રૂઝવેલ્ટ, ફ્રૅન્કલિન (જ. 30 જાન્યુઆરી 1882, સ્પ્રિંગવુડ, હાઇડ પાર્ક, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1945, વૉર્મ સ્પ્રિંગ્ઝ, જ્યૉર્જિયા) : ચાર વાર ચૂંટાનાર તથા 12 વર્ષથી વધુ સમય હોદ્દો ભોગવનાર યુનાઇટેડ સ્ટેટ્સના એકમાત્ર પ્રમુખ. તેમણે શાળાનો અભ્યાસ ગ્રોટન, મૅસેચૂસેટ્સમાં કર્યો. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે 1903માં સ્નાતક થયા. તેમણે 1907માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી કાયદાની પરીક્ષા પાસ કરી. 1910માં રૂઝવેલ્ટ ન્યૂયૉર્કની સેનેટમાં ચૂંટાયા. એપ્રિલ 1917માં યુનાઇટેડ સ્ટેટ્સ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું, ત્યારે તેઓ નૌકાદળના મદદનીશ સચિવ હતા.

ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ

1918માં યુરોપનાં યુદ્ધમેદાનોનો તેમણે પ્રવાસ કર્યો અને લશ્કરના નેતાઓને મળ્યા. તેમને ઑગસ્ટ 1921માં લકવા(Polio myelitis)ની બીમારી થઈ. ગરમ પાણીના ઝરામાં તરવાથી તેમાં સુધારો થતો, પરંતુ અનેક દર્દીઓને લકવાની સારવાર પોષાતી નહોતી. તેથી તેમણે ગરમ પાણીના ઝરા ખરીદી લઈને ઘણાં વર્ષો સુધી દર્દીઓને ઓછા ખર્ચે સારવાર કરવાની સગવડ આપી. 1924માં તબિયતમાં સુધારો થવાથી રૂઝવેલ્ટ દેશના રાજકારણમાં પાછા ફર્યા. તેઓ 1928માં ન્યૂયૉર્કના ગવર્નર ચૂંટાયા. ગવર્નર તરીકે તેમણે વિવિધ પ્રગતિશીલ કાયદાને સમર્થન આપ્યું. ઑક્ટોબર 1929માં મહામંદી શરૂ થતાં તેમણે ન્યૂયૉર્કમાં બેકારો માટે રાહત આપવાની વ્યવસ્થા કરી. 1930માં તેઓ ફરીવાર ગવર્નર તરીકે ચૂંટાયા. ગવર્નર તરીકેની તેમની કામગીરીથી તેમને આખા દેશમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. દેશના પ્રમુખપદની 1932ની ચૂંટણીમાં રૂઝવેલ્ટ ડેમોક્રૅટિક પક્ષ તરફથી ચૂંટાયા અને માર્ચ 1933માં તેમણે હોદ્દો ધારણ કર્યો. તે વખતે મહામંદીને કારણે પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. પોતાના પરિવાર વાસ્તે મફત ખોરાક મેળવવા હજારો બેકાર કામદારો લાઇનમાં ઊભા રહેતા. ગીરો મૂકવાને કારણે અસંખ્ય ખેડૂતો તથા કામદારોએ પોતાનાં ઘર ગુમાવ્યાં હતાં અથવા રકમ પાછી ન આપી શકવાથી ઘર ગુમાવવાનાં હતાં. ભયભીત લોકોના એકાએક ધસારાને કારણે સમગ્ર દેશમાં અનેક બૅન્કો નાણાં ચૂકવી શકતી નહોતી. હોદ્દો ધારણ કરીને રૂઝવેલ્ટે ‘બૅન્કોની રજા’ જાહેર કરી, સરકારે બૅન્કોના ચોપડા તપાસી, સારી સ્થિતિની બૅન્કોને ખોલવા દીધી. પ્રમુખે લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. બૅન્કોની આપત્તિ દૂર થઈ. તેમણે 9 માર્ચ 1933ના રોજ કૉંગ્રેસની ખાસ બેઠક બોલાવી અને સુધારાને લગતા અનેક ખરડા સો દિવસમાં પસાર કરાવ્યા. પોતાના સુધારાના કાર્યક્રમને રૂઝવેલ્ટ ‘ન્યૂ ડીલ’ કહેતા હતા. લોકોને રોજગારી આપવા તેમણે રસ્તા, પુલો, શાળાઓ બાંધવા, બગીચા સ્વચ્છ કરવા જેવી અનેક યોજનાઓ માટે સ્થાનિક સંસ્થાઓને નાણાં આપ્યાં. સામાજિક સલામતી ધારા દ્વારા તેમણે બેકારોને રાહત આપી. વિદેશની બાબતોમાં ખાસ કરીને લૅટિન અમેરિકાના દેશો સાથે તેમણે ‘સારા પાડોશી’(good neighbour)ની નીતિ અમલમાં મૂકી. તેમની સરકારે નવેમ્બર 1933માં સોવિયેત સંઘની સરકારને માન્યતા આપી અને રાજકીય પ્રતિનિધિઓ મોકલવામાં આવ્યા.

