રૂપનગર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 32´થી 31° 24´ ઉ. અ. અને 76° 18´થી 76° 55´ પૂ. રે. વચ્ચેનો 2,117 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશના ઉના અને બિલાસપુર જિલ્લા; પૂર્વ તરફ સોલન (હિ. પ્ર.), ચંડીગઢ (કેન્દ્રશાસિત પ્રદેશ) અને અંબાલા (હરિયાણા) જિલ્લા; દક્ષિણે રાજ્યનો પતિયાલા જિલ્લો; નૈર્ઋત્યમાં ફતેહગઢ સાહિબ જિલ્લો તથા પશ્ચિમે લુધિયાણા, નૌશહર અને હોશિયારપુર જિલ્લા આવેલા છે. 1976ની 16 નવેમ્બરે રાજ્ય સરકારે આ જિલ્લાનું જૂનું નામ રોપર હતું તે બદલીને જિલ્લામથક રૂપનગરના નામ પરથી રૂપનગર રાખેલું છે.

રૂપનગર

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ પહાડી છે. શિવાલિકની તળેટીની ટેકરીઓનો પહાડી વિસ્તાર વાયવ્યથી અગ્નિ દિશા તરફ વિસ્તરેલો છે. તે નજીકનાં મેદાનોનો જળવિભાજક બની રહેલો છે. આનંદનગર સાહિબ અને રૂપનગર તાલુકાઓના ઉત્તર તરફના ભાગો તળેટી-ટેકરીઓના વિસ્તારમાં આવે છે; જ્યારે આ જ તાલુકાઓ અને ખરાડ તાલુકાઓના નીચાણવાળા વિભાગો મેદાનમાં આવે છે. જિલ્લાનો કેટલોક વિસ્તાર વર્ષાઋતુ દરમિયાન ભરાતી નદીઓથી ઘેરાયેલો રહે છે. સતલજ નદીનો અહીંનો કેટલોક ભાગ નવસાધ્ય કરવામાં આવેલો છે. શિવાલિકની તળેટી-ટેકરીઓમાંથી નીકળતાં ઝરણાં અને નાની નદીઓ અહીં થઈને વહે છે. સતલજ, સાવન અને સિરસા અહીંની મુખ્ય નદીઓ છે. સતલજ નદી તિબેટના ઉચ્ચપ્રદેશમાં માનસરોવરમાંથી નીકળી આનંદપુર સાહિબ તાલુકામાં થઈને રૂપનગર અને હોશિયારપુર જિલ્લાઓની સરહદે વહે છે. સતલજ નદી પરનો ભાકરા બંધ અહીં નજીકમાં જ આવેલો છે, તેની પાછળ વિશાળ ગોવિંદસાગર જળાશય છે. તેમાંથી વીજળી અને સિંચાઈ માટેનાં જળ મળી રહે છે. રૂપનગર અને નાંગલ ખાતે તેનાં પાણીને ભાકરા નહેર અને સરહિંદ બિસ્ત દોઆબમાં વાળવામાં આવે છે. સતલજ નદીને હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશમાંથી પાણી મળી રહેતાં હોવાથી તે આખું વર્ષ ભરેલી રહે છે. સાવન નદી હિમાચલ પ્રદેશના દોલતપુર ચોક નજીકની ઉના ખીણમાંથી નીકળે છે. તે ઉના જિલ્લામાં વહીને ત્યાંથી આનંદપુર સાહિબ તાલુકામાં પ્રવેશે છે. આ નદી વર્ષાઋતુ પૂરતી મોસમી નદી છે. તેમાં આવતાં પૂરથી તારાજી પણ થાય છે. વળી વચ્ચે વચ્ચે કેટલાક ભાગોમાં આ નદીએ રેતીની આડશો પણ ઊભી કરી છે. સિરસા નદી કાલકાના ઉપરવાસમાંથી નીકળે છે. ત્યાંથી તે નાલાગઢ ખીણમાં વહીને રૂપનગર તાલુકામાં પ્રવેશે છે અને અરણકોટ ખાતે સતલજને મળે છે. આ નદી જૂના વખતમાં નૈના દેવી અને આનંદપુર સાહિબનાં યાત્રાસ્થળો પર જતા-આવતા યાત્રાળુઓનો ભોગ લેતી હતી, પરંતુ તે પછીથી રૂપનગર-નાંગલ માર્ગ પર તેને આડબંધ બાંધીને તેના પર નિયંત્રણ લાવવામાં આવેલું છે. આ ઉપરાંત આ જિલ્લામાં ઘણી નાની નાની મોસમી નદીઓ પણ છે. આ નદીઓમાં વર્ષાઋતુ દરમિયાન આવતાં પૂરથી માલમિલકત તથા ખેતીના પાકોને નુકસાન થાય છે. તેના પર નિયંત્રણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ખેતી–પશુપાલન : ઘઉં, મકાઈ, ડાંગર અને શેરડી અહીંના મુખ્ય પાકો છે. જિલ્લાની આશરે 66 % જેટલી ભૂમિ ખેડાણ હેઠળ છે, પરંતુ તેને પૂરતી સિંચાઈ ઉપલબ્ધ કરી શકાતી નથી, માત્ર 38 % જમીનોને જ સિંચાઈ મળે છે. આથી નહેરો, કૂવા અને ટ્યૂબવેલનો વધુ ઉપયોગ થાય છે. અહીં ભૂગર્ભજળ ઊંડાં છે, પરંતુ વીજળીની સુવિધા હોવાથી ટ્યૂબવેલમાંથી પાણી મેળવી શકાય છે. ભાકરાની નહેરો અને સરહિંદ નહેરો આ જિલ્લાના ભાગોમાંથી પસાર થાય છે. જિલ્લામાં ગોચરનું ચરિયાણ માટેની ભૂમિનું પ્રમાણ ઓછું છે. આ કારણે પશુઓની સંખ્યા ઘટતી ગઈ છે. અહીં જર્સી ગાયો લાવવામાં તેમજ ઉછેરવામાં આવી રહેલી હોવાથી અન્ય ઢોરોનો ઉછેર ઓછો થયો છે. જર્સી ગાયોને કારણે પંજાબ રાજ્યમાં દૂધ-ઉત્પાદન વધ્યું છે. પશુઓ માટે જિલ્લામાં સારી સંખ્યામાં ચિકિત્સાલયો તેમજ પશુવિસ્તરણ-કેન્દ્રો ઊભાં થયાં છે. કેટલાક લોકો મોટા પાયા પર મરઘાં-બતકાંનો ઉછેર પણ કરે છે.

