રૂપાંતરણ (transformation) (સૂક્ષ્મવિજ્ઞાન) : સંશ્લેષણ (conjugation), પારક્રમણ (transduction) જેવી પ્રક્રિયા દરમિયાન યજમાન સૂક્ષ્મજીવના સંજનીન(genome)માં થતું સંભાવ્ય પરિવર્તન.

માધ્યમમાં આવેલ DNAના અણુનું યજમાન સૂક્ષ્મજીવના શરીરમાં આવેલ રંગસૂત્રમાં થયેલ સંગઠન
આ પ્રક્રિયામાં પર્યાવરણિક માધ્યમમાં રંગસૂત્ર કે જનીનના ભાગ રૂપે આવેલ DNAની સાંકળ યજમાન સૂક્ષ્મજીવમાં પ્રવેશીને તેમાં ભળી જાય છે. જોકે યજમાનના શરીરની બાહ્ય સપાટી તરફ DNAની સાંકળને સ્વીકારે તેવા સ્વીકારકો (receptors) હોય તો જ આ પ્રક્રિયા સાધ્ય બને છે. તેથી આ પ્રક્રિયા માત્ર વિશિષ્ટ સૂક્ષ્મજીવો પૂરતી મર્યાદિત છે. સસીમકેન્દ્રી (eukaryotic) સૂક્ષ્મજીવોના શરીરમાં આ રૂપાંતરણ ચેપ-સંચારણ (transfection) વિધિની અસર હેઠળ થાય છે.
પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ જીવો પર વિશિષ્ટ પ્રકારનો ઉપચાર (treatment) કરવાથી તેમના સંજનીનમાં પરિવર્તન લાવી શકાય છે. જનીનોના પ્રતિચિત્રણ(genetic mapping)માં આ પ્રક્રિયા કરવામાં આવે છે.
માધ્યમમાં આવેલા જનીનો તેમજ યજમાન સૂક્ષ્મજીવના જનીનો સમજાત (homologous) હોય તો જ આ વિધિ સુલભ બને છે અને સહેલાઈથી માધ્યમમાં આવેલ DNAની સાંકળ યજમાનના શરીરમાં આવેલ રંગસૂત્રમાં મળી જાય છે.
મ. શિ. દૂબળે