રૂદકી સમરકન્દી (જ. આશરે 865, બન્જ [પંચદહ], રૂદક, સમરકંદ; અ. 940) : દસમા સૈકાના પ્રખર ફારસી કવિ. તેમનું મૂળ નામ અબુ અબ્દુલ્લાહ જાફર બિન મુહમ્મદ બિન હકીમ બિન અબ્દુર્રહમાન બિન આદમ હતું. રૂદકી ‘રૂદ’ (એક પ્રકારનું વાજિંત્ર) સરસ વગાડતા. તેને લીધે તેમણે પોતાનું કવિનામ ‘રૂદકી’ રાખેલું.
તેમના જન્મ અને અવસાનનાં તારીખ-વર્ષ અંગે અલગ અલગ મત પ્રવર્તે છે. 8 વર્ષની વયે પવિત્ર કુરાન કંઠસ્થ કરેલું તેવી તેમની અસાધારણ સ્મરણશક્તિ હતી. બાળપણથી જ કાવ્યરચના કરવા માંડેલી અને શીઘ્રકાવ્યો ખૂબ જ મધુર સ્વરે તેઓ ગાતા અને આનંદ-ઉલ્લાસમાં રહેતા હતા. રૂદકી વીણા તેમજ સારંગી વગાડવામાં પણ નિપુણ હતા.
તેમની અંધ અવસ્થા માટે પણ મતમતાંતર ચાલે છે. આધુનિક યુગના સંશોધક બદી ઉઝઝમા ફીરોઝ આન્કરના મતે રૂદકી તેમના જીવનના છેલ્લા તબક્કે અંધ બન્યા હતા, જ્યારે ઇસ્માઇલ બિન એહમદ સાયાની રાજગાદી પર આવ્યા ત્યારે તેણે બિલઅમીને પદભ્રષ્ટ કર્યો અને રૂદકી સહિત તેમનાં સગાં-સ્નેહીઓની આંખોમાં ધગધગતા સળિયા ખોસી તે ફોડી નાખવામાં આવેલી, અને તેને કારણે રૂદકી અંધ બનેલા.
રૂદકીએ તેમની હયાતીમાં ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. તેમના સમકાલીન કવિઓ તેમને ‘ઉસ્તાદ’ કવિ કહેતા. તેમની કવિત્વશક્તિ ઉત્તમ પ્રકારની અને શૈલી સાદી છતાં પ્રબળ હતી. તેમણે ‘કલીલા વ દિમના’ વાર્તાને કાવ્યસ્વરૂપ આપ્યું હતું. રૂદકીએ 100 કાવ્યસંગ્રહો આપ્યાનું કહેવાય છે; પરંતુ તેમના ‘દીવાન’ (કાવ્યસંગ્રહ) સિવાય અન્ય કૃતિઓ ઉપલબ્ધ નથી. અંગ્રેજી કવિ ચૉસરે અંગ્રેજી સાહિત્યની જેવી સેવા કરી તેવી જ સેવા રૂદકીએ ફારસી સાહિત્યની કરી છે. રાષ્ટ્રીય ભાષાને સજીવન કરવામાં તેઓ અગ્રેસર રહ્યા. મધુર, પ્રબળ અને જુસ્સાદાર ભાષા ઉત્પન્ન કરવાનો યશ તેમના ફાળે જાય છે. તેઓ કસીદા, રુબાઈ, મસ્નવી, કિતઅ અને ગઝલો રચવામાં પ્રવીણ હતા. તેમની કાવ્યપંક્તિઓની સંખ્યા 1૩ લાખ જેટલી થવા જાય છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