ઉદ્યોગો : આ જિલ્લો દેશમાં ઔદ્યોગિક દૃષ્ટિએ ઝડપથી વિકસતો ગયો છે. અહીં ખરાડ ખાતે એક સુતરાઉ કાપડની અને એક ઊનની મિલ આવેલી છે. મોરિન્ડા ખાતે ખાંડની બે સહકારી મિલો, આનંદપુર સાહિબ ખાતે તેમજ નયા નાંગલ ખાતે ખાતરનાં બે કારખાનાં આવેલાં છે. નયા નાંગલનું ખાતરનું કારખાનું ભારતમાં મોટું ગણાય છે. નયા નાંગલ ખાતે અણુશક્તિ-ઊર્જા એકમો અને અણુ-રિએક્ટરો માટે જરૂરી ભારે પાણીનું એક એકમ સ્થાપવામાં આવેલું છે. આ ઉપરાંત મોહાલી ખાતે એક લાખ લિટર ઉત્પાદનક્ષમતાવાળો આધુનિક દૂધ-ઉદ્યોગ પણ સ્થાપવામાં આવ્યો છે. મોહાલીને મધ્યસ્થ ઔદ્યોગિક મથક જાહેર કરવામાં આવેલું હોવાથી બીજા સંખ્યાબંધ ઉદ્યોગો પણ અહીં વિકસ્યા છે. મોહાલીમાં ઉત્પન્ન થતી પેદાશોમાં ડ્રાઇ સેલ બૅટરીઓ, ટ્રૅક્ટરો અને તેના છૂટા ભાગો, કાંડા-ઘડિયાળો અને તેના છૂટા ભાગો, રોગનિવારક અને જીવનરક્ષક ઔષધિઓ, સિગારેટ બનાવવા માટેની યંત્રસામગ્રી, વણાટકામ માટેનાં સાધનો, ટેલિવિઝન-સેટ, વાઢકાપનાં સાધનો, વીજાણુ-યંત્રસામગ્રી વગેરેનો સમાવેશ થાય છે. 1996ની ઉપલબ્ધ માહિતી અનુસાર અહીં પંજાબ નૅશનલ ફર્ટિલાઇઝર ઍન્ડ કેમિકલ્સ લિ., પંજાબ આલ્કલીઝ ઍન્ડ કેમિકલ્સ લિ. અને પંજાબ આનંદ લૅમ્પ ઇન્ડસ્ટ્રિયલ લિ. જેવા મુખ્ય ઉદ્યોગો કાર્યરત છે. રૂપનગર પાસે હોશિયારપુર જિલ્લામાં ટ્રૅક્ટરોના ભાગોનું ઉત્પાદન કરવા માટે ડી. સી. એમ. એંજિનિયરિંગ પ્રૉડક્ટસ અને સ્ટાર પેપર મિલ ઊભાં કરાયાં છે. આ ઉદ્યોગોને કારણે રૂપનગર અને નજીકના ઘણા વિસ્તારોના લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે. આ ઉપરાંત વીજળી-ઉત્પાદનના ક્ષેત્રે પણ આ જિલ્લાએ હરણફાળ ભરી છે. કોટલા અને ગંગુવાલ ખાતે જળવિદ્યુત ઉત્પાદન-મથકો કામ કરી રહ્યાં છે. આ મથકો ભાકરા બંધની મુખ્ય નહેર પર આવેલાં છે. બીજું એક જળવિદ્યુતમથક પણ આનંદપુર સાહિબ ખાતે પૂર્ણ થઈ ગયું છે. વળી રૂપનગર નજીક પણ એક તાપવિદ્યુત-મથક બાંધવામાં આવી રહ્યું છે. ભાકરા ઊર્જા-ઉત્પાદન મથક હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલું હોવા છતાં બીજા બધા હેતુઓના સંદર્ભમાં આ જિલ્લાનું જ ગણાય છે. આ ઉપરાંત બીજાં ઊર્જામથકો પણ બંધાઈ રહ્યાં છે. ઊર્જા-ઉત્પાદનની દૃષ્ટિએ આ જિલ્લો પંજાબ રાજ્યનો આગળ પડતો જિલ્લો ગણાય છે.

