રૅડમિલૉવિક, પૉલ (જ. 5 માર્ચ 1886, કાર્ડિફ, ગ્લેમરગન, વેલ્સ; અ. 29 સપ્ટેમ્બર 1968, સમરસેટ) : તરણ તથા વૉટરપોલોના યુ.કે.ના ખેલાડી. બ્રિટિશ ટીમના ખેલાડી તરીકે વૉટર-પોલોની રમતમાં ઓલિમ્પિક રમતોત્સવ ખાતે 1908, 1912 અને 1920માં એ રીતે ઉત્તરોત્તર 3 વાર સુવર્ણ ચન્દ્રકોના તેમજ 1908માં 4 200 મી. ફ્રીસ્ટાઇલ તરણમાં સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા હતા. 1924 તથા 1928માં પણ તેમણે ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો.
તેમના પિતા યુગોસ્લાવ અને માતા આયરિશ હતાં, અને લગભગ 30 વર્ષ સુધી તેઓ તરણ તથા વૉટરપોલોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતા રહેલા. તેઓ એ.એસ.એ. ચૅમ્પિયનશિપમાં 9 વખત વિજેતા નીવડ્યા અને તેમાં અંતર-સમયનું આશ્ચર્યજનક વૈવિધ્ય રહ્યું : 1909માં 91.440 મી; 1925માં 302.236 મી.; 1926માં 628.672 મી. તથા 1925થી 1927 દરમિયાન દર વર્ષે 1.609 કિમી. તેમજ 1907, 1925 અને 1926માં ટેમ્સ નદીમાં 8.045 કિમીનું લાંબા અંતરનું તરણ.
વેલ્સનું તેમનું પ્રથમ વિજયપદક (title) 91.440 મી. માટે 1901માં હાંસલ થયું અને તેમનું છેલ્લું વિજયપદક 302.236 મી. માટે 1929માં 41 વર્ષની વયે તેમણે પ્રાપ્ત કર્યું. આ ચૅમ્પિયનશિપનો વિક્રમ 9 વર્ષ સુધી અતૂટ રહ્યો. 1967માં ‘ઇન્ટરનૅશનલ સ્વિમિંગ હૉલ ઑવ્ ફેમ’માં સ્થાન પામનાર તેઓ સર્વપ્રથમ બ્રિટનવાસી હતા.
મહેશ ચોકસી