રુસ્કા અર્ન્સ્ટ (જ. 25 ડિસેમ્બર 1906; અ. 27 મે 1988, વેસ્ટ બર્લિન) : ઇલેક્ટ્રૉન-પ્રકાશિકી(electron optics)માં મૂળભૂત સંશોધનકાર્ય અને પ્રથમ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરવા બદલ અન્ય બે વિજ્ઞાનીઓ સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની.
ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભકાળમાં પરમાણુની આંતરિક સંરચના સ્પષ્ટ થઈ. વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે પરમાણુની અંદર અવપરમાણુઓ પણ રહેલા છે. તેમાં ખાસ કરીને કક્ષીય પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રૉનની જાણકારી પછી ભૌતિકવિજ્ઞાનમાં ક્રાંતિ થઈ.
આ સમયે રુસ્કાએ ઇલેક્ટ્રૉન-પ્રકાશિકીમાં પાયાનું સંશોધન કર્યું. 1920ના દાયકામાં એ સાબિત થઈ ચૂક્યું હતું કે ઇલેક્ટ્રૉનકણો તરંગના ગુણધર્મો ધરાવે છે અને તેમની તરંગલંબાઈ પ્રકાશના કરતાં 1,00,000 ગણી ઓછી છે. રુસ્કાને પ્રથમ વાર ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રૉન જેવા સૂક્ષ્મ અવપરમાણુને જોવા કે તેના અભ્યાસ માટે પ્રકાશીય માઇક્રોસ્કોપ બિલકુલ પર્યાપ્ત નથી. રુસ્કાએ માન્યું કે પ્રકાશનાં કિરણોને જેમ યોગ્ય દૃગકાચ વડે કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે તેમ શક્તિશાળી ઇલેક્ટ્રૉનની કિરણાવલીને ચુંબકીય અથવા સ્થિતવિદ્યુત લેન્સ વડે કેન્દ્રિત કરી શકાય છે. પ્રકાશીય માઇક્રોસ્કોપના સિદ્ધાંત ઉપરથી રુસ્કાએ 19૩1માં પ્રથમ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરી. 19૩0–40 દરમિયાન આવા ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપે સૂક્ષ્મ જીવાણુઓનો વિગતવાર અભ્યાસ કરીને જીવવિજ્ઞાનનાં કેટલાંક રહસ્યો ખુલ્લાં કરવામાં મદદ કરી. 1940માં ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની મદદથી વિષાણુઓનો અભ્યાસ કરવામાં આવ્યો.
રુસ્કાએ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપ આપીને ભૌતિકવિજ્ઞાન તેમજ જીવવિજ્ઞાનના ક્ષેત્રે સૂક્ષ્મકણો અને જીવાણુઓના અભ્યાસ માટેની ભારે સવલત કરી આપી છે.
પશ્ચિમ બર્લિનના મૅક્સ પ્લાંક સોસાયટીના ફ્રિટ્ઝ હેબર ઇન્સ્ટિટ્યૂટમાંથી તેઓ 1972માં નિવૃત્ત થયા હતા.
ઇલેક્ટ્રૉન-પ્રકાશિકીના અભ્યાસ અને ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરવા બદલ 1986માં ભૌતિકવિજ્ઞાનનો નોબલ પુરસ્કાર તેમને અન્ય બે વિજ્ઞાનીઓના સહયોગમાં એનાયત કરવામાં આવ્યો.
સ્વીડનની રૉયલ સોસાયટી ઑવ્ સાયન્સિઝે તેમની શોધને વીસમી સદીની એક અત્યંત મહત્વની શોધ તરીકે બિરદાવી છે.
આશા પ્ર. પટેલ