રૂટર (router) : વિદ્યુતશક્તિથી ચાલતું સુવાહ્ય (portable) સુથારી ઓજાર. આ ઓજાર મુખ્યત્વે લાકડાનું ફર્નિચર બનાવવા માટે વપરાય છે. તેની બનાવટમાં વીજમોટર, ચક્રમાં લગાવેલ ગોળ ફરી શકે તેવાં પાનાં, પીઠ (base) અને પકડવા માટે મૂઠહાથા (handle knobs) એ મુખ્ય ભાગો છે. પીઠની મદદથી આ મશીન જે ભાગ પર કામ કરવાનું હોય ત્યાં ગોઠવી શકાય છે. વળી પીઠના સંદર્ભમાં મોટર ઉપર-નીચે કરી શકાય તેવી વ્યવસ્થા હોય છે. આને લીધે ઓજાર/પાનાં ગોળ ફરવા ઉપરાંત ઉપર-નીચે કરી શકાય અને લાકડાને જરૂરિયાત પ્રમાણે છોલી શકાય છે અને એમાં છિદ્રો પણ પાડી શકાય છે. પીઠનું તળિયું ગોળ લીસી ચકતીના સ્વરૂપમાં હોય છે. આમ હોવાથી મશીન સહેલાઈથી સરકાવી શકાય છે. કાપની ઊંડાઈ વધુ-ઓછી કરવા માટે રૂટર મશીનમાં પાઇલોટ પિનો આવેલી હોય છે. આ પિનોનું સેટિંગ કરી શકાય છે. જે કામ માટે રૂટર મશીન વાપરવાનું હોય તેને ધ્યાનમાં લઈ ત્રણ અથવા ચાર ધારોવાળાં કટર રાખવામાં આવે છે. કટર ઘણી ઝડપથી ફરતું હોઈ સુથારી કામ ઝડપથી થાય છે. રૂટર સર્વતોમુખી (versatile) શક્તિ-ઓજાર છે, જે સુથારીકામ ઉપરાંત છોલણ કરવાનું હોય તેવાં ગૃહોપયોગી કાર્યો માટે પણ વાપરી શકાય છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