રૂપાંતરણ (metamorphosis) (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીના જન્મથી પુખ્ત અવસ્થા સુધીના વર્ધનકાલ દરમિયાન વિવિધ કક્ષાઓમાંથી પસાર થઈને તદ્દન ભિન્ન સ્વરૂપ પ્રાપ્ત કરવાની પરિવર્તન-ક્રિયા. બળદ, ઘોડા કે માનવી જેવા ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓનાં સંતાનો જન્મથી જ દેખાવમાં પુખ્ત પ્રાણીઓ જેવાં હોય છે; જ્યારે જમીન પર વસતા મોટાભાગના કીટકો, તેમજ દરિયામાં વસતા ઘણાં પ્રાણીઓનાં સંતાનો દેખાવમાં તેમજ આચરણમાં પુખ્ત પ્રાણીઓના કરતાં સાવ જુદાં હોય છે.
રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરનારા બધા સજીવો અંડપ્રસવી હોય છે અને તેઓ ઈંડાં/ફલિતાંડોનું વિમોચન શરીરની બહાર કરે છે. ઈંડાંના વિકાસથી ઉત્પન્ન થતી અવસ્થાને સામાન્યપણે ડિમ્ભ અથવા ઇયળ (larva) કહે છે. દરિયામાં વસતા શૂળત્વચી સ્તરકવચી તેમજ મૃદુકાય ડિમ્ભો અત્યંત ચપળ હોય છે. તેઓ વૃદ્ધિ માટે અનુકૂળ સ્થળ પ્રાપ્ત થાય ત્યાં સુધી તરે છે અને ત્યારબાદ સ્થાયી બનીને રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. મોટાભાગના શૂળત્વચીઓ પ્રચલનાંગો ધરાવતાં હોવા છતાં એક જ જગ્યાએ લગભગ સ્થાયી બનીને જિંદગી પસાર કરતાં હોય છે; જ્યારે વાદળી (sponge), મોતીછીપ (pearl oyster), પુચ્છમેરુ (urochordate) ઍસિડિયા જેવાં પ્રાણીઓનાં ડિમ્ભો મુક્તપણે તરે છે અને સ્થાયી જીવન જીવવા માટે લાયક એવું સ્થળ પ્રાપ્ત થતાં રેતમાં ઘૂસીને (દા.ત., સમુદ્રફૂલ) અથવા તો ખડક જેવાને ચોંટીને (દા.ત., મોતીછીપ ઍસિડિયા) તદ્દન સ્થાયી બને છે.
ઘણાં પરોપજીવી પ્રાણીઓનું જીવનચક્ર (life cycle) ઘણું જટિલ હોય છે. દાખલા તરીકે ઘેટાના યકૃતને ચીટકીને પુખ્ત જીવન પસાર કરતા યકૃત-કૃમિ(liver-fluke)નાં ફલિતાંડો ઘેટાના મળ સાથે બહાર પડીને પાણીના સંપર્કમાં આવતાં વિકાસ પામીને તેમાંથી મિરાસિડિયમ ડિમ્ભ બહાર આવે છે. જો આ ડિમ્ભ ગોકળગાય(snail)ના સંપર્કમાં આવે તો તેના શરીરમાં પ્રવેશી સ્પોરોસિસ્ટ, રેડિયોલેરિયા જેવી અવસ્થામાંથી પસાર થઈને સર્કારિયા ડિમ્ભાવસ્થા પ્રાપ્ત કરે છે. તેને પૂંછડી હોય છે અને તે યજમાનના શરીરમાંથી બહાર પડીને, તરીને ભેજયુક્ત સ્થળે ઊગતી ઘાસ જેવી વનસ્પતિને ચોંટી જાય છે. ઘેટાં જો આ ઘાસને ખાય તો તેના અન્નમાર્ગમાંથી પસાર થઈને યકૃતના સંપર્કમાં આવતાં ત્યાં વિકાસ પામી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.
