોને આભારી હતો.
જિંકોનું દ્રાવણ, અર્ક અથવા તો ઘન સ્વરૂપમાં 40 મિલિગ્રામની ટીકડીના સ્વરૂપે ઔષધરૂપમાં બનાવાય છે. જિંકોનાં પર્ણોમાંથી ચા બનાવાય છે, પણ પ્રમાણમાં તે બહુ અસરકારક થતી નથી. તેની રોજની માત્રા 120 મિલિગ્રામ જેટલી નક્કી કરવામાં આવે છે. જે વધુમાં વધુ પ્રતિદિન 240 મિલિગ્રામ સુધી લઈ જઈ શકાય. જેમની યાદશક્તિ અત્યંત મંદ થઈ ગઈ હોય તેઓ માટે તે હિતાવહ છે. બજારુ અન્ય બનાવટોની ઔષધમાત્રામાં ઘણો ફેર હોય છે. આ ઔષધની વધુ પડતી માત્રા લેવાથી સ્નાયુઓ ઢીલા પડી જાય છે.
ટર્પીનૉઇડ સંયોજનો મુખ વાટે લેવાય તો તે શરીરમાં ત્વરાથી શોષાય છે, જેને ‘બાયોઅવેઇલેબલ’ કહેવાય છે. જ્યારે ફ્લેવોનૉઇડ્ઝ ચયાપચયના ભાગરૂપે ગ્લ્યુક્યૂરૉનિકેશન પ્રક્રિયા કરે છે. ટર્પીનૉઇડ સંયોજનોનું અર્ધઆયુષ્ય 3થી 10 કલાકનું હોય છે. વાઢકાપના 36 કલાક અગાઉ જિંકો લેવાનું બંધ કરવું હિતાવહ છે.
સંશોધન : વિશ્વભરમાં રેઝિન તથા લિગ્નિન અને તેનાં સંયોજન ધરાવતી અને ઔષધ તરીકે વપરાતી આવી વિવિધ વનસ્પતિઓ પર સંશોધન ચાલી રહ્યું છે. આમાંની એક છે એસ્પિન્હેઇરા સાન્ટા (Espinheira santa). સિલેસ્ટ્રેસી કુળની અને માયટેનસ જિનસની આ વનસ્પતિ ઇલિસીફોલિયા તરીકે ઓળખાય છે. ઈ. સાન્ટા સિવાય તેનાં બીજાં નામોમાં કેન્સેરોસા તથા કેન્કરોસા, ચુચુવાસી, મેઇટેનો, લિમાઓ સિન્હો વગેરેનો સમાવેશ થાય છે. ઈ. સાન્ટા જરાક નાનો, 5 મીટરની ઊંચાઈ ધરાવતો, હંમેશાં લીલો રહેતો છોડ છે. તેનાં પર્ણો સુંદર અને ફળ બોર જેવાં હોય છે. મૂળ તે દક્ષિણ અમેરિકાનો છોડ છે. તે સિવાય દક્ષિણ બ્રાઝિલમાં પણ ઊગે છે. ઔષધ તરીકે આ વનસ્પતિનાં પર્ણો, છાલ તથા મૂળનો ઉપયોગ થાય છે. દા.ત., ઍસિડિટી, તાવ, ચેપ, દમ, સૂક્ષ્મજીવાણુના રોગો, કૅન્સર અને ચાંદાં(ulcers)માં તે વપરાય છે. તે જુલાબ, ટૉનિક વગેરેનું કામ પણ કરે છે. તે ઍન્ટિસિડ, ઍન્ટિબાયૉટિક, ઍન્ટિસેપ્ટિક, ઍન્ટિકૅન્સર – એમ અનેક ગુણો ધરાવે છે.
આ બધાં ઔષધના જે ગુણો છે તે તેમાં રહેલ રાસાયણિક સંયોજનોને આભારી છે. આ સંયોજનો છે ‘r’-મિથાઇલ-(–)-એપિગેલોકેટેચીન; 6-બેન્ઝોયલ-6-ડી-એસિટાઇલ માયટેઇન; 22-હાઇડ્રૉક્સી ટિન્જિનોન; માયટેન્સીન; માયટેનિન; પ્રિસ્ટીમેરિન; ફિનોલ્ડાઇનોન્સ; ટિન્જિનોન; તથા પ્રોઍન્થોસાયનિડિન્સ (ઓરાટિયા પ્રોએન્થોસાઇનિડિન્સ એ તથા બી) વગેરે.
સને 1970માં તેનાં બે સંયોજનો માયટેન્સીન તથા માયટેઇનની કૅન્સર સામે કસોટી કરાઈ હતી. આ ઔષધનો ત્વચાના કૅન્સરમાં ઉપયોગ થઈ શકે છે; જેમાં તેના મલમનો ઉપયોગ થાય છે. તેનો ખાસ ઉપયોગ ચાંદાં તથા અપચો, ક્રૉનિક ગૅસ્ટિરાઇટિસ તથા ડિસ્પેપ્સિયામાં છેક 1930થી થાય છે. આ ઔષધને ઍસિડિટી તથા અલ્સરનાં આધુનિક ઔષધો સાયમેટિડીન તથા રેનિટિડીન સાથે સરખાવી શકાય છે.
આ ઔષધની અર્ધો કપ ચા બનાવી દિવસમાં બેથી ત્રણ વાર અથવા 4 : 1 પ્રમાણનું ટિંક્ચર બનાવી બેથી ત્રણ મિલિલીટર ખોરાક સાથે દિવસમાં બે વાર લેવાય છે. પાંદડાંનું બેથી ત્રણ ગ્રામ ચૂર્ણ ટીકડી યા સંપુટના રૂપમાં કે પછી રસ કે પાણી સાથે હલાવી દિવસમાં બે વાર લેવાય છે.
વિશ્વભરમાં લાકડાનો વહેર ફેંકી દેવો પડે છે. એક સંશોધન એવું પણ થયું છે, જેમાં વધુમાં વધુ લિગ્નિન હોય છે તે લાકડાનાં વહેરનો ઉપયોગ કરી તેમાં પ્લીયુરોટસ (Pleurotus) પ્રકારની મશરૂમ યા ફૂગ ઉગાડાય છે. તે ખાઈ શકાય છે ને દવામાં પણ કામ આવે છે. આમ લાકડાના વહેરના એવા ઉપયોગથી કચરાનો નિકાલ થવા ઉપરાંત ખોરાક તથા ઔષધ પણ મળી રહે છે.
યોગેન્દ્ર કૃ. જાની