વેપાર : રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ આ જિલ્લાનાં નગરો પણ વેપાર-વાણિજ્યનાં મુખ્ય મથકો બની રહેલાં છે. મોરિન્ડા ખાંડ, કુરાલી મગફળી, રૂપનગર ઘઉં અને બટાટા તેમજ કિરાતપુર લાકડાં માટેના ઉત્પાદનનાં મુખ્ય વેપારી મથકો છે. આ બધાં મથકો રેલમાર્ગો તથા સડકમાર્ગોની સુવિધા પણ ધરાવે છે.

પરિવહન : આ જિલ્લામાં દર 100 ચોકિમી.માં 85 કિમી.ના અથવા જિલ્લાની દર એક લાખની વસ્તીએ 265 કિમી.ના પાકા રસ્તા છે. જિલ્લાનું દરેક ગામ પાકા રસ્તાથી જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 21 અને રાજ્ય ધોરીમાર્ગ નં. 16 આ જિલ્લામાંથી પસાર થાય છે. મોરિન્ડા, કુરાલી, રૂપનગર (રોપર), કિરાતપુર સાહિબ, આનંદપુર સાહિબ અને નાંગલ નગરોમાં રેલમાર્ગોની સગવડ છે. આ મથકો અંબાલા અને લુધિયાણા સાથે પણ રેલમાર્ગે જોડાયેલાં છે.

