રૅંગલ ટાપુ (Wrangel Island) : આર્ક્ટિક મહાસાગરમાં પૂર્વ સાઇબીરિયન સમુદ્ર અને ચુકચી સમુદ્ર વચ્ચે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 70° 30´થી 71° 00´ ઉ. અ. અને 179° 30´થી 179° 30´ પ. રે. વચ્ચેનો આશરે 7,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 125 કિમી. (NE–SW) અને પહોળાઈ 48 કિમી. જેટલી છે. આ ટાપુ બેરિંગની સામુદ્રધુનીથી વાયવ્યમાં 680 કિમી.ને અંતરે તથા ઈશાન સાઇબીરિયાથી 144 કિમી. ઉત્તરમાં આવેલો છે અને સાઇબીરિયાની મુખ્ય ભૂમિથી લૉંગની સામુદ્રધુની દ્વારા અલગ પડે છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : આ ટાપુ આર્ક્ટિક મહાસાગરની પહોળી સાઇબીરિયન ખંડીય છાજલી પર આવેલો છે. તે આર્ક્ટિક ટુન્ડ્ર પ્રદેશનો એક ભાગ છે. તેનું મોટાભાગનું ભૂપૃષ્ઠ નીચાણવાળું છે, તેમ છતાં 1,096 મીટર ઊંચાઈ ધરાવતો સોવેત્સ્કાયા ગોરા પર્વત તેનું ઊંચામાં ઊંચું સ્થળ છે. ભૂપૃષ્ઠ સ્ફટિકમય સ્લેટ, ગ્રૅનાઇટ અને નાઇસ ખડકોથી બનેલું છે. તેમાં કાંપથી રચાયેલા રેતીયુક્ત વિસ્તારો પણ છે. અહીં નાના કદનાં ઘણાં સરોવરો આવેલાં છે. ઉત્તર તથા નૈર્ઋત્ય કિનારા પાસે રેતીની આડશો રચાયેલી છે. તેમની વચ્ચે નાનાં ખાડીસરોવરો તૈયાર થયેલાં છે. ટાપુનું આજુબાજુનું સમુદ્રજળ ભાગ્યે જ બરફમુક્ત રહે છે, દળદાર બરફ લગભગ આખું વર્ષ ટાપુની આજુબાજુ વીંટળાયેલો રહે છે.
આ ટાપુ શીત કટિબંધમાં આવેલો હોવાથી તેની આબોહવા ધ્રુવીય અથવા ઠંડી રહે છે. જુલાઈનું તાપમાન 2.4° સે. જેટલું રહે છે. ઉનાળા દરમિયાન અહીં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. પ્રાણીઓમાં અહીં લેમિંગ, સીલ, વૉલરસ, આર્ક્ટિક શિયાળ અને ધ્રુવીય રીંછ જોવા મળે છે. શિકાર કરવા યોગ્ય પ્રાણીઓ અહીં વસતાં હોવા છતાં અહીંના સ્થાનિક લોકો તેમનો શિકાર કરતા નથી.
રશિયન અભિયંતા બૅરન ફર્ડિનાન્ડ ફૉન રૅંગલે (1794–1870) 1824માં આ ટાપુના અસ્તિત્વના અહેવાલો તપાસેલા. 1867માં અહીં આવેલા ટી. લૉંગ નામના અમેરિકન વહાણવટીએ રૅંગલના માનમાં આ ટાપુને રૅંગલ નામ આપેલું. 1881માં યુ.એસ. નૌકાસૈન્યનો કૅપ્ટન આર. એમ. બેરી આ ટાપુને ખૂંદી વળેલો. 1911માં રશિયનો અહીં પ્રથમ વાર આવેલા. રશિયામાંનાં ઉપલબ્ધ લખાણો કહે છે કે અઢારમી સદીની શરૂઆતથી જ આ ટાપુ રશિયાની જાણમાં હતો. યુ.એસે. પોતાનો દાવો પણ છે તેની ખાતરી કરવા 1923માં રેન્ડિયરના ટોળા સહિત એસ્કિમોની એક ટુકડી મોકલેલી. બીજા જ ઉનાળામાં તેમને રશિયન વહાણમાં બેસાડીને પાછા મોકલી દેવામાં આવેલા. 1926માં 50 ચુકચીઓએ સોવિયેત શાસન હેઠળ અહીં એક વસાહત સ્થાપેલી. અહીં ‘રૅંગલ ટાપુ રાજ્ય વન્યજીવન વિસ્તાર’(7 લાખ હેક્ટર)ની 1976માં સ્થાપના થયેલી છે.
(2) રૅંગલ ટાપુ : આ નામનો બીજો એક ટાપુ અલાસ્કા(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં (56° 15´ ઉ. અ. અને 132° 10´ પ. રે.) ઍલેક્ઝાન્ડર દ્વીપસમૂહમાં આવેલો છે, તેનું કોઈ વિશેષ મહત્વ નથી.
ગિરીશભાઈ પંડ્યા