રેખા (જ. 10 ઑક્ટોબર 1954, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. મૂળ નામ : ભાનુરેખા. પિતા : તમિળ ચિત્રોના જાણીતા અભિનેતા જેમિની ગણેશન્. માતા : તમિળ ચિત્રોનાં અભિનેત્રી પુષ્પાવલી. 1970માં ‘સાવનભાદોં’ ચિત્રથી હિંદી ચિત્રોમાં જ્યારે રેખાએ પ્રવેશ કર્યો ત્યારે અભિનય અને સૌંદર્ય બંને બાબતોમાં તેઓ એટલાં સામાન્ય હતાં કે તેઓ હિંદી ચિત્રોમાં લાંબો સમય ટકી શકશે નહિ, એવું હરકોઈ માનતું હતું; પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમના અભિનયમાં જ નહિ, તેમના સૌંદર્યમાં પણ ગજબનો નિખાર આવતો ગયો અને ભારતીય ચલચિત્રોનાં અત્યંત પ્રતિભાશાળી અને સૌંદર્યવતી અભિનેત્રીઓમાં તેમની ગણના થવા માંડી. કેટલાંક વ્યાવસાયિક અને કળાનિષ્ઠ બંને પ્રકારનાં ચિત્રોમાં તેમણે ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે. તેઓ માત્ર 15 વર્ષનાં હતાં ત્યારે જ તેમને અભ્યાસ ચાલુ રાખવો કે અભિનયક્ષેત્રે જવું – એ બેમાંથી એક પસંદ કરવાની સ્થિતિ આવી હતી. અભ્યાસ પડતો મૂકવાનો નિર્ણય કર્યો અને અભિનયક્ષેત્રે આવી ગયાં. તેમણે જોકે બેબી ભાનુરેખા તરીકે તમિળ ચિત્ર ‘રંગુલા રત્નમ્’માં ભૂમિકા ભજવી હતી. તેમનાં પ્રારંભિક ચિત્રો ‘રામપુર કા લક્ષ્મણ’, ‘ગોરા ઔર કાલા’, ‘કહાની કિસ્મત કી’, ‘નાગિન’, ‘ધર્માત્મા’ વગેરે સરેરાશ હતાં અને તેમના ભાગે એવી કોઈ નોંધપાત્ર ભૂમિકા આવી નહોતી અને એક સરેરાશ અભિનેત્રી તરીકે તેમની ગણના થતી હતી; પણ પછી ગુલઝાર જેવા કળાપારખુની નજર રેખા પર પડી. તેમણે ‘ઘર’ (1978) ચિત્રમાં રેખાને તક આપી. આ ચિત્રે રેખાની આખી છબિ બદલી નાંખવાનું કામ કર્યું.
આ ચિત્રમાં જ રેખાએ તેમની નૈસર્ગિક અભિનયક્ષમતાનો પ્રથમ વાર પરિચય કરાવ્યો હતો. એ પછી હૃષીકેશ મુખરજીએ પહેલાં ‘નમકહરામ’ (1973) અને પછી ‘આલાપ’(1977)માં રેખાને કામ આપ્યું. આ બે ચિત્રોમાં રેખા હૃષિદાની કસોટીમાંથી પાર ઊતરતાં તેમણે રેખાને ‘ખૂબસૂરત’(1980)માં મહત્વની ભૂમિકા આપી. આ ચિત્ર હળવું વ્યંગાત્મક હતું. રેખાએ આ ચિત્રમાં એવો ઉત્કૃષ્ટ અભિનય કર્યો કે એ પછી તેમની ગણના અગ્રણી અભિનેત્રીઓમાં થવા માંડી. નૃત્યમાં તેઓ પ્રવીણ હતાં જ એટલે મુઝફફર અલીએ જ્યારે ‘ઉમરાવજાન’ (1981) ચિત્રનું સર્જન કર્યું ત્યારે તેમણે મુખ્ય ભૂમિકા રેખાને જ આપી હતી અને રેખાએ પણ આ પાત્રને પૂરેપૂરો ન્યાય આપ્યો હતો. એ પછી કળા-ચિત્રોના સર્જકો માટે રેખા પ્રથમ પસંદગી બની ગયાં. એક બાજુ ‘કલયુગ’ (1989) અને ‘વિજેતા’ (1989) જેવાં કળા-ચિત્રોની સાથે તેમણે વ્યાવસાયિક ચિત્રો ‘બસેરા’, ‘અગર તુમ ન હોતે’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘મિ. નટવરલાલ’ અને ‘સિલસિલા’ જેવાં ચિત્રોમાં પણ એટલી જ સહજતાથી તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. હિંદી ચિત્રોમાં એક નિશ્ચિત વય પછી અભિનેત્રીઓને મુખ્ય ભૂમિકાઓ મળતી બંધ થઈ જાય છે, પણ રેખા માટે એ પણ લાગુ પડતું ન હોય તેમ તેમણે ‘ખૂન ભરી માંગ’ (1989) અને ‘ફૂલ બને અંગારે’ (1989), ‘ઇજાજત’, ‘આસ્થા’, ‘ખિલાડિયોં કા ખિલાડી’ જેવાં ચિત્રોમાં કામ કરી સફળતા મેળવી હતી. છેલ્લાં વર્ષોમાં તેમણે ચરિત્ર-ભૂમિકાઓ ભજવવા માંડી છે. શ્યામ બેનેગલની ‘ઝુબેદા’ તેમાં ઉલ્લેખનીય છે. રેખાને ‘ઉમરાવજાન’ની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષિક અને ‘ખૂબસૂરત’ તથા ‘ખૂન ભરી માંગ’ની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનાં ‘ફિલ્મફેર’ પારિતોષિકો મળ્યાં હતાં.
નોંધપાત્ર ચિત્રો : ‘સાવનભાદોં’ (1970), ‘રામપુર કા લક્ષ્મણ’ (1972), ‘ગોરા ઔર કાલા’ (1972), ‘નમકહરામ’ (1973), ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ (1973), ‘ધર્માત્મા’ (1975), ‘આલાપ’ (1977), ‘ઘર’ (1978), ‘મુકદ્દર કા સિકંદર’ (1978), ‘મિ. નટવરલાલ’ (1979), ‘ખૂબસૂરત’ (1980), ‘કલયુગ’ (1980), ‘સિલસિલા’ (1981), ‘ઉમરાવજાન’ (1981), ‘વિજેતા’ (1982), ‘ઉત્સવ’ (1984), ‘ઇજાજત’ (1987), ‘ખૂન ભરી માંગ’ (1988), ‘ફૂલ બને અંગારે’ (1991), ‘ઝુબેદા’ (2001).
હરસુખ થાનકી