પ્રવાસન : આ જિલ્લામાં શીખ ધર્મ સાથે સંકળાયેલાં ઘણાં ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થળો આવેલાં છે. ભઠ્ઠા સાહિબ, આનંદપુર સાહિબ, ચામકોર સાહિબ અને કિરાતપુર સાહિબ આ પૈકીનાં વધુ મહત્વનાં ધાર્મિક સ્થળો છે. (i) ભઠ્ઠા સાહિબ : રૂપનગર–ચંડીગઢ માર્ગ પર રૂપનગરની નજીક આવેલું આ ધાર્મિક સ્થળ કોટલા-નિહંગ નામથી પણ ઓળખાય છે. અહીં 1914માં ભઠ્ઠા પાસે ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવેલું છે. લોકો પોતાની મન:કામના પૂરી કરવા માટે અહીં આવે છે. (ii) આનંદપુર સાહિબ : રૂપનગરથી 35 કિમી.ને અંતરે રૂપનગર–નાંગલ માર્ગ પર આ સ્થળ આવેલું છે. તે શીખોના નવમા તથા દશમા ગુરુના અહીં લાંબા ગાળાના રોકાણથી જાણીતું બનેલું છે. ખાલસા પંથનો જન્મ અહીં થયેલો. ગુરુદ્વારા કેસગઢ સાહિબ પણ શીખો માટેનું યાત્રામથક છે. તે શીખોના પાંચ તખ્તાનું સ્થળ પણ છે. ગુરુ ગોવિંદસિંહ અહીં મુઘલો સાથે લડાઈઓ લડેલા. વળી તેમણે નૈનાદેવીના પવિત્ર સ્થળના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે આ સ્થળ પર પસંદગી ઉતારેલી. ગુરુ ગોવિંદસિંહ ફાઉન્ડેશને અહીં રાષ્ટ્રીય અકાદમીની જેમ દશમેશ અકાદમી ઊભી કરેલી છે. દરેક હોળી-પર્વ પર અહીં મેળો ભરાય છે. તેમાં વરઘોડો નીકળે છે અને લશ્કરી કૂચ પણ નીકળે છે. આ મેળા વખતે ધાર્મિક અને રાજકીય સભાઓ પણ ભરાય છે. (iii) ચામકોર સાહિબ : આ સ્થળ રૂપનગરથી 9 કિમી. અંતરે સરહિંદ નહેરને ડાબે કાંઠે આવેલું છે. આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું હોવાથી ઘણા શીખો તેની મુલાકાત લે છે. તેને ચામકોર દી ગારહી પણ કહે છે. મુઘલ દળો સાથેની સમજૂતી પછી જ્યારે ગુરુ ગોવિંદસિંહ અહીં આવેલા ત્યારે આ સ્થળે એક નાનો કિલ્લો હતો. તે વખતે તેમના બે પુત્રો બાબા અજિતસિંહ અને બાબા ઝુઝરસિંહ તથા ચાલીસ અનુયાયીઓ પણ સાથે હતા. બીજે દિવસે તેઓ તેમના બંને પુત્રો અને 37 અનુયાયીઓને અહીં મૂકીને ગયેલા. તે પછીના દિવસે મુઘલ દળોએ ખૂનખાર જંગ ખેલ્યો, જેમાં આ બધા મરાયા. આ શહીદોની સ્મૃતિમાં આ કિલ્લાના સ્થળે ગુરુદ્વારા બંધાયું. તે શહીદગઢ અથવા કતલગઢ તરીકે પણ ઓળખાય છે. આ શહીદોની સ્મૃતિમાં દર વર્ષે પોષ માસમાં અહીં મેળો ભરાય છે. (iv) કિરતપુર સાહિબ : આ સ્થળ રૂપનગરથી 25 કિમી.ને અંતરે રૂપનગર–નાંગલ માર્ગ પર આવેલું છે. હિમાચલ પ્રદેશમાંથી આવતાં લાકડાંના બજાર તરીકે તે જાણીતું છે. મંડીકુલુ અને નાંગલ–ચંડીગઢ માર્ગો અહીં ભેગા થાય છે. સતલજ નદી પર અહીં એક ઘાટ બાંધવામાં આવેલો છે. શીખો આ ઘાટ પર મૃતલોકોની ભસ્મ પધરાવવા આવે છે. આ જગા પાતાલપુરી તરીકે પણ ઓળખાય છે. વળી તે મધ્ય હિમાચલ પ્રદેશ માટેનું પ્રવેશદ્વાર પણ ગણાય છે. અહીંથી જુદા જુદા માર્ગો બિલાસપુર, સુંદરનગર, મંડી, કુલુ અને નૈનાદેવી તરફ જાય છે; તેથી તે વાહનવ્યવહારનું મધ્યસ્થ મથક પણ બની રહેલું છે. (v) નાંગલ : રૂપનગરથી 55 કિમી.ને અંતરે સતલજ નદીના ડાબા કાંઠા પર આવેલું નગર. નાંગલથી ઉપરવાસ તરફ 14 કિમી. અંતરે ભાકરા બંધ આવેલો છે. અહીં ભાકરાની મુખ્ય નહેરમાં પાણી વાળવા માટેનું મથક પણ ઊભું કરવામાં આવેલું છે. નહેરમાં પાણી મળતું રહે તે માટે નાનું જળાશય પણ તૈયાર કરાયેલું છે. 1943–44ના ગાળામાં ભાકરા-નાંગલ બંધ બાંધવા આ સ્થળની પસંદગી થઈ ત્યારે આ સ્થળે જ વસાહત બંધાયેલી. દુનિયાભરમાં ઊંચાઈની દૃષ્ટિએ આ બંધ બીજા ક્રમે આવે છે. આ બંધ જોવા માટે હજારો લોકોની અવરજવર રહે છે. (vi) નયા નાંગલ : સતલજ નદીના જમણા કાંઠે, નાંગલની બરોબર સામે આવેલું સ્થળ અને ઔદ્યોગિક નગર. તે ખાતરના કારખાના તેમજ ભારે પાણીના એકમને કારણે જાણીતું છે. અહીં નજીકમાં જ મોહાલી ખાતે સાહિબજાદા અજિતસિંહનગર પણ બન્યું છે. તે ચંડીગઢથી માત્ર 8 કિમી. દૂર આવેલું છે. અહીં ઘણા ઉદ્યોગો વિકસ્યા છે. તેનો વહીવટ ચંડીગઢથી થાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 11,10,000 જેટલી છે. તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 75 % અને 25 % જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિંદુ, મુસ્લિમ, શીખ લોકોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનોની ઓછી છે. જિલ્લામાં પંજાબી અને હિંદી ભાષાઓ બોલાય છે. છેલ્લા બે દશકાઓમાં અહીં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. સાક્ષરતાનું પ્રમાણ 58 % જેટલું છે. છેલ્લા દશકામાં તબીબી સુવિધાઓ પણ વધી છે. જિલ્લામાં ઘણાં સ્થળોએ હૉસ્પિટલો, ચિકિત્સાલયો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણ-કેન્દ્રો અને કુટુંબનિયોજન-કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ૩ તાલુકાઓ અને 6 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 નગરો અને 917 (22 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : રૂપનગર જિલ્લાનો વિસ્તાર તથા શહેર બંને ઘણું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. અહીં શીખ ધર્મ સાથે સંકળાયેલાં ઘણાં ઐતિહાસિક સ્થળો આવેલાં છે. શીખોના નવમા અને દશમા ગુરુ આનંદપુર સાહિબના સ્થળે લાંબો વખત રોકાયેલા. ખાલસા પંથનો અહીં જન્મ થયેલો. શીખોના પાંચ તખ્તનું સ્થળ અહીં આવેલું છે. ગુરુ ગોવિંદસિંહ અહીં મુઘલો સાથે લડાઈઓ લડેલા. ગુરુ ગોવિંદસિંહ મુઘલો સાથેની સમજૂતી પછી ચામકોર સાહિબ ખાતે તેમના બંને પુત્રો અજિતસિંહ અને ઝુઝરસિંહ તેમજ 40 અનુયાયીઓ સાથે આવેલા. અહીં મુઘલો સાથે ખુનખાર લડાઈ થયેલી. તેમાં જે શહીદો થયેલા તેમની સ્મૃતિમાં અહીંના કિલ્લાના સ્થળે ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવેલું જે શહીદગઢ અથવા કતલગઢના નામથી જાણીતું છે. દુનિયાના ઊંચા બંધો પૈકીનો એક ભાકરા-નાંગલ બંધ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનો છે. રૂપનગર શહેર ખાતે મહારાજા રણજિતસિંહ અને બ્રિટિશ ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બૅન્ટિન્ક વચ્ચે 18૩1માં એક ઐતિહાસિક બેઠક યોજાયેલી. આ શહેરમાં આવેલા એક ટેકરામાં ઉત્ખનન થયેલું છે. તેમાંથી હરપ્પા અને મોહેં-જો-દડો-સંસ્કૃતિકાળના સિક્કા અને માટીનાં પાત્રો મળી આવેલાં છે, જે આ સ્થળની પ્રાચીનતાનો ખ્યાલ આપે છે.