ઉભયજીવી દેડકાંની માદા જળાશયમાં ઈંડાં મૂકે છે. સમાગમ દરમિયાન નર તેના પર નરકોષોનું વિમોચન કરે છે. દેડકાના નવજાત શિશુને ટેડપોલ ડિમ્ભ કહે છે. શરૂઆતની અવસ્થામાં તે બાહ્ય ઝાલરોની મદદથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે અને પૂંછડીની મદદથી પાણીમાં તરે છે. ત્યારબાદ તે ક્રમશ: ઝાલર ગુમાવે છે અને ચલન-પગોની બે જોડ ધારણ કરે છે તથા તેના શરીરમાં હવાઈ-શ્વસન માટે ફેફસાંનું નિર્માણ થાય છે. આમ દેડકાં જન્મે સાવ જળવાસી હોય છે, પરંતુ રૂપાંતરણ દ્વારા પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરીને જમીન તેમજ પાણી –બેયમાં ઉભયજીવીની રીતે જીવન પસાર કરે છે.
મોટાભાગના કીટકો રૂપાંતરણ પ્રક્રિયા દ્વારા પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. ઘણા કીટકોનું રૂપાંતરણ જટિલ હોય છે. આવા કીટકો પોતાના જીવનકાળ દરમિયાન ઈંડું, ઇયળ (larva), કોશેટો/કોશિત (cacoon) અને પુખ્ત એમ ચાર અવસ્થાઓ પ્રાપ્ત કરે છે; દાખલા તરીકે, ફૂદાં અને પતંગિયાં જેવાં કીટકો ફલિતાંડોનો ત્યાગ ઝાડના કોઈ પણ ભાગ પર કરે છે. આ કીટકોનાં ફલિતાંડોના વિકાસ થતાં તેમાંથી અપાદ (ઇયળ) (caterpillar) બહાર આવે છે. ઇયળો અત્યંત ખાઉધરી હોય છે અને વનસ્પતિના ભોગે ખોરાક પ્રાશન કરીને જાડી બને છે. આ અવસ્થા દરમિયાન તેઓ ચાર વખત ત્વચાનું નિર્મોચન (moulting) કરીને છેવટે કોશેટાવસ્થા (pupal stage) પ્રાપ્ત કરે છે.
કોશેટાને એક જાડું આવરણ હોય છે અને તેની અંદર વિકસતો કીટક સુષુપ્ત જીવન પસાર કરે છે. પુખ્ત જીવન માટે યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોશિત સુષુપ્ત જીવન પસાર કરે છે. આ સમય-મર્યાદા જૂજ દિવસો પૂરતી હોય અથવા તો તે મહિનાઓ સુધી લંબાયેલી હોઈ શકે છે. સાનુકૂળ પર્યાવરણિક પરિબળો પ્રાપ્ત થતાં તે પોતાનું કવચ તોડીને તેમાંથી બહાર નીકળે છે અને પુખ્તઅવસ્થા પ્રાપ્ત કરે છે અને પાંખની બે જોડ ધરાવતો થાય છે.
મચ્છરનું જીવન-વૃત્તાંત પણ ચાર અવસ્થાઓમાં વહેંચાયેલું હોય છે. મચ્છરો પાણીમાં ઈંડાં મૂકે છે. ઈંડાંના વિકાસથી થયેલી ઇયળ પાણીમાં રહેવા છતાં શ્વાસોચ્છવાસ માટે પાણીની સપાટી પર વાતાવરણમાં આવીને હવાની લે-મૂક કરે છે. ત્યારપછીની અવસ્થાને કોશિત (pupa) અવસ્થા કહે છે. કોશિત ખોરાકનું ગ્રહણ કરતું નથી, પરંતુ તે પાણીની ઉપલી સપાટીએ આમ-તેમ ફરે છે. કોશિતના રૂપાંતરણથી પ્રગટ થયેલ પુખ્ત મચ્છર હવામાં ઊડી શકે તે માટે પાંખની એક જોડ ધરાવે છે.
ચમરી (silver fish) કીટકનાં બચ્ચાં, સ્વરૂપે પુખ્ત પ્રાણીનાં જેવાં હોય છે. આમ આ કીટકમાં રૂપાંતરણનો અભાવ હોય છે. વાણિયા(dragon fly)ની ઇયળો (nymphs) પાંખ વગરની હોય છે. ઇયળ-અવસ્થાના નિર્મોચન દરમિયાન તેનો વિકાસ થતાં પાંખની બે જોડ તેને પ્રાપ્ત થાય છે અને એ રીતે તે પુખ્ત અવસ્થામાં આવે છે.
મ. શિ. દૂબળે