રેખા-દેઉલ : ઓરિસાનાં મંદિરોમાં શિખરની રચના પરત્વે વિશિષ્ટ સ્વરૂપ ધરાવતું ગર્ભગૃહ. ઓરિસામાં મંદિરના ગર્ભગૃહને શ્રી-મંદિર કે દેઉલ કહે છે. એમાં શિખર-રચના પરત્વે રેખા-દેઉલ અને પીડ-દેઉલ એવી બે પદ્ધતિઓ જોવામાં આવે છે. રેખા-દેઉલમાં બાડા, છપ્પર અને આમલક એવાં ત્રણ અંગો હોય છે; જ્યારે પીડ-દેઉલમાં બાડા, પીડ અને ઘંટાકલશ હોય છે. રેખા-દેઉલનો નીચેનો અડધો ભાગ ‘બાડા’ કહેવાય છે, જે મંદિરના પીઠ પર ઊભો રહેલો હોય છે. બાડામાં અનેક જંઘાઓના થર કરેલા હોય છે, એમાં બે જંઘાઓ વચ્ચેના ભાગને ‘બરંડી’ કહે છે. બાડાની ઉપરનો ધડભાગ તેમજ શિખરનો આધારભાગ ‘છપ્પર’ કહેવાય છે. આ છપ્પરમાં પણ અનેક ‘અમ્લ’ કરેલાં હોય છે. બે અમ્લ વચ્ચેના ભાગને ‘ભૂમિ’ કહે છે. છપ્પરની ઉપરના શીર્ષભાગને ‘આમલક’ કહેવામાં આવે છે, જેની ઉપર કળશની રચના કરેલી હોય છે. રેખા-દેઉલમાં શિખરની રેખા સીધી ઊભી, લંબવત્ ઊંચે સુધી ચડે છે અને શીર્ષભાગની નિકટ પહોંચતાં વક્ર થઈ જાય છે. વસ્તુત: રેખા-દેઉલ શિખરયુક્ત ગર્ભગૃહને કહેવામાં આવે છે. રેખા-દેઉલનો નીચલો ભાગ ઘનાકાર અને ઉપલો ભાગ શુંડાકાર હોય છે.
પ્રવીણચંદ્ર પરીખ