રૂપનગર (શહેર) : પંજાબ રાજ્યના ઈશાન ખૂણામાં આવેલા રૂપનગર જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 30° 58´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે. તે સતલજ નદીના ડાબા કાંઠા પર આવેલું છે. મ્યુનિસિપલ કમિટી તેનો વહીવટ સંભાળે છે. તે મનાલી, હોશિયારપુર, ચંડીગઢ, જલંધર વગેરે જેવાં મહત્વનાં શહેરો સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. સતલજ નદીનાં પાણીને સરહિંદ નહેર તથા બિસ્ત દોઆબ નહેરમાં વાળવા માટે અહીં એક મથક બાંધેલું છે.

આ જિલ્લો વર્ષો પહેલાં તાળાંના ઉત્પાદન માટે જાણીતો હતો. પરંતુ હવે અલીગઢ અને કોલકાતાનાં તાળાંની સ્પર્ધાને કારણે અહીંના આ ઉદ્યોગને ફટકો પડ્યો છે. રૂપનગર–નાંગલ માર્ગ પર, સિરસા નદીના કાંઠા પર, 10 કિમી.ને અંતરે તાપવિદ્યુતમથક આવેલું છે. આ નદીને પેલે પાર હોશિયારપુર જિલ્લામાં પણ ઘણાં કારખાનાં ઊભાં થયાં છે. તેને કારણે રૂપનગરના ઘણા લોકોને રોજગારી મળે છે. અહીં આ નગર ખાતે દર વર્ષે પશુમેળો ભરાય છે.

ગિરીશભાઈ પંડ્યા