1936માં યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં રૂઝવેલ્ટ પ્રમુખ તરીકે બીજી વાર ચૂંટાયા. તેમને લાગ્યું કે ચીન ઉપરના જાપાનના હુમલા વિશ્વશાંતિ માટે ખતરારૂપ છે. તેથી પોતાના દેશનું લશ્કર અને નૌકાદળ તેમણે મજબૂત અને વધુ શસ્ત્રસજ્જ કર્યું. ઉત્તર ચીનમાં આવેલ જાપાનના પૂતળા રાજ્ય સમાન મંચુકુઓને તેમણે માન્યતા આપી નહિ.

1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીએ પૉલૅન્ડ પર આક્રમણ કર્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. તે પછી કૉંગ્રેસે તટસ્થતાનો ધારો પસાર કર્યો. ડેમોક્રૅટિક પાર્ટીએ પરંપરાનો ભંગ કરીને 1940માં રૂઝવેલ્ટને સતત ત્રીજી વાર પ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા. મોટાભાગના અમેરિકનોએ વિચાર્યું કે રૂઝવેલ્ટનાં નેતૃત્વ તથા અનુભવની હજી વધુ સમય માટે આવશ્યકતા હતી. આ ચૂંટણીમાં રૂઝવેલ્ટ પ્રમુખ તરીકે ચૂંટાયા. આ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઇંગ્લૅન્ડને યુદ્ધ માટે મદદ કરતું હતું. ઑગસ્ટ 1941માં રૂઝવેલ્ટ તથા બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ ન્યૂફાઉન્ડલૅન્ડ, કૅનેડા પાસે ઍટલૅંટિક મહાસાગરમાં એક યુદ્ધ-જહાજમાં મળ્યા અને ‘ઍટલૅંટિક ચાર્ટર’ની જાહેરાત કરી. 7 ડિસેમ્બર 1941ના રોજ જાપાને અમેરિકાના પૅસિફિક સમુદ્રના પર્લ હાર્બર ખાતેના નૌકાકાફલા પર બૉંબવર્ષા કરી. બીજે દિવસે યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન વિરુદ્ધ લડાઈ જાહેર કરી. ત્રણ દિવસ પછી 11 ડિસેમ્બરના રોજ જર્મની તથા ઇટાલીએ અમેરિકા વિરુદ્ધ લડાઈ જાહેર કરી. યુદ્ધ ઍટલૅંટિક અને પૅસિફિક મહાસાગરો સુધી વિસ્તર્યું. વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાષ્ટ્રોના નેતાઓ સાથે વિચારણા કરવા રૂઝવેલ્ટ ઘણી વાર વિદેશ ગયા. રૂઝવેલ્ટ, ચર્ચિલ તથા સોવિયેત વડાપ્રધાન સ્તાલિન યુદ્ધ અને ત્યારબાદ શાંતિ અંગેની ચર્ચાઓ કરવા માટે ભેગા મળતા. નવેમ્બર 1943માં તેઓ તેહરાન(ઈરાન)માં મળ્યા અને યુદ્ધના સંચાલન તથા યુદ્ધ પશ્ચાત્ સહકાર અંગેનાં નિવેદનો તૈયાર કર્યાં. આ પરિષદને લીધે ત્રણે રાજ્યો વચ્ચેના સંબંધો દૃઢ થયા. 1944માં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં રૂઝવેલ્ટ ચોથી વાર પ્રમુખ તરીકે ચૂંટાયા. પ્રમુખપદની ચોથી મુદત શરૂ થઈ ત્યારે રૂઝવેલ્ટની તબિયત નરમ હતી. સોવિયેત સંઘના ક્રીમિયા પાસે આવેલા યાલ્ટામાં ત્રણ મહાસત્તાઓ(યુ.એસ., યુ.કે. અને સોવિયેત સંઘ)ની પરિષદ મળી તેમાં રૂઝવેલ્ટે યુનાઇટેડ નેશન્સની રચના અંગેની તથા યુદ્ધ પશ્ચાત્ વ્યવસ્થા અંગેની ચર્ચા કરી. આ દરમિયાન સ્તાલિનનાં હેતુઓ તથા કામગીરી અંગે તેમને શંકાઓ પેદા થઈ. માર્ચ 1945માં તેઓ આરામ કરવા વૉર્મ સ્પ્રિંગ્ઝ (જ્યૉર્જિયા) ગયા અને ત્યાં સેરીબ્રલ હેમરેજ થવાથી અવસાન પામ્યા.

જયકુમાર ર. શુક્લ