રુવેન (Rouen) : ફ્રાન્સના પાટનગર પૅરિસની વાયવ્યમાં આવેલું શહેર તથા નદીનાળ બંદર. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 1° 05´ પૂ. રે.. આ શહેરની દક્ષિણે સર્પાકારે વહેતી સીન નદી આવેલી છે, તેની પશ્ચિમે 87 કિમી.ને અંતરે લ હાવ્ર (Le Havre) અને અગ્નિ દિશા તરફ 140 કિમી.ને અંતરે પૅરિસ શહેરો આવેલાં છે. સીન નદીના મુખથી પૂર્વ તરફ આ શહેર આશરે 70 કિમી. દૂર આવેલું છે. અહીં તે નદીનાળના મથાળે આવેલું હોવાથી એક વિશાળ અને ઉત્તમ બારા તરીકે ઉપયોગમાં લેવાય છે. 20,000 ટનની ક્ષમતાવાળાં માલવાહક જહાજો અહીં સરળતાથી અવરજવર કરી શકે છે. આ બારા મારફતે આફ્રિકામાંથી કોલસો, લાકડાં, ધાતુખનિજો, રસાયણો અને દારૂની આયાત થાય છે; જ્યારે યંત્રો, વાહનોના પુરજા, રાસાયણિક ખાતર, દવાઓ, ખાદ્યપદાર્થો, ખાદ્યતેલ, સિમેન્ટ અને કાપડની નિકાસ થાય છે. આ શહેરની આજુબાજુ જહાજવાડો; ધાતુને લગતા ઉદ્યોગો; રંગ, રસાયણો, ખાતર તથા સુતરાઉ કાપડના અને યાંત્રિક સાધનો બનાવવાના એકમો આવેલાં છે.

રુવેન શહેરની મધ્યમાં ઈ. સ. 1200થી 1500ના સમયગાળામાં બંધાયેલા કિલ્લાઓ ગૉથિક સ્થાપત્ય-શૈલીના ઉત્તમ નમૂનાઓ ગણાય છે. અહીંનું વિશાળ ગિરજાઘર તથા અતિપ્રાચીન ચીજવસ્તુઓનું સંગ્રહાલય ખૂબ જાણીતાં છે. 1૩00ની સાલમાં બનાવાયેલું વિશાળ ઘડિયાળ આજે પણ કાર્યરત છે; એટલું જ નહિ તે શહેરની વિશિષ્ટતા બની રહેલું છે. જાણીતા નવલકથાકાર ફ્લૉબર્ટ(Flaubert)નું સ્મારક પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે.

આ શહેર નૉર્મન્ડી રાજ્યનું પાટનગર છે. સીન નદીના જમણા કાંઠે જૂનું રુવેન શહેર છે, તેની આજુબાજુ પહાડો આવેલા છે. શહેરના આ વિભાગમાં જૂના વખતના આવાસો જોવા મળે છે. આ કારણે તેને સંગ્રહાલય-નગર (museum town) પણ કહે છે. 1970માં તેની ઉત્તરે યુનિવર્સિટી તથા વસાહતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સીન નદીના ડાબે કાંઠે આવેલી વસાહતો બીજા વિશ્વયુદ્ધ (19૩9–1945) દરમિયાન નાશ પામેલી, પરંતુ તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરનો વિસ્તાર 1,01,945 ચોમીટર જેટલો અને વસ્તી 1,05,500 (1991) જેટલી છે.

ઇતિહાસ : અહીં ત્રીજી સદીમાં રોમનોનું વર્ચસ્ હતું. તે સમયે સર્વપ્રથમ સેંટ મિલોને ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો. 1066માં અંગ્રેજોએ તથા 1204માં ફ્રેન્ચોએ આ વિસ્તાર જીતી લીધો. 1419માં ઇંગ્લૅન્ડના હેન્રી પાંચમાએ આ વિસ્તાર ફરીથી કબજે કરેલો, જે 1449માં ફ્રેન્ચોએ પાછો મેળવી લીધેલો. બીજા વિશ્વયુદ્ધમાં આ શહેરને ઘણું નુકસાન પહોંચેલું.

નીતિન કોઠારી