રુવેનઝોરી પર્વતમાળા : યુગાન્ડા અને ઝાઇરની સરહદે આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 0° 40´ ઉ. અ. અને 29° 0´ પૂ. રે.. ટૉલેમીએ તેના લખાણમાં જેનો ઉલ્લેખ ‘Mountains of the Moon’ તરીકે કરેલો છે તે જ આ પર્વતમાળા હોવી જોઈએ. અહીંનાં હિમાચ્છાદિત શિખરોમાંથી પાણી નીકળે છે અને નાઈલને જઈ મળે છે. તેથી તેને નાઈલ નદીનું ઉદગમસ્થાન પણ મનાય છે. આ પર્વતમાળા વિષુવવૃત્તની ઉત્તરે આવેલી છે. તે એડ્વર્ડ સરોવર (ઈદી અમીન દાદા સરોવર) અને આલ્બર્ટ સરોવર (મોબુટુ સરોવર) વચ્ચે ઉત્તર-દક્ષિણ 128 કિમી. લંબાઈમાં વિસ્તરેલી છે અને તેની પહોળાઈ સ્થાનભેદે 50થી 65 કિમી. જેટલી છે. આ પર્વતમાળા પશ્ચિમ તરફ ઉગ્ર ઢોળાવવાળી છે, ત્યાં ફાટખીણ આવેલી છે; જ્યારે પૂર્વ તરફનો તેનો ઢોળાવ ક્રમિક છે. ધીમે ધીમે તે યુગાન્ડાના ઉચ્ચપ્રદેશમાં ફેરવાય છે. તેની વિશેષતા એ છે કે તે જ્વાળામુખીજન્ય નથી; પરંતુ પ્રાચીન સ્ફટિકમય ખડકોથી બનેલી છે અને ઉત્થાન પામેલી છે. એ રીતે તે આફ્રિકાનાં મોટાભાગનાં અન્ય હિમશિખરોથી જુદી પડી જાય છે. વાસ્તવમાં તે અલગ અલગ હિમજથ્થા ધરાવતા ભાગોથી બનેલો એક ઉત્ખંડ (Horst) છે. અહીં 6 જેટલાં હિમશિખરો આવેલાં છે. 5,109 મીટર ઊંચાઈ ધરાવતું તેનું સર્વોચ્ચ શિખર માર્ઘેરિતા માઉન્ટ સ્ટેનલી વિભાગમાં આવેલું છે. આ પર્વતમાળાના મોટા ગણાતા પર્વતો ઘાટથી તેમજ સેમલિન્કી નદીને મળતી અનેક ઊંડી નદીખીણોથી જુદા પડે છે. હિમનદીઓ અને નાનાં સરોવરો પર્વતોની ઉપલી ખીણોમાં આવેલાં છે. પર્વતો પરની કાયમી હિમરેખા પૂર્વ તરફ 4,440 મીટર અને પશ્ચિમ તરફ 4,770 મીટરના સ્તરે આવેલી છે. અહીંનાં પર્વતશિખરો મોટેભાગે વાદળોથી ઢંકાયેલાં રહે છે. અહીં હિંદી મહાસાગર અને ઍટલૅન્ટિક મહાસાગર તરફથી જે ભેજવાળા પવનો આવે છે તે ઉપર ચડતાં વાદળોમાં ફેરવાઈ જાય છે. આ કારણે અહીં વરસાદનું પ્રમાણ પણ વિશેષ રહે છે. યુગાન્ડા ઢોળાવો પર 100થી 150 દિવસો દરમિયાન પડી જતા સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ આશરે 1,900 મિમી. જેટલું રહે છે. ઊંચાઈનાં જુદાં જુદાં સ્થાનો, ઘાસના પ્રદેશો, જંગલો, ઉજ્જડ પર્વતભાગો તેમજ હિમવિભાગો મુજબ વરસાદનું પ્રમાણ બદલાય છે.
અહીંના જંગલ-વિભાગોમાં હાથી અને ભેંસ જેવાં મોટાં સસ્તન પ્રાણીઓ તથા હિમરેખાથી નીચે તરફના લગભગ દરેક ભાગમાં નાનાં હરણ અને બિલાડાં જેવાં પ્રાણીઓ જોવા મળે છે. યુગાન્ડાના વિશાળ વન્ય વિસ્તારના પૂર્વ ઢોળાવો પરનું જંગલ મોટું ગણાય છે. વન્ય જીવન જાળવી રાખવા તેનાં જંગલ અને જળપર્યાવરણને માટે જેમનાં તેમ રાખ્યાં છે. 1952માં સ્થાપવામાં આવેલો રુવેનઝોરી નૅશનલ પાર્ક એડ્વર્ડ સરોવરની પૂર્વ તરફ અને નૈર્ઋત્ય યુગાન્ડામાં રુવેનઝોરી પર્વતમાળાની દક્ષિણે આવેલો છે.
રુવેનઝોરી પર્વતમાળાનું આર્થિક મહત્વ કિલેમ્બે(યુગાન્ડા)માંથી મેળવાતા તેના તાંબા અને કોબાલ્ટના નિક્ષેપોને આભારી છે. આ પર્વતમાળાની મોટી નદી મુબુકુમાંથી મેળવાતી જળવિદ્યુત અહીંની ખાણોને પૂરી પાડવામાં આવે છે. પર્વતમાળાના પૂર્વ તરફના ઢોળાવોના અંબા અને કોંજો લોકો ખેતીનો વ્યવસાય કરે છે. તેઓ વાલ, શક્કરિયાં અને કેળાંનું વાવેતર કરે છે.
અગાઉ અહીં વસતા સ્થાનિક લોકો આ પર્વતમાળાને ચંદ્રપર્વતો કહેતા હતા. ઍલેક્ઝાન્ડ્રિયાના ટૉલેમીએ તેણે બનાવેલા નકશામાં ‘રુવેનઝોરી’ (સ્થાનિક ભાષા મુજબ તેનો અર્થ વરસાદ આપનાર એવો થાય છે) નામ સર્વપ્રથમ વાપરેલું.
હેન્રી એમ. સ્ટૅનલીએ 1887–89 દરમિયાન આ પર્વતો પહેલી વાર જોયેલા અને તેણે તેને નામ આપેલું. ત્યારબાદ આ પર્વતો યુરોપિયન આરોહકોએ પણ ચઢાણના ઉપયોગમાં લીધેલા. અબ્રુઝીનો ડ્યૂક આરોહકો પૈકીનો એક હતો. 1906માં તે ઘણાંખરાં શિખરો ખૂંદી વળેલો અને તેણે પૂરતી માહિતીવાળો નકશો પણ પ્રકાશિત કરેલો.
ગિરીશભાઈ પંડ